Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

બાળકના જન્મ પછી તરત જ ગર્ભનાળ કાપવા પર મુકાશે પ્રતિબંધ

નાળ માં ના શરીરથી બહાર આવ્યા પછી જ કાપવી જોઇએઃ દેશભરમાં પ્રસુતિ દરમ્યાન ગુજરાત મોડલ અપનાવવાની ભલામણ

નવી દિલ્હી તા.૧૩: બાળકોના બહેતર શારિરીક અને માનસિક વિકાસ માટે કેન્દ્ર સરકાર બાળકના જન્મ પછી તરત જ ગર્ભનાળ કાપવાની પ્રચલિત આદત પર પ્રતિબંધ મુકવાના કામમાં લાગી ગઇ છે. આના માટે બધા રાજયોને ગુજરાત મોડલ અપનાવવાની સલાહ આપવામાં આવી છે. ત્યાં ગર્ભનાળને માંના શરીરથી સંપૂર્ણ પણે બહાર આવ્યા પછી જ કાપવામાં આવે છે.

આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના ડાયરેકટર મનોજ ઝાલાણીએ રાજયોને લખેલા પત્રમાં નાળ કાપવામાં મોડું કરવાના ફાયદાઓ ગણાવ્યા છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના આ અઠવાડીએ થનાર સંમેલનમાં પણ આ અંગે ચર્ચા થશે મંત્રાલયના એક અધિકારીએ કહ્યું આંતરરાષ્ટ્રિય માપદંડ અનુસાર નાળ જન્મ પછી ઓછામાં ઓછી એક મીનીટ પછી કાપવી જોઇએ. ગુજરાતમાં આનાથી એક ડગલું આગળ વધીને તે બહાર આવે પછી જ કાપવાની પધ્ધતિ અપનાવવામાં આવે છે. તેની અસર પણ જોવા મળે છે.

એમ્સ દિલ્હીના પીડીયાટ્રીક વિભાગના વડા ડો.અશોક દેવરારી કહે છે કે નાળ કાપવામાં થોડુંક મોડુ બાળકોના ભવિષ્ય માટે બહુ મહત્વનું છે. જયારે કેટલાક નિષ્ણાંતો વિશ્વ આરોગ્ય સંસ્થાના સ્પષ્ટ દિશાનિર્દેશો પછી એક રાજયના પ્રયોગના આધારે નવું મોડલ અપનાવવા પર સવાલો પણ ઉઠાવી રહ્યા છે વિશ્વ આરોગ્યસંસ્થાના  દિશા નિર્દેશ અનુસાર ગર્ભનાળ એકથી ત્રણ મિનીટ પછી કાપવી જોઇએ જયારે ગર્ભનાળને બહાર આવવામાં પ થી ૧૫ મીનીટનો સમય લાગે છે.(૧.૩)

નાળ મોડી કાપવાના ફાયદા

 બાળકના શરીરને પુરતું લોહી મળવાથી બ્લડ પ્રેશર અને લોહ તત્વનું પ્રમાણ યોગ્ય રહે છે.

 મગજને પુરતા પ્રમાણમાં ઓકસીજન મળવાથી માનસિક વિકાસ પણ સારો થાય છે.

 સમય પહેલા જન્મેલા બાળકને બ્રેન હેમરેજનું જોખમ નથી રહેતું અને રોગ પ્રતિકારક શકિત પણ વધે છે.

 

(11:45 am IST)