Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

અયોધ્યાની તસ્વીર અને તકદીર બદલાશે : તીર્થ વિકાસ બોર્ડ રચાશે

યાત્રીકોને રામરાજયની અનુભૂતિ કરાવવા યુપી સરકાર કામે લાગી : આંતરરાષ્ટ્રીય કક્ષાના બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન બનાવાશે : આંતરરાષ્ટ્રીય સ્તરના બનશે ક્રુઝ અને એરપોર્ટ

અયોધ્યા તા. ૧૩ : રામનગર અયોધ્યા હવે ખરાઅર્થમાં રામરાજય બની રહે તેવી જોરશોરથી તૈયારીઓ યુપી સરકારે શરૂ કરી દીધી છે.

નવા અયોધ્યાનો પ્લાન મુર્તિમંત કરવા અહીં તીર્થ વિકાસ બોર્ડની રચના કરાશે. ઉપરાંત કરોડોની પર્યટન પરિયોજનાઓ શરૂ કરાશે. જેથી અયોધ્યાયનો કાયાકલ્પ થઇ જાય. આમ અયોધ્યાની તસ્વીર અને તકદીર હવે બદલાવા જઇ રહી છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ વિકાસ બોર્ડ રચનાની જાહેરાત કરી છે. એ સાથે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશનને આંતરરાષ્ટ્રીય સ્તરના બનાવવામાં આવશે. જયારે અહીં પહેલેથી જ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની મંજુરી તો મળેલી જ છે. જેનું કામ હવે તુરંતમાં હાથ પર લેવાશે. એટલુ જ નહીં આંતરરાષ્ટ્રીય ક્રુઝ સેવા પણ શરૂ કરાશે.

જો આટલો બધો ફેરફાર આવી રહ્યો હોય તો પછી હોટલો અને રીસોર્ટનો વિકાસ થોડો બાકી રહે. અહીંના હોટલ અને રીસોર્ટને પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના બનાવવા કવાયત હાથ ધરાઇ છે.

પર્યટન અધિકારી આર.પી. યાદવે જાહેર કર્યા મુજબ અયોધ્યામાં ૧૦ મોટા પ્રોજેકટ જે વિવાદને લઇને અટકી પડયા હતા. તે ફરી સાકાર થવા જઇ રહ્યા છે. પ કરોડથી વધુ ખર્ચીને હેરીટેજ હોટલ બનાવવામાં આવશે.

ફૈઝાબાદ શહેરમાં કોહીનુર પેલેસને પણ હેરીટેજ હોટલના રૂપમાં વિકસીત કરાશે. લગભગ ૧૦ કરોડના ખર્ચે ૮ જેટલી હોટલ અને રીસોર્ટ બનાવવાની યોજના હાથ ઉપર લેવામાં આવી છે.

વ્રજ તીર્થ વિકાસ પરિષદની જેમ જ અહીં અયોધ્યા તીર્થ વિકાસ બોર્ડ બનાવવા યુપી સરકાર અયોધ્યાના સંપૂર્ણ વિકાસ માટે પ્લાનીંગ કરી રહી છે. એક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેના દ્વારા અયોધ્યાનો સુનિયોજીત વિકાસ થશે.અહીં કેન્દ્ર સરકારની સ્વદેશ દર્શન યોજના અને રાજય સેકટરની કેટલીક પરિયોજનાઓ ચાલી રહી છે. બોર્ડની રચના બાદ અયોધ્યાના સંપૂર્ણ વિકાસની સાચી શરૂઆત થશે.

સુપ્રિમ કોર્ટના આદેશ બાદ સરકાર જે ટ્રસ્ટ બનાવવાની તૈયારીમાં લાગી છે. તે વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડને પણ મળતુ આવે છે. વિહિપે કેટલાય વર્ષ પહેલા ટ્રસ્ટને લઇને ચર્ચા કરી હતી. ત્યાર પછી આ મોડલને જ સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવ્યુ. વિહિપના સંગઠન મંત્રી રામલલા વિરાજમાનના મિત્ર ત્રિલોકનાથ પાંડેયએ જણાવ્યા મુજબ સંગઠનમાં સોમનાથ મંદિર, તિરૂપતિ બાલાજી દેવસ્થાન, વૈષ્ણોદેવી સહીત દેશના તમામ મોડલો પર ચર્ચા થઇ ચુકી છે. વિવિધ ટ્રસ્ટોના અભ્યાસ બાદ શ્રધ્ધાળુઓ અને સંચાલનની દ્રસ્ટીએ વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ ટ્રસ્ટ ઉપર નજર સ્થિર કરવામાં આવી છે.

અહીં ઘાટનો વિકાસ કરવા પહેલેથી જ યોગી સરકાર કટીબધ્ધ છે. ૬૦૦ કરોડના ખર્ચે આ કાર્ય થઇ રહ્યુ છે. ત્યારે હવે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન તેમજ રામકથા પાર્ક સહીત સમગ્ર શહેરની લાઇટીંગ સુવિધાને પણ ધડમુળથી નવી બનવવા પ્લાનીંગ કરાયુ છે.

રામમંદિરને લઇને ઉભા કરી દેવાયેલ કઇ કેટલાય ટ્રસ્ટોનું આવી બનશે

અયોધ્યા : સુપ્રિમ કોર્ટના ફેંસલા પછી રામ મંદિરને લઇને બનાવવવામાં આવેલ બધા ટ્રસ્ટોનું ભવિષ્ય ખતરામાં આવી ગયુ છે. મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવાની સમયાવધી નકિક થતા જ સ્થાનીક મંદિરોમાં પણ નિર્માણના નામ પર દાન લેવાની પ્રક્રીયા શરૂ કરી દેવામાં આવી હતી.

શ્રધ્ધાળુઓને તેમના નામની ઇંટ પ્રસ્તાવિત રામ મંદિરમાં લગાવવાની સાંત્વના અપાઇ રહી છે. આ નામે રૂ.૧૦૦ થી પ હજાર સુધીનું દાન નોંધવામાં આવી રહ્યુ છે. રામ જન્મભુમિ ન્યાસના વરિષ્ઠ સદસ્ય મહંત નૃત્ય ગોપાલદાસે આ મામલાને લઇને અધિકારીઓને જાણ કરી ત્વરીત તપાસ કરાવવા રજુઆત કરી છે. કાર્યવાહી ન થાય તો પ્રધાનમંત્રી સુધી ફરીયાદ પહોંચાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અયોધ્યામાં રામ જન્મભુમિ ન્યાસ જ એક માત્ર એવુ ટ્રસ્ટ છે જે સીધુ મંદિર સાથે જોડાયેલુ છે. એ સીવાય રામ જન્મભુમિ નિર્માણ ન્યાસ, રામ જન્મભુમિ સેવા સમિતિ, રામ જન્મભુમિ નિર્માણ સહયોગ સમિતિ, જેવા કઇ કેટલાય ટ્રસ્ટો બની ચુકયા છે. માત્ર ભારત જ નહીં, નેપાળ, મ્યાનમાર, શ્રીલંકા, થાઇલેન્ડ સહીતના દેશોમાંથી રામભકતો માટે દાન મેળવવાની શાખાઓ ફુટી નિકળી હોવાની વાતે ભારે ચર્ચા જગાવી છે.

(11:41 am IST)