Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

પંજાબ નેશનલ બેંક કૌભાંડઃ નિરવ મોદીના ભાઈ-બહેનને સોંપવા બેલ્જિયમનો ઈન્કાર

નવી દિલ્હી, તા.૧૩: રૂ.૧૩૪૪૮ કરોડના પંજાબ નેશનલ બેંક (પીએનબી) કૌભાંડમાં બેલ્જિયમથી ચાર આરોપીને લાવવાના ભારતના પ્રયાસોને ફટકો પડયો છે. બેલ્જિયમ નાગરિકો હોવાથી ત્યાંના સતાવાળાઓએ તેમને સોંપવા ઈન્કાર કર્યો છે. આ ચારેય કેસના મુખ્ય આરોપીઓ છે અને ભાગેડુ નિરવ મોદીની બહેન પુર્વી મોદી અને ભાઈઓ નીશલ મોદી અને નેહલ મોદી તથા સહયોગી આદિત્ય નાણાવટી છે.

ભારત તેમના પ્રત્યાર્પણ માટે નવેસરથી રાજદ્વારી સ્તરે પ્રયાસ કરશે. એ સફળ નહીં થાય તો ભારત બેલ્જિયમ સાથે માહિતી શેર કરશે અને ત્યાંના મની લોન્ડરીંગ એકટ હેઠળ બેલ્જિયમમાં કાયદેસરની કાર્યવાહી કરવા જણાવશે. કૌભાંડના મની લોન્ડરીંગ અને ભ્રષ્ટાચારના પાસાની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી) અને સીબીઆઈની વિનંતીથી ઈન્ટરપોલએનિરવ મોદીના ભાઈ-બહેનો અને નાણાવટી સામે રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. નિરવ મોદીના પિતા દિપક મોદી પણ ઈડીના રડારમાં છે અને તે પણ બેલ્જિયમમાં હોવાની આશંકા છે.

ભારત અને બેલ્જિયમ વચ્ચે પ્રત્યાર્પણ સંધી છે, પણ બેલ્જિયમ નાગરિકોની વાત આવે ત્યારે એ ઉપયોગી નથી. બેલ્જિયમે તાજેતરમાં ભારતને જાણ કરી છે કે તે બેલ્જિયમોને અન્ય દેશોને સોંપતું નથી.

પાંચ આરોપીઓની એક નેહલ મોદી સામે પુરાવાઓનો નાશ કરવાનો અને ઈરાદાપૂર્વક નિરવ મોદીને તેના ગુનાઈત કૃત્યોમાં મદદ કરવાનો આરોપ છે.

ઉલ્લેખનીય છે કે નિરવ મોદી હાલ યુકેની જેલમાં છે તેને ભારત લાવવાના કાનુની પ્રયાસોમાં ભારતનો વિજય થયો હતો, પણ તેની અપીલની હાલ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે.

(3:59 pm IST)