Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

તાઇવાનમાં રોડ અકસ્‍માતમાં ગંભીર રીતે ઘાયલ અને 62 દિવસથી કોમામાં રહેલા યુવક ફેવરીટ ડિશનું નામ લેતા જ હોંશમાં આવી ગયો

તાઈપે: તાઈવાનમાં એક રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલો યુવક છેલ્લા 62 દિવસથી કોમામાં હતો. ડોક્ટરોની તમામ કોશિશો છતાં આ યુવક હોશમાં નહતો આવતો. પરંતુ આ બધા વચ્ચે તેના ભાઈએ અચાનક જ તે યુવકની ફેવરિટ ડિશ ચિકન ફિલેટનું નામ શું લીધું કે યુવક ફટાક દઈને હોશમાં આવી ગયો. આ યુવકનું નામ ચિયૂ (18) હોવાનું કહેવાય છે. યુવક હોશમાં આવ્યો તે બધા માટે આશ્ચર્યથી જરાય કમ નથી.

જુલાઈ મહિનામાં હસિંચૂ કાઉન્ટીમાં રહેતો આ ચિયૂ રોડ અકસ્માતનો ભોગ બન્યો હતો. ઘટના સમયે તે પોતાનું સ્કૂટર ચલાવતો હતો. આ અકસ્માતના કારણે તેના શરીર પર અનેક ગંભીર ઈજાઓ થઈ. તેને તત્કાળ હોસ્પિટલ લઈ જવાયો. તોન યેન જનરલ હોસ્પિટલના આઈસીયૂના ડાઈરેક્ટર ત્સૂંગ હસીને કહ્યું કે ચિયૂના કિડની, લિવર સહિત શરીરના અનેક અંગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી.

હસીને જણાવ્યું હતું કે ચિયૂના પેટમાંથી ખુબ લોહી વહી રહ્યું હતું. ચિયૂની ગંભીર હાલત જોતા ડોક્ટરોએ ઈમરજન્સી સર્જરી કરી અને તેનો જીવ બચાવ્યો. પરંતુ તે કોમામાં જતો રહ્યો. હોસ્પિટલમાં ચિયૂના 6 ઓપરેશન થયા. તેમણે કહ્યું કે એકવાર તો મેડિકલ સ્ટાફે તેના શરીરના રિપેરની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તેમણે ચિયૂની મજબૂત ઈચ્છાશક્તિને તેના જીવિત રહેવામાં સૌથી મહત્વની ગણાવી.

એક નર્સે જણાવ્યું કે ચિયૂ જિદગી અને મોત સામે ઝઝૂમી રહ્યો હતો ને તેના પરિવારના સભ્યો ઈશ્વરને તેનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી રહ્યા હતા. નર્સે જણાવ્યું કે ચિયૂના કોમાના 62માં દિવસે તેના ભાઈએ અચાનક મજાકમાં કહ્યું કે ભાઈ હું તારી ફેવરિટ ચિકન ફિલેટ ખાવા જઈ રહ્યો છું. આટલું સાંભળતા જ ચિયૂના હ્રદયના ધબકારા વધી ગયા અને તે આશ્ચર્યજનક રીતે હોશમાં આવવા લાગ્યો. તેના તમામ પ્રમુખ અંગોએ કામ કરવાનું શરૂ કરી દીધુ. ચિયૂ ત્યારબાદ સંપૂર્ણ રીતે સાજો થઈ ગયો અને તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ.

(4:49 pm IST)