Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

રમખાણકાંડઃ મોદીને મળેલી કલીનચીટને પડકારતી અરજી સાંભળશે સુપ્રિમ કોર્ટ

૨૦૦૨ના ગુજરાતના રમખાણોના મામલામાં સુપ્રિમ કોર્ટે નીમેલી એસઆઈટીએ અગાઉ પીએમ મોદી અને અન્ય ૫૯ વ્યકિતઓને કલીનચીટ આપી હતીઃ જાકીયા જાફરીની અરજી પર સોમવારે સુનાવણી કરશે સુપ્રિમ કોર્ટ : છેલ્લા ૧૬ વર્ષથી રમખાણો અને પતિની થયેલી હત્યા સામે લડતા જાકીયા જાફરીને અગાઉ ગુજરાત હાઈકોર્ટ સહિતની અદાલતોમાંથી ફટકો પડયો છે

નવી દિલ્હી, તા. ૧૩ :. ગુજરાતના ૨૦૦૨ના રમખાણોના મામલે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન મોદીની મુશ્કેલીમાં વધારો થાય તેવા નિર્દેશો મળી રહ્યા છે. ગુજરાતમાં થયેલા રમખાણો દરમિયાન ગુલબર્ગ સોસાયટીમાં થયેલા હત્યાકાંડના મામલામાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીની પત્નિ જાકીયા જાફરીની અરજી પર સુપ્રીમ કોર્ટ ૧૯મીએ એટલે કે સોમવારે સુનાવણી કરશે. જાકીયા જાફરીએ આ મામલામાં એસઆઈટી દ્વારા પીએમ મોદી અને અન્ય ટોચના રાજકીય નેતાઓ અને ઓફિસરોને આપવામાં આવેલી કલીનચીટને પડકારતી અરજી કરી હતી અને સુપ્રીમ કોર્ટ હવે આ અરજીને સાંભળશે. તેઓએ એવો આરોપ મુકયો હતો કે ૨૦૦૨ના રમખાણો પાછળ મોટુ ષડયંત્ર રચવામાં આવ્યુ હતું. અત્રે એ નોંધનીય છે કે, રમખાણોમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીનું મોત થયુ હતું. અત્રે એ પણ નોંધનીય છે કે, ઓકટોબર ૨૦૧૭માં મોદી અને ૫૮ અન્યોને એસઆઈટી દ્વારા આપવામાં આવેલ કલીનચીટને હાઈકોર્ટે બહાલી આપી હતી. અત્રે એ પણ નોંધનીય છે કે, રમખાણોમાં માર્યા ગયેલા કોેંગી નેતા અહેસાન જાફરીની પત્નિ જાકીયા જાફરીએ તત્કાલીન મુખ્યમંત્રી મોદી અને અન્યોને સીટ તરફથી મળેલ કલીનચીટ પર નીચલી અદાલતોમાં અરજી દાખલ કરી હતી પરંતુ બધી જગ્યાએ આ અરજી ફગાવી દેવામાં આવી હતી. અત્રે એ નોંધનીય છે કે, ૨૮ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ તોફાનો દરમિયાન અમદાવાદના ગુલબર્ગ સોસાયટીમાં એક ટોળાએ અહેસાન જાફરી સહિત કુલ ૬૮ લોકોની કથીત હત્યા કરી હતી.

આ મામલાની તપાસ કરી રહેલ એસઆઈટીએ ૮ ફેબ્રુ. ૨૦૧૨ના રોજ એક કલોઝર રીપોર્ટ ફાઈલ કર્યો હતો. જેમાં મોદી અને ૫૯ અન્યોને કલીનચીટ મળી હતી. બાદમાં નીચલી અદાલતે પણ એસઆઈટીની રીપોર્ટ પર મહોર લગાવી દીધી હતી. ડીસેમ્બર ૨૦૧૩માં એક અન્ય અદાલતે જાફરીની મોદી અને અન્ય વિરૂદ્ધની આપરાધીક ષડયંત્ર હેઠળ કેસ નોંધવાની અરજીને ફગાવી દીધી હતી તે પછી તેઓ ૨૦૧૪માં ગુજરાત હાઈકોર્ટના દ્વારે ગયા હતા. પુરી સુનાવણી બાદ ગયા વર્ષે ૫ ઓકટોબરે હાઈકોર્ટે પણ આ અરજી ફગાવી હતી. જો કે હાઈકોર્ટે કહ્યુ હતુ કે અરજી કરનાર ઉપલી અદાલતમાં જઈ શકે છે.

છેલ્લા ૧૬ વર્ષોથી ગુજરાતના રમખાણો અને પોતાના પતિની હત્યાની વિરૂદ્ધ લડાઈ લડતા જાફરીએ પોતાની ફરીયાદમાં રાજકીય નેતાઓ  ઉપરાંત ઓફિસરો, પોલીસ અને અન્ય લોકોના નામ નોંધાવ્યા હતા જેમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી મોદીનું પણ નામ હતું.

(3:43 pm IST)