Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

આગામી ૧૦ વર્ષમાં દેશના ૧૭ લાખ બાળકોનો ભોગ લઇ શકે છે ન્યુમોનિયા

'વર્લ્ડ ન્યૂમોનિયા ડે' પર આવ્યો ચોંકાવનારો રિપોર્ટ : ૨૦૧૬માં ૮,૮૦,૦૦૦ બાળકો બન્યા શિકાર

નવી દિલ્હી તા. ૧૩ : સોમવારે રજૂ કરાયેલા એક વર્લ્ડવાઈડ સ્ટડીમાં ચેતવણી આપતા જણાવવામાં આવ્યું છે કે, ઈન્ફેકશનની સરળતાથી સારવાર થતી હોવા છતા ૨૦૩૦ સુધીમાં ભારતમાં ૧૭ લાખથી વધુ બાળકો ન્યૂમોનિયાને કારણે મૃત્યુ પામી શકે છે. 'વર્લ્ડ ન્યૂમોનિયા ડે' નિમિત્તે પ્રકાશિત એક સ્ટડીમાં જણાવાયું છે કે, ૨૦૩૦ સુધીમાં સમગ્ર દુનિયામાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના ૧ કરોડ ૧૦ લાખ બાળકો આ બીમારીનો ભોગ બની શકે છે.

યુકે સ્થિત 'સેવ ધ ચિલ્ડ્રન' દ્વારા રજૂ કરાયેલા એક રિપોર્ટ અનુસાર, આ ચેપી રોગને કારણે ભારત ઉપરાંત નાઈજીરિયા, પાકિસ્તાન અને કોંગોના ડેમોક્રેટિક રિપબ્લિકન (DRS)માં પણ મોટા પ્રમાણમાં બાળકોના મોત થશે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ૪૦ લાખથી વધુ બાળકોના મૃત્યુ વેકિસનેશન, સારવાર અને ન્યૂટ્રિશિયન દ્વારા રોકી શકાય છે. 'સેવ ધ ચિલ્ડ્રન'ના CEO પોલ રોનાલ્ડ્સે કહ્યું કે, 'આ બીમારીથી બચવા માટે એક રસી અને એન્ટિબાયોટિક દવાઓનો એક કોર્સ ઓનલાઈન ઉપલબ્ધ છે, જેનો ખર્ચ માત્ર ૨૮૦૦ રૂપિયા છે.'

તેમણે જણાવ્યું કે, નાઈજીરિયામાં ૧૭,૩૦,૦૦૦, ભારતમાં ૧૭,૧૦,૦૦૦, પાકિસ્તાનમાં ૭,૦૬,૦૦૦ અને ડેમોક્રેટિક રિપબ્લિકન ઓફ કોંગોમાં ૬,૩૫,૦૦૦ બાળકોના મોતની આશંકા છે. કુલ ૧ કરોડ ૧૦ લાખ બાળકો મરી શકે છે. જોકે, ઉપચાર દ્વારા પાંચ વર્ષથી નાના ૯૦ ટકા બાળકોને બચાવી શકાય છે. જણાવી દઈએ કે, ૨૦૧૬માં આ બીમારીને કારણે ૮,૮૦,૦૦૦ બાળકોના મોત થઈ ચૂકયાં છે.

(10:44 am IST)