Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

નેશનલ હેરાલ્ડ કેસ : ચોથીએ અંતિમ દલીલો પર સુનાવણી

રાહુલ અને સોનિયા ગાંધીની સામે આવકવેરા કેસ : ઇન્કમટેક્સના મામલામાં અંતિમ દલીલો ઉપર સુનાવણી કરાશે : કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં ઉત્તેજના ફેલાઈ

નવી દિલ્હી, તા. ૧૩ : નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની સામે આવકવેરા મામલામાં ચોથી ડિસેમ્બરના દિવસે અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવશે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની અંતિમ દલીલો સાંભળવામાં આવ્યા બાદ ચોથી ડિસેમ્બરના દિવસે સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવી હતી. રાહુલ અને સોનિયા ગાંધીએ દિલ્હી હાઈકોર્ટના એવા આદેશને પડકાર ફેંક્યો હતો જેમાં ૨૦૧૧ અને ૨૦૧૨ માટે તેમના કરવેરા મુલ્યાંકનને ફરી વખત ખોલવાના મામલામાં તેમને રાહત આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેમની અરજીઓ ઉપર કોઇ નોટિસ જારી કરી નથી. કારણ કે, આવકવેરા વિભાગ તરફથી તેમના વકીલ ઉપસ્થિત રહ્યા હતા. આવકવેરા વિભાગે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી  હતી અને કહ્યું હતું કે, હાઈકોર્ટના આદેશની સામે જો કોઇ અપીલ કરવામાં આવે છે તો તેમની રજૂઆત પણ સાંભળવી જોઇએ. કેવિયેટ એક કાયદાકીય પ્રક્રિયા છે જેના મારફતે કેસમાં કોઇપણ અરજીદાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર બીજા પક્ષને સાંભળ્યા વગર ચુકાદો આપી શકાતો નથી. ટુંકી સુનાવણી બાદ જસ્ટિસ એકે સિકરી અને ન્યાયમૂર્તિ એસએ અબ્દુલનઝીરની બેંચે કહ્યું હતું કે, આવકવેરા વિભાગના લોકો હાજર છે જેથી અમે સત્તાવારરીતે કોઇ નોટિસ જારી કરી રહ્યા નથી. અંતિમ દલીલ માટે ચોથી ડિસેમ્બરની તારીખ નક્કી કરી રહ્યા છીએ. અપીલ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓસ્કાર ફર્નાન્ડિઝ દ્વારા દાખલ કરવામાં આવી હતી. આ લોકોએ હાઈકોર્ટના ૧૦મી સપ્ટેમ્બરના આદેશને પડકાર ફેંક્યો હતો. કોંગ્રેસ નેતાઓની સામે આવકવેરા મામલો નેશનલ હેરાલ્ડ મામલા સાથે જોડાયેલો છે જેમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ફોજદારી મામલાનો સામનો કરી રહ્યા છે. ૧૦મી સપ્ટેમ્બરના દિવસે મહત્વનો આદેશ કરાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૦મી સપ્ટેમ્બર ૨૦૧૮ના દિવસે દિલ્હી હાઈકોર્ટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની એવી અરજીને ફગાવી દીધી હતી જેમાં તેઓએ ૨૦૧૧ અને ૨૦૧૨માં પોતાના કરવેરા નિર્ધારણની ફાઇલ બીજી  વખત ખોલવાને પડકાર ફેંક્યો હતો. દિલ્હી હાઈકોર્ટે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, આવકવેરા વિભાગની પાસે એવા અધિકાર છે કે, ટેક્સ સંબંધિત કાર્યવાહીને તે ફરીથી કોઇપણ કેસમાં ખોલી શકે છે. કોર્ટે વધુમાં કહ્યું હતું કે, અરજી કરનાર લોકોએ પોતાની ફરિયાદને લઇને આવકવેરા વિભાગનો સંપર્ક કરવો જોઇએ.

ઓસ્કાર ફર્નાન્ડિઝે ૨૦૧૧ અને ૨૦૧૨ના દિવસે પોતાના કરવેરા નિર્ધારણની ફાઇલને ફરી ખોલવાને પડકાર ફેંક્યો હતો. કરવેરા વિભાગ મુજબ રાહુલ ગાંધીના વર્ષ ૨૦૧૧ અને ૨૦૧૨ના કરવેરા મૂલ્યાંકનને ફરીવાર ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે  કારણ કે આમા એવી માહિતી અપાઈ ન હતી કે, ૨૦૧૦થી કંપની યંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર તરીકે હતા. વિભાગ મુજબ રાહુલની યંગ ઇન્ડિયામાં કેટલી હિસ્સેદારી છે તે મુજબ તેમની આવક ૧૫૪ કરોડ રૂપિયા થાય છે. ૬૮ લાખ રૂપિયા થતી નથી. આ આવક પહેલા દર્શાવવામાં આવી હતી.

નેશનલ હેરાલ્ડ કેસ મામલો શું છે.......

નવીદિલ્હી, તા. ૧૩ : કરવેરા વિભાગના કહેવા મુજબ રાહુલ ગાંધીના વર્ષ ૨૦૧૧-૧૨ના કરવેરા મુલ્યાંકનને ફરીથી ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કારણ કે, રાહુલ ગાંધીએ તેમાં એવી માહિતી આપી નથી કે તેઓ વર્ષ ૨૦૧૦થી કંપની યંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના નિર્દેશક તરીકે હતા. વિભાગના કહેવા મુજબ રાહુલની યંગ ઇન્ડિયામાં જેટલી હિસ્સેદારી છે તેના મુજબ તેમની આવક ૧૫૪ કરોડ રૂપિયા થાય છે. ૬૪ લાખ રૂપિયાની આવક થથી નથી. પહેલા મુલ્યાંકનમાં કહેવામાં આવ્યું હતું કે, ૬૮ લાખ રૂપિયાની આવક છે. આવકવેરા વિભાગ તત્કાલિન મામલામાં આવકવેરા કાયદાની કલમ ૧૪૭ને લાગૂ કરે છે. આ કલમ હેઠળ એવી આવકને કરવેરા નેટમાં લાવવામાં આવે છે જે વાસ્તવિક મુલ્યાંકનના ગાળા દરમિયાન સામેલ કરવામાં આવતી નથી. યંગ ઇન્ડિયાને મૂલ્યાંકન વર્ષ ૨૦૧૧-૧૨ માટે ૨૪૯.૧૫ કરોડ રૂપિયાની નોટિસ જારી કરાઈ છે.

 

(8:14 pm IST)