Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

નિરાશાજનક આંક વચ્ચે સેંસેક્સ ૨૨૯ પોઇન્ટ ઘટીને આખરે બંધ

સેંસેક્સ કારોબારના અંતે ૪૦૧૧૬ની નીચી સપાટી ઉપર રહ્યો : ટીસીએસના શેરમાં સૌથી વધુ ચાર ટકાનો ઉછાળો : આઈઆઈપીના નબળા આંકડા, ટ્રેડવોરને લઇને વધતી ચિંતાની વચ્ચે શેરબજારમાં મંદીનું મોજુ રહ્યું

મુંબઈ, તા. ૧૩ : શેરબજારમાં આજે ઉદાસીન કારોબાર જોવા મળ્યો હતો. ઓક્ટોબર મહિનામાં સીપીઆઈ ફુગાવાના આંકડા જારી કરવામાં આવે તે પહેલા સાવધાની અને સપ્ટેમ્બર મહિના માટેના આઈઆઈપીના નિરાશાજનક આંકડાના પરિણામ સ્વરુપે શેરબજારમાં ભારે અફડાતફડી રહી હતી. અમેરિકા અન ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરને લઇને વધતી જતી ચિંતાના લીધે પણ બેંચમાર્ક ઇન્ડેક્સમાં નિરાશાનું મોજુ ફરી વળ્યું છે. બીજી બાજુ નવેસરના આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, હાલમાં સ્થિતિમાં સુધારો થનાર નથી. ભારતનો જીડીપી ૫ ટકા સુધી નીચે પહોંચી શકે છે. આ તમામ પરિબળો હેઠળ બીએસઈ સેંસેક્સ આજે ૨૨૯ પોઇન્ટ ઘટીને ૪૦૧૧૬ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૭૩ પોઇન્ટ ઘટીને ૧૧૮૪૦ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. આઈટીની મહાકાય કંપની ટીસીએસના શેરમાં આજે ચાર ટકા સુધીનો મોટો ઉછાળો નોંધાયો હતો. યશ બેંકના શેરમાં ૬.૫૦ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. આજે કારોબાર દરમિયાન સેંસેક્સને નવી નીચી સપાટી ઉપર લઇ જવામાં જે શેરે ભૂમિકા અદા કરી હતી તેમાં આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, ઇન્ફોસીસ, એટીસી અને એસબીઆઈનો સમાવેશ થાય છે. આવી જ રીતે સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો એનએસઈમાં તમામ ઇન્ડેક્સમાં મંદી રહી હતી. મિડિયાના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. નિફ્ટી મિડિયા ઇન્ડેક્સમાં ૪.૫૩ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો.

                       આની સાથે જ તેની સપાટી ૧૭૯૪ રહી હતી. મેટલના શેર યાદીમાં નીચા સ્થાને રહ્યા હતા. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૭૭ ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૬૬૦ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૫૩ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૩૪૫ રહી હતી. ઇન્ડિયન હોટલ કંપનીના શેરમાં છ ટકા સુધીનો ઉછાળો નોંધાઈ ગયો હતો. બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીના શેરમાં આજે કારોબાર દરમિયાન છ ટકા સુધીનો ઉછાળો રહ્યો હતો. કંપની દ્વારા ટેક્સ પહેલા પ્રોફિટનો આંકડો ૩૦મી સપ્ટેમ્બરના દિવસે પુરા થયેલા ત્રિમાસિક ગાળામાં ૪૯૮ કરોડનો રહેતા તેના શેરમાં તેજી રહી હતી. આ શેરમાં કારોબારના અંતે પાંચ ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. કોમોડિટીના માર્કેટમાં ઓઇલની કિંમતોમાં આજે નિરાશા રહી હતી. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરને લઇને ચાલી રહેલી મંત્રણા પહેલા કોઇ સમજૂતિ થવાની આશા દેખાઈ રહી નથી. ચાઈનીઝ શેરમાં ૦.૧૮ ટકા સુધીનો ઘટાડો અને જાપાની શેરમાં ૦.૭૬ ટકાનો ઘટાડો રહ્યો હતો. આજે કારોબાર દરમિયાન અનેક શેરમાં ઉથલપાથલની સ્થિતિ રહી હતી. જો કે, સૌથી વધારે ધ્યાન ટીસીએસમાં ખેંચાયું હતું. તેના શેરમાં ચાર ટકાની આસપાસનો ઉછાળો રહ્યો હતો.

 

(7:54 pm IST)
  • નવસારી: વાંસદામાં સતત બીજા દિવસે ભૂંકપના આંચકા અનુભવાયા :લોકોમાં ભયનો માહોલ access_time 10:36 pm IST

  • રાત્રે રાજકોટની ભાગોળે વરસાદી ઝાપટું : રાજકોટ-આટકોટ રોડ પર રાજસમઢિયાળી અને રંગુન માતા મંદિર વચ્ચે વરસાદનું જોરદાર ઝાપટું access_time 11:35 pm IST

  • ઝારખંડ વિકાસ મોરચાએ 37 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી : યૌન ઉત્પીડનના આરોપમાં ઘેરાયેલ ધારાસભ્ય પ્રદીપ યાદવને આપી ટિકિટ : ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વવાળા મહાગઠબંધનથી અલગ થયેલ ઝારખંડ વિકાસ મોરચાએ બીજી યાદી જાહેર કરી દીધી access_time 1:09 am IST