Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

કેન્દ્રની ખેડૂત-કામદાર-લોકવિરોધી નીતિ સામે સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો લાલઘુમઃ બજેટ સત્ર દરમ્યાન ૨ દિ' હડતાલ પાડશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર કામદાર, ખેડૂતો, લોકો વિરોધી અને કોર્પોરેટ જગત તરફી નીતિઓ સામે કેન્દ્રીય મજુર સંગઠનો ધોકો પછાડયો છે અને આગામી બજેટ સત્ર દરમ્યાન બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન કર્યુ છેઃ તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. કેન્દ્ર સરકારની નીતિઓને કારણે દેશનું અર્થતંત્ર ખાડે ગયુ છે અને લોકોને જીવન જીવવાનું મુશ્કેલ બન્યુ છે. હવે સમય આવી ગયો છે કે લોકો અને દેશને બચાવવો, સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોનું કહેવું છે કે, સરકાર જાહેર એકમોનું આડેધડ ખાનગીકરણ કરી રહેલ છે, લોકો ભાવ વધારાના વિષચક્રમાં ફસાયા છે, ગરીબ વધુ ગરીબ બને છે અને ધનિક વધુ ધનિક બને છે. સરકાર જમીન ઉપરની હકીકત સમજતી નથી જેથી બેરોજગારી અને ભૂખમરો વધી રહ્યો છે. યુનિયનોએ માંગણી કરી છે કે, લેબર કોડ નાબુદ કરો, કૃષિ કાયદો-ઈલે. કાયદો રદ કરો, ગરીબોને મહિને રૂ. ૭૫૦૦ આપો, મનરેગા હેઠળ ફાળવણી વધારો, રોજગાર ગેરન્ટી મળવી જોઈએ, ખાનગીકરણ બંધ કરવું જોઈએ, પેટ્રોપેદાશો પરની ડયુટી ઘટવી જોઈએ, યુનિયનોએ બજેટ સત્ર દરમ્યાન બે દિવસની હડતાલનું એલાન કર્યુ છે જેની તારીખો હવે જાહેર થશે.

(4:31 pm IST)