Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

ચાલતી BMWમાં કોબ્રા ઘૂસ્યો, કાઢવા માટે કાર ખોલવી પડી

ચેન્નઇ, તા.૧૩: તામિલનાડુના એક બિઝનેસમેન લકઝરી કાર લઇને જતા હતા અને રસ્તામાં એક કોબ્રા જોયો. રસ્તો સાંકડો હતો એટલે તેમણે ગાડી ધીમી પાડયા વિના એ જગ્યા પરથી કાર લઇ લીધી. તેમણે વિચાર્યુ કે કાં તો સાપ પૈડાં નીચે આવીને મરી ગયો હશે, કાં ડરીને સાઇડમાં ભાગી ગયો હશે. જોકે થોડીક વારમાં જોયું તો સાપનું મોં બોનેટની અંદરની તરફથી બહાર આવવા લાગ્યું. તેમણે તરત જ કાર રોકીને ફાયર-ફાઇટર્સની ટીમને ફોન કર્યો. એ ટીમે આવીને આખી કાર ચેક કરી, પણ કયાંય સાપ દેખાયો નહીં. જોકે કાર ચાલુ કરીને થોડેક દૂર ગયા ત્યાં ફરીથી તેમને કારની અંદરથી સાપ નીકળતો હોય એવું દેખાયું. આ વખતે તેમણે જોખમ લેવાને બદલે ડાયરેકટ ગાડી નજીકમાં આવેલા BMW ના ડીલરને ત્યાં રોકાવી. ત્યાંના સ્ટાફે પહેલાં તો સાપને ડરાવીને બહાર કાઢવાની કોશિશ કરી, પણ નાકામિયાબ રહ્યા. સાપ વધુને વધુ અંદર ઘૂસતો જતો હતો એટલે આખરે મેકેનિકોએ કારની આગળનું બોડી ખોલી કાઢયું. બીજી તરફ સાપ પકડવાના નિષ્ણાતોને પણ બોલાવવામાં આવ્યા હતા. જોકે સાપને કાઢવાના ચકકરમાં ગાડીની અડધોઅડધ મશીનરી ખોલી નાખવી પડી. જયારે સાપની પૂંછડી બહાર દેખાઇ એટલે સર્પમિત્રોએ સળિયાથી કોબ્રાને ખેંચી કાઢયો.

(2:53 pm IST)