Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

દૂધ પીવડાવી રહેલી માના ખોળામાંથી નવજાત શિશુને લઈને ભાગ્‍યો વાંદરો પછી...

આગ્રામાં વાંદરાઓનો આતંક

આગ્રા, તા.૧૩: ઉત્તરપ્રદેશના આગ્રામાં વાંદરાઓનો આતંક છે. લોકોના હાથમાંથી સામાન ઝૂંટવીને ભાગવાની ઘટનાઓ રોજ બને છે પરંતુ આ વખતે વાંદરો એક નવજાતને લઈને ભાગી ગયો. નવજાત શિશુને માતા દૂધ પીવડાવી રહી હતી ત્‍યારે તેની પાસેથી લઈને ભાગી ગયો અને મારી નાખ્‍યું. આ ઘટના સોમવાર રાતની છે.

પોલીસે જણાવ્‍યું કે, આગ્રાના રુનકતા વિસ્‍તારમાં કછારા ઠોક કોલોની છે, જયાં યોગેશ રહે છે. યોગેશ ઓટો રિક્‍શા ડ્રાઈવર છે. નેહા સાથે યોગેશના બે વર્ષ પહેલા લગ્ન થયા હતા. બંનેના ઘરે ૧૨ દિવસ પહેલા જ બાળકનો જન્‍મ થયો હતો. નેહા રાત્રે પોતાના ૧૨ દિવસના દીકરા આરુષને દૂધ પીવડાવતી હતી. યોગેશે કહ્યું કે, ઘરનો દરવાજો ખુલ્લો હતો ત્‍યારે જ અંદર એક વાંદરો ઘૂસી આવ્‍યો. નેહા કંઈ સમજે તે પહેલા જ વાંદરાએ આરુષને ગળાથી પકડયો અને બહાર ભાગી ગયો.

નેહા ચીસો પાડતી પાડતી વાંદરાની પાછળ દોડી ત્‍યારે વાંદરું પાડોશીના છાપરે ચઢી ગયું. નેહાનો અવાજ સાંભળીને લોકો ઘરની બહાર નીકળ્‍યા. લોકો વાંદરાને ભગાડવા લાગ્‍યા તો તે બાળકને ત્‍યાં ફેંકીને જતું રહ્યું. નેહાએ જણાવ્‍યું કે, આરુષના ગળામાંથી ખૂબ લોહી વહી રહ્યું હતું. લોકો બાળકને ખાનગી હોસ્‍પિટલમાં લઈ ગયા તો ડોક્‍ટર્સે તેને મૃત જાહેર કર્યો. લોકોએ કહ્યું કે, આરુષને મારતાં પહેલા આ વાંદરાએ આ વિસ્‍તારની એક ૧૪ વર્ષની છોકરી પર પણ હુમલો કર્યો હતો. છોકરી ઈજાગ્રસ્‍ત થઈ છે.

સબ ઈન્‍સ્‍પેક્‍ટર અતબીર સિંહે કહ્યું કે, બાળકના મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે મોકલવામાં આવ્‍યો. રિપોર્ટમાં બાળકના ગળા અને માથાના ભાગે વાગ્‍યું હોવાનું બહાર આવ્‍યું. સ્‍થાનિકોએ જણાવ્‍યું કે, આ વિસ્‍તારમાં જ થોડા દિવસ પહેલા વાંદરાએ એક નવજાત પર હુમલો કર્યો હતો. જો કે તેને બચાવી લેવાયો હતો.

(4:28 pm IST)