Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

અફઘાનમાં લોકો ૨૦ દિવસની બાળકીના પણ લગ્ન કરાવવા તૈયાર

તાલિબાનના શાસન બાદ અફઘાન બરબાદી ભણી : દહેજમાં થોડા પૈસા મેળવવાના આશયથી અફઘાનમાં લોકો શરમજનક સ્થિતિમાં કૃત્ય આચરી રહ્યાનું જાણવા મળ્યું

નવી દિલ્હી, તા.૧૩ : તાલિબાની શાસન લાગુ થયા બાદ અફઘાનિસ્તાન બહુ ઝડપથી બરબાદ થવા તરફ ધકેલાઈ રહ્યુ છે. અફઘાનિસ્તાનમાં સ્થિતિ એટલી બગડી ગઈ છે કે, માતા પિતા પોતાની ૨૦ દિવસની બાળકીના પણ લગ્ન કરાવી દેવા તૈયાર છે.જેથી દહેજમાં થોડા પૈસા મળી શકે. યુનિસેફના આંકડા પ્રમાણે અફઘાનિસ્તાનમાં ૨૮ ટકા કિશોરીઓના લગ્ન ૧૫ વર્ષ પહેલા અને ૪૯ ટકાના લગ્ન ૧૮ વર્ષ પહેલા કરી દેવામાં આવે છે.દેશમાં રાજકીય અસ્થિરતા પેદા થઈ તે પહેલા પણ ૨૦૧૮ અને ૨૦૧૯માં અફઘાનિસ્તાનના બે પ્રાંતમાં ૧૮૩ બાળ વિવાહ થયા હતા અને બાળકોને વેચવામાં આવ્યા હોવાના કિસ્સા પણ સામે આવ્યા હતા.વેચાયેલા બાળકોની વય મહિનાથી લઈને ૧૭ વર્ષ સુધીની હતી.

યુનિસેફના હેનરીટા ફોરેએ કહ્યુ હતુ કે, અમને એવી પણ જાણકારી મળી છે કે, પરિવારો દહેજના બદલામાં ભવિષ્યમાં લગ્ન કરવા માટે ૨૦ દિવસની બાળકીઓને પણ વેચી રહ્યા છે.કારણકે દેશમાં અત્યારે અડધા કરતા વધારે વસતી પાસે પીવાનુ પાણી અને ખાવાનાની પણ વ્યવસ્થા નથી.ખરાબ આર્થિક સ્થિતિના કારણે લોકો હજી વધારે ગરીબી તરફ ધકેલાઈ રહ્યા છે.

ફોરેનુ કહેવુ છે કે, શિક્ષણ બાળ વિવાહ અને ચાઈલ્ડ લેબર જેવા દુષણો સામે લડવા માટેનુ સારુ માધ્યમ છે પણ તાલિબાને યુવતીઓના શિક્ષણ પર રોક લગાવી દીધી છે.

(7:34 pm IST)