Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

સેન્સેક્સમાં ૮૬, નિફ્ટીમાં ૨૯ પોઇન્ટનો સામાન્ય ઊછાળો

કોરોનાના વધતા કેસ વચ્ચે વૈશ્વિક બજારમાં વધઘટ : ટાટા સ્ટીલ, ICICI બેંક, એક્સિસ બેંક, બજાજ ફાઇનાન્સ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના શેરોમાં તેજી

મુંબઈ, તા. ૧૩ : વૈશ્વિક બજારમાં વધઘટ વચ્ચે નાણાકીય શેરોમાં સુધારણાને પગલે સેન્સેક્સમાં શુક્રવારે ૮૬ અંકનો ઉછાળો આવ્યો હતો. બીએસઈનો ૩૦ શેરોનો સંવેદનશીલ ઇન્ડેક્સ સેન્સેક્સ ૮૫.૮૧ પોઇન્ટ અથવા ૦.૨૦ ટકા વધીને ૪૩,૪૪૩ પોઇન્ટ પર બંધ રહ્યો છે. એ જ રીતે, એએનએસઈનો નિફ્ટી પણ ૨૯.૧૫ પોઇન્ટ અથવા ૦.૨૩ ટકાના વધારા સાથે ૧૨,૭૧૯.૯૫ પોઇન્ટ રહ્યો છે.

સેન્સેક્સ કંપનીઓમાં બજાજ ફિનસર્વ સૌથી વધુ ચાર ટકા જેટલો વધ્યો હતો. આ સિવાય ટાટા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, બજાજ ફાઇનાન્સ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) ના શેરો પણ વધ્યાછે.

બીજી તરફ, એચડીએફસી, એચડીએફસી બેક્ન, ટેક મહિન્દ્રા, ભારતી એરટેલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટીસીએસના શેર ઘટયા હતા.

રિલાયન્સ સિક્યોરિટીઝના સંસ્થાકીય વ્યવસાયના વડા અર્જુન યશ મહાજને કહ્યું હતું કે, નાણાકીય ક્ષેત્રે પસંદગીના શેરોમાં સુધારો થયો છે. આનાથી સ્થાનિક શેરબજાર પ્રારંભિક ખોટમાંથી સુધારવામાં સક્ષમ બન્યું છે.

તેમણે કહ્યું કે એફએમસીજી સિવાય તમામ જૂથોના સૂચકાંકો તેજીમાં રહ્યા. મેટલ અને ફાર્માસ્યુટિકલ કંપનીઓના શેરમાં તીવ્ર વધારો જોવા મળ્યો. જોકે, યુરોપ અને અમેરિકામાં કોરોના વાયરસનો રોગચાળો વધતાં રોકાણકારોમાં ચિંતા હતી. રસી વિશે સ્પષ્ટતા, તેમજ બીજા ક્વાર્ટરમાં કંપનીઓના નક્કર પ્રદર્શન અને આત્મનિર્ભર ભારત હેઠળ વધારાના આર્થિક રાહતનાં પગલાંએ સ્થાનિક શેર બજારોને ટેકો આપ્યો હતો. કોરોના વાયરસના વધતા જતા કેસો અને તેને વધારતા વ્યવસાય પરના નિયંત્રણોને કારણે રોકાણકારો વૈશ્વિક મોરચે સાવચેત રહ્યા હતા. એશિયન બજારોમાં, ચીનના શાંઘાઈ કમ્પોઝિટ, હોંગકોંગની હેંગસેંગ અને જાપાનની નિક્કીમાં ઘટાડો જોવા મળ્યો હતો. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં તેજી રહી હતી. મોટાભાગના યુરોપિયન બજારો શરૂઆતના વેપારમાં આગળ વધી રહ્યા હતા.

દરમિયાન ક્રૂડ ઓઇલનું આંતરરાષ્ટ્રીય માનક બ્રેન્ટ ક્રૂડ ૦.૬૯ ટકા ઘટીને બેરલ દીઠ ૪૩.૨૩ ડોલર પર પહોંચી ગયું છે.

(8:04 pm IST)