Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

શંકરસિંહ વાઘેલા સાથે હાર્દિક પટેલ મિલાવશે હાથ? NCPમાં જોડાય તેવા સંકેત

શું શંકરસિંહ વાઘેલા અને હાર્દિક પટેલ આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ત્રીજો મોરચો ઉભો કરશે?

નવી દિલ્હી તા. ૧૩ : ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તે માટે તમામ પાર્ટીઓએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. તો બીજીતરફ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલની શું ભૂમિકા હશે, તેને લઈને પણ સવાલો થઈ રહ્યાં છે. આ પહેલા હાર્દિક પટેલે જેડીયૂના પ્રશાંત કિશોર સામે મુલાકાત કરવાની વાત સામે આવી હતી. ત્યારે હવે ગુજરાતના રાજકારણમાં નવા સમિકરણો સર્જાઈ શકે છે. તેવી વાત સામે આવી છે કે, પાટીદાર નેતા હાર્દિક પટેલ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા સાથે હાથ મિલાવશે.

હાર્દિક પટેલનો અમદાવાદના ગ્રીનવુડમાં જે બંગલો છે તે હાર્દિક ખાલી કરીને ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલાના ટેકેદારના બંગલામાં શિફટ થવાનો છે. તો આજે શંકરસિંહ વાઘેલાએ એનસીપીના નેતા શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. ત્યારે પ્રશ્ન થઈ રહ્યો છે કે, શું હાર્દિક પટેલ શંકરસિંહ સાથે એનસીપીમાં જોડાશે. આજે શંકરસિંહ વાઘેલા અને શરદ પવાર વચ્ચે મહત્વપૂર્ણ મંત્રણા થઈ હતી. હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ હોવાની વાત પણ સામે આવી રહી છે.

ત્યારે સવાલ થઈ રહ્યો છે કે, શું શંકરસિંહ વાઘેલા અને હાર્દિક પટેલ આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ત્રીજો મોરચો ઉભો કરશે? ત્રીજા મોરચાએ ગુજરાતમાંથી છ સીટોની માંગણી કરી છે. થોડા દિવસ પહેલા શંકરસિંહ વાઘેલાએ સુરતમાં અલ્પેશ કથિરીયાના ઘરની પણ મુલાકાત લીધી હતી. તે પણ આ એક રણનીતિનો ભાગ હતો, તેમ માહિતી મળી રહી છે. આ સાથે સવાલ થઈ રહ્યો છે કે, એનસીપી સાથે જવાથી ભાજપને ફાયદો થશે કે નહીં?

૨૦૧૯ની ચૂંટણીમાં પડદા પાછળ રહીને BJPને મદદ કરશે હાર્દિક?

નવી દિલ્હી તા. ૧૩ : પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના બેનર હેઠળ હાર્દિક પટેલ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી પાટીદારોને અનામત મળે તે માટે આંદોલન કરી રહ્યો છે. આ દરમિયાન હાર્દિક પટેલ જીએમડીસી ખાતે ૨૫ લાખ જેટલા પાટીદારોને સંબોધન કરી ચુકયો છે, તો ૧૯ દિવસ સુધીના ઉપવાસ પણ કરી ચુકયો છે. અવાર નવાર તે સરકાર સામે ચૂંટણી પ્રચાર કરવાની કે પછી ચૂંટણીમાં બીજેપી સાથે હિસાબ પૂરો કરવાનો ચીમકી પણ આપી ચુકયો છે. હવે સૂત્રો તરફથી એવી માહિતી મળી રહી છે કે ૨૦૧૯ની ચૂંટણીમાં હાર્દિક પટેલ પડદા પાછળ રહીને બીજેપી સરકારને ચૂંટણી જીતાડવા માટે મદદ કરશે! આ માટે હાર્દિક પટેલ શરદ પવારની નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી(એનસીપી)માં જોડાશે તેવું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

વહેતા થયેલા અહેવાલો પ્રમાણે શંકરસિંહની સાથે સાથે હાર્દિક પટેલ પણ શરદ પવારની રાજકીય પાર્ટી એનસીપી સાથે જોડાશે. આ અંગે ટૂંક સમયમાં કોઈ જાહેરાત થઈ શકે છે. કોંગ્રેસમાંથી અલગ થયા બાદ વિધાનસભાની ચૂંટણી પહેલા શંકરસિંહે 'જન વિકલ્પ' પાર્ટી શરૂ કરી હતી અને પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જોકે, ગુજરાતના રાજકીય ઇતિહાસમાં જયારે જયારે પણ ત્રીજો મોરચો બન્યો છે ત્યારે ભાજપને જ ફાયદો થયો છે તે વાત સાચી ઠરી છે. હવે હાર્દિક જો એનસીપીમાં જોડાશે તો સરવાળે ફાયદો ભાજપને જ થશે. એટલે કે હાર્દિક સીધી રીતે નહીં પરંતુ આડકતરી રીતે લોકસભાની ચૂંટણીમાં ભાજપને જ મદદ કરશે!

(11:09 am IST)