Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

મહારાષ્ટ્રના રાજકારણના ડખામાં શરદ પવાર છે માસ્ટરમાઈન્ડ : કોંગ્રેસ, શિવસેના જ નહીં ભાજપને પણ કોણીએ ગોળ લગાવ્યો

પ્લાન બી મુજબ મહારષ્ટ્રમાં ભાજપ અને એનસીપી મળીને સરકાર રચી શકે

મુંબઈ : ભાજપ અને એનસીપીના વરિષ્ઠ નેતાઓ એકમેકના સંપર્કમાં છે એવી વાતો મુંબઇ અને દિલ્હીમાં વહેતી થઇ હતી. શિવસેના સાથે એનસીપી અને કોંગ્રેસની સરકાર ન રચાઇ એટલે બી પ્લાન તરીકે ઓળખાતી એક યોજના અમલમાં મૂકવાની હિલચાલ થઇ રહી હોવાનું કહેવાય છે. આ યોજના મુજબ ભાજપ અને એનસીપી મળીને સરકાર રચી શકે છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપના 105 અને એનસીપીના સભ્યો મળીને સરકાર રચી શકે છે.

   એક અભિપ્રાય મુજબ શિવસેનાના નેતાઓ પણ જાણતા હતા કે ભાજપ અને એનસીપીના નેતાઓ એકમેકના સંપર્કમાં છે. એટલે જ શિવસેના પણ ઉતાવળ કરતી હતી પરંતુ કોંગ્રેસ અને એનસીપી લઘુમતી વોટબેંકની ચિંતામાં હોવાથી શિવસેનાને ટેકોનો પત્ર આપી શકી નહોતી. એનો લાભ ભાજપના નેતાઓ ઊઠાવી રહ્યા હતા.

  રાષ્ટ્રપતિ શાસન લદાયા છતાં મહારાષ્ટ્રમાં રાજ્ય સરકાર રચી શકાય એમ છે અને એ માટે ભાજપ અને એનસીપી હાથ મિલાવી લે તો નવાઇ નહીં એમ રાજકીય નિરીક્ષકો માનતા હતા. આ બે હાથ મિલાવે તો પછી કોઇના ટેકાની જરૂર રહેતી નથી. કેન્દ્રમાં તો ભાજપની સરકાર છે જ એટલે મહારાષ્ટ્રમાં એનસીપી સાથે ભાજપ હાથ મિલાવે તો કશું અયોગ્ય નહીં રહે એમ શરદ પવાર અને તેમના ટેકેદારો માને છે. બધા પક્ષો એકબીજા સાથે રમત રમી રહ્યા હોય એવી છાપ એકંદરે પડતી હતી.

  મહારાષ્ટ્રમાં આશરે 20 દિવસ સુધી ચાલેલી રાજકીય ખેંચતાણ બાદ મંગળવારે રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવાયું છે. ત્યારે શિવેસનાના મુખપત્ર સામનામાં આ મુદ્દે આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. સામનામાં ભાજપ, રાજ્યપાલ અને એનસીપી-કોંગ્રેસ પર નિશાન સાધવામાં આવ્યું.

  સામનાના તંત્રીલેખમાં લખવામાં આવ્યું કે મહારાષ્ટ્રમાં 24 તારીખથી જ સરકાર રચવાની તક હોવા છતાં ભાજપે 15 દિવસ સુધી કોઇ પ્રયાસ ન કર્યા. ભાજપે સૌથી મોટી પાર્ટી હોવા છતાં કોઇ ઉત્સુકતા દાખવી નહીં અને શિવસેનાને 24 કલાકનો સમય પણ ન અપાયો. આ કેવો કાયદો છે. શિવસેનાએ રાજ્યપાલ પર નિશાન સાધતા લખ્યું કે રાજ્યપાલ સત્તાધારી પાર્ટીના જ હોય છે. પરંતુ તેમણે તો ખુલ્લા મને વ્યવહાર કરવો જોઇએ.

   તેમજ બંધારણના ઉદેશ્યોનું પાલન કરવા તથા કાયદાનું પાલન કરવાનું વચન ન ભૂલવું જોઇએ. ભાજપ શાબ્દીક તીર છોડતા સામનામાં લખ્યું કે મહારાષ્ટ્રમાં ભલે હજુ હોર્સ ટ્રેડિંગ શરૂ ન થયું હોય પરંતુ તે દિશામાં ડગ મંડાવા લાગ્યા છે. રાષ્ટ્રપતિ શાસનની ભલામણ તેનું ઉદાહરણ છે. અમે નહીં તો કોઇ નહીં. ચૂંટણી પરિણામ બાદ જે આ અંહકારી વલણ દર્શાવાયું છે તે રાજ્યના હિતમાં નથી.

(1:02 pm IST)