Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

'મે કયારેય રિટાયરમેન્ટ વિશે કહ્યું નથીઃ લોકો ખોટું સમજયા'

નીતિશનું અભી બોલા અભી ફોક

પટણા, તા.૧૩: પટણા બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર પોતાની છેલ્લી ચૂંટણીવાળા નિવેદન પરથી પલટી ગયા છે. નીતિશકુમારે કહ્યું કે ચૂંટણી રેલીમાં આપવામાં આવેલા તેમના ભાષણને ખોટી રીતે લોકો સમજયા. તેઓ આગળ પણ સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરતા રહેશે.

નીતિશકુમારે કહ્યું કે, ' મે કયારેય રિટાયરમેન્ટ વિશે વાત કરી નથી. છેલ્લી બે બેઠકથી લઈને છેલ્લી ચૂંટણી રેલી  સુધી મે બધી જગ્યાએ એમ કહ્યું કે અંત ભલા તો સબ ભલા. જો તમે મારી છેલ્લી ચૂંટણી સ્પીચ સાંભળશો તો તમારી બધી વાતો સ્પષ્ટ થઈ જશે.'

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ગુરુવારે પહેલી પ્રેસ કોન્ફરન્સ કરતા નીતિશકુમારે કહ્યું કે, 'આગળ પણ તેઓ આ જ રીતે સમર્પણથી કામ કરતા રહેશે. નીતિશકુમારે કહ્યું કે જો તમે મારા વિશે પૂછવા માંગતા હોવ તો સ્પષ્ટ કરી દઉ કે મારી કોઈ વ્યકિતગત પસંદગી નથી. જયાં સુધી હું કામ કરવામાં સક્ષમ છું, ત્યાં સુધી પૂરેપૂરા જુસ્સાથી કામ કરતો રહીશ. આ બધી વાત તમે જાણો છો.'

અત્રે જણાવવાનું કે નીતિશકુમારે પૂર્ણિયાની એક ચૂંટણી રેલીને સંબોધન કરતા  કહ્યું હતું કે આ મારી છેલ્લી ચૂંટણી છે. અંત ભલા તો સબ ભલા. રાજયમાં નવા મુખ્યમંત્રી અંગે પૂછવામાં આવતા નીતિશકુમારે કહ્યું કે મારો મુખ્યમંત્રી પદ પર કોઈ દાવો નથી. તેનો નિર્ણય NDA લેશે. આ વિશે શુક્રવારે NDAના સહયોગી પક્ષોની સાથે બેઠક થશે. જેમાં શપથગ્રહણની તારીખ નક્કી કરાશે.

નીતિશકુમારે ગુરુવારે JDU માટે ચૂંટાઈ આવેલા MLA સાથે પણ મુલાકાત કરી. તેમણે વિધાયકોને નિર્દેશ આપ્યા કે તેઓ જનતાની આશા પર ખરા ઉતરવાની કોશિશ કરે અને પબ્લિક સાથે નીકટના સંપર્ક જાળવી રાખે.

(3:23 pm IST)