Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

અર્થતંત્રની ગાડી પાટે ચડી : ઓક્ટોબરમાં રીટેલ વેચાણમાં 34 ટકાનો જબરો ઉછાળો

પશ્ચિમ ભારતમાં છૂટક વેચાણમાં સૌથી વધુ 23 ટકાની વૃદ્ધિ : જ્વેલરી સેગમેન્ટમાં સૌથી વધુ વધારો

નવી દિલ્હી : દેશની અર્થવ્યવસ્થામાં સતત સુધારાના સંકેત દેખાઈ રહ્યા છે. ઓક્ટોબર મહિનામાં છૂટક વેચાણમાં 34 ટકાનો જબરો ઉછાળો નોંધાયો હતો.રિટેલ એસોસિએશન ઓફ ઈન્ડિયા એટલે કે RAI દ્વારા આ જાણકારી અપાઈ છે  RAIની માહિતી મુજબ ઓક્ટોબર 2019 સાથે તુલના કરવામાં આવે તો આ વર્ષે ઓક્ટોબર મહિનામાં માત્ર 14 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. જોકે, ગયા વર્ષની સરખામણીમાં આમાં 34 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. એક રીપોર્ટ અનુસાર ઓક્ટોબર મહિનામાં તહેવારોની સિઝન ચાલી રહી હતી. આવી સ્થિતિમાં, રિટેલ સેલ્સની વાસ્તવિક સ્થિતિ વિશે જાણવા માટે ઓક્ટોબર અને નવેમ્બરના ડેટા મહત્વપૂર્ણ છે.

આવી સ્થિતિમાં બજાર અને માંગનું યોગ્ય મૂલ્યાંકન નવેમ્બરના ડેટા પછી જ થશે. જો કે, અત્યાર સુધીના તમામ સૂચકાંકો સકારાત્મક સંકેતો આપી રહ્યા છે.

ભારતના વિવિધ પ્રદેશોની વાત કરીએ તો, પશ્ચિમ ભારતમાં છૂટક વેચાણમાં 23 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. આ કોરોનાના અગાઉના સ્તરની સરખામણીમાં છે. તે પછી, પૂર્વ ભારતમાં વિકાસ દર 13 ટકા અને ઉત્તર અને દક્ષિણ ભારતમાં 10-10 ટકા રહ્યો છે.

સેલ્સમાં જ્વેલરી સેગમેન્ટમાં સૌથી વધુ વૃદ્ધિ નોંધાઈ છે. આ સેગમેન્ટમાં 24 ટકાનો ઉછાળો આવ્યો. એપેરલ સેગમેન્ટમાં 6 ટકાનો ઉછાળો નોંધાયો છે. ગ્રોસરી અને ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટમાં 31 ટકા અને 29 ટકાનો વધારો નોંધાયો છે.

આ તરફ સપ્ટેમ્બર મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (IIP) એ 3.1 ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી છે. આ માહિતી NSO દ્વારા શેર કરવામાં આવી છે. સપ્ટેમ્બર 2020માં IIP 1 ટકા હતો. વર્તમાન નાણાકીય વર્ષ વિશે વાત કરીએ તો, એપ્રિલ અને સપ્ટેમ્બર વચ્ચે, પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક  23.5 ટકા હતો, જે નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ છ મહિનામાં માઈનસ 20.8 ટકા રહ્યો હતો.

(12:36 am IST)