Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણનું સ્તર વધ્યુ : સતત બીજા દિવસે હવાની ગુણવતા ગંભીર શ્રેણીમાં પહોચી

હવામાં ઠંડકમાં વધારો થયો છે, જેના કારણે પ્રદૂષક તત્વો જમીનની નજીક એકઠા થયા

નવી દિલ્હી : દિલ્હી એનસીઆરમાં રહેતા લોકોને બુધવારે સતત બીજા દિવસે પ્રદૂષણથી રાહત મળી નથી. બુધવારે તમામ વિસ્તારોમાં હવા ગંભીર કેટેગરીમાં છે. એક્યુઆઈ દિલ્હીનાં આરકે પુરમ વિસ્તારમાં 447 નાં સ્તરે છે. ગ્રેટર નોઈડામાં આ સ્તર 458 પર પહોંચ્યું છે. આ સિવાય બુધવારે સવારે નોઈડાનાં 125 સેક્ટરમાં એક્યુઆઈ સ્તર 466 હતો. વળી તે નોઈડાનાં સેક્ટર 62 માં 469 પર છે.

અગાઉ, દિલ્હીની હવાની ગુણવત્તાનાં કેટલાક દિવસો સારી રહ્યા બાદ મંગળવારે સવારે ફરી એકવાર 'ગંભીર' શ્રેણીમાં પહોંચી હતી, જે પડોશી રાજ્યોમાં પરાળી સળગાવવાનાં કારણે થઇ હોવાનુ સામે આવી રહ્યુ છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયનાં સચિવ, માધવન રાજીવને ટ્વીટ કર્યું હતું કે આગાહી મુજબ, 14 નવેમ્બર સુધીમાં હવાની ગુણવત્તા ખૂબ જ ગંભીર કેટેગરીમાં પહોંચવાની ધારણા છે.

હવામાન શાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, લઘુત્તમ તાપમાન 11.7 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું છે. હવામાન વિભાગનાં પ્રાદેશિક હવામાન કેન્દ્રનાં વડા કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે શિયાળાની શરૂઆત સાથે જ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાથી હવામાં ઠંડકમાં વધારો થયો છે, જેના કારણે પ્રદૂષક તત્વો જમીનની નજીક એકઠા થઈ જાય છે.

ઉલ્લેખનીય છે કે, એર ક્વોલિટી ઇન્ડેક્સ (એક્યુઆઈ) 0-50 વચ્ચે 'સારી, 51-100' સંતોષકારક, 101-200 'મધ્યમ', 201-300 'ખરાબ', 301-400 'અત્યંત ખરાબ, 401-500 ની વચ્ચે 'ગંભીર અને 500 થી વધુ' ખૂબ જ ગંભીર માનવામાં આવે છે.

(1:30 pm IST)