Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

ડિસેમ્બરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે ઓલ ઇન્ડિયા DGP કોન્ફરન્સ : PM લેશે ભાગ

પ્રધાનમંત્રી મોદી ૨૦ ડિસેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે અને કોન્ફરન્સ માટે બે દિવસ ત્યાં રોકાશે : રાષ્ટ્રપતિ પણ આવશે ગુજરાત : સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે

નવી દિલ્હી તા. ૧૩ : આ વર્ષે ઓલ ઈન્ડિયા DGP કોન્ફરંસનું આયોજન વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સ્થળે એટલે કે કેવડિયામાં કરવામાં આવ્યું છે. મે ૨૦૧૪માં નરેંદ્ર મોદીના પ્રધાનમંત્રી બન્યા બાદ બીજી વખત DGP કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે. ડિસેમ્બર ૨૦૧૫માં કચ્છના ધોરડોમાં આ કોન્ફરન્સ યોજાઈ હતી. દેશના તમામ રાજયોના DGP, સુરક્ષા અને ઈન્ટેલિજન્સ એજન્સીના વડા અને તેમના ડેપ્યુટીઓ કોન્ફરંસમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી મોદી ૨૦ ડિસેમ્બરે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે અને કોન્ફરન્સ માટે બે દિવસ ત્યાં રોકાશે. ગુજરાત સરકારના અધિકારીઓ તરફથી મળેલી માહિતી પ્રમાણે બે દિવસીય કોન્ફરન્સના અંતિમ દિવસે પ્રધાનમંત્રી સંબોધન કરી શકે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૧૫ ડિસેમ્બરે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લે તેવી શકયતા છે સાથે જ રાષ્ટ્રપતિ ૨૨ ડિસેમ્બરે ધોરડોમાં કચ્છના નાના રણની મુલાકાત લેશે.

DGP કોન્ફરન્સ સાથે જોડાયેલા એક અધિકારીએ માહિતી આપી કે, 'PM મોદી અને કેંદ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે ઓલ ઈન્ડિયા DGP કોન્ફરન્સમાં ભાગ લેવા માટે હામી ભરી છે. બે મહિનાથી પણ ઓછા સમયમાં બીજી વખત પ્રધાનમંત્રી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સાઈટ ખાતે નવનિર્મિત એક ભારત, શ્રેષ્ઠ ભારત ભવનમાં રોકાણ કરે તેવી શકયતા છે. પ્રધાનમંત્રી નર્મદા અને આસપાસના જિલ્લામાં કેટલાક પ્રોજેકટનું લોકાર્પણ કરે તેવી શકયતા છે.'

રાષ્ટ્રપતિ કોવિંદના ગુજરાત પ્રવાસ અંગે સૂત્ર તરફથી માહિતી મળી છે કે, 'રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે નાગરિકોને સંબોધે તેવી સંભાવના છે. રાષ્ટ્રપતિએ કચ્છની મુલાકાત લેવાની તૈયારી દર્શાવી છે.' ગુજરાત સરકારે કેન્દ્રીય મંત્રીઓ, વિવિધ રાજયોના મુખ્યમંત્રીઓ અને VVIPઓને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હોવાથી તેઓ મુલાકાત લઈ શકે છે. જાન્યુઆરી ૨૦૧૯માં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેનાર વિદેશી મહેમાનો પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈ શકે છે.

(11:19 am IST)