Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

બુલેટ ટ્રેન ભુકંપ,પુર,વાવાઝોડા જેવી કુદરતી આફતો સામે પણ દોડતી રહેશેઃ ટ્રેનમાં વોનિઁગ સિસ્ટમ ઉપલબ્ધ

વડોદરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લગતી કેટલીક ખાસ વાતો પ્રકાશમાં આવી છે. આ ટ્રેનમાં એવી વોર્નિંગ સિસ્ટમ હશે કે તે ભૂકંપ, પૂર કે વાવાઝોડા જેવી કુદરતી આફતો સામે અગાઉથી જ વોર્નિંગ આપી દેશે. આ કારણે હાઈસ્પીડ ટ્રેનમાં પ્રવાસ કરનારાઓની સુરક્ષા જળવાઈ રહેશે. આ ટ્રેન 2023થી અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી થાય તેવી શક્યતા છે.

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)ના મેનેજિંગ ડિરેક્ટર અચલ ખારેએ જણાવ્યું, “ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમના ભાગરૂપે ટ્રેનની સ્પીડ, તાપમાન, હવાનું દબાણ, વરસાદ, ભૂકંપની પૂર્વ આગાહી વગેરેનું સતત મોનિટરિંગ થયા કરશે.” ભૂકંપને કારણે ટ્રેનનો અકસ્માત ટાળવા માટે જાપાનની શિનકાનસેન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ભારતની આ પહેલવહેલી બુલેટ ટ્રેનમાં પણ અર્થક્વેક ડિટેક્શન સિસ્ટમ હશે.

અચલ ખારેએ વધુમાં જણાવ્યું, “બુલેટ ટ્રેનમાં 22 સિસમોમીટર હશે. તે આખા ટ્રેકમાં લગાવવામાં આવશે. આવામાં છ સીસમોમીટર સૌથી સંવેદનશીલ ઝોન જેમ કે ગુજરાતના કચ્છ તથા મહારાષ્ટ્રના કોયના-વાર્ના તથા લાતુર-ઓસમાનાબાદમાં લગાવવામાં આવશે.” આ સિસમોમીટર ભૂકંપના પ્રાથમિક તરંગોને તરત જ પકડી પાડશે અને બીજા તરંગ પહેલા જ ટ્રેનનો પાવર સપ્લાય તરત જ બંધ કરી દેશે. ઉલ્લેખનીય છે કે બીજી વેવને કારણે જ મહત્તમ નુકસાન થાય છે.

આ ઉપરાંત પવનની ગતિનું પણ 14 એનિમોમીટર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે. આ મીટર્સ પણ વધુ પવન ફૂંકાય છે તે વિસ્તારોમાં લગાવવામાં આવશે. ખારેએ જણાવ્યું, “જો પવનની ગતિ 30 મીટર પ્રતિ સેકન્ડ અથવા તો 108 કિ.મી પ્રતિ કલાક કરતા વધશે તો ઓપરેશન કંટ્રોલ સેન્ટર (OCC)માં અલાર્મ વાગશે અને ટ્રેન તાત્કાલિક અટકાવી દેવામાં આવશે.” પવનની ગતિ 108 કિ.મી પ્રતિ કલાક કરતા ઓછી હશે તો ટ્રેનની સ્પીડ નિયંત્રિત કરવામાં આવશે.

આ ઉપરાંત પાટાનું તાપમાન સતત મોનિટર કરવામાં આવશે. આ માટે રેલ ટેમ્પરેચર સેન્સર અને રેલ થર્મોમીટર 100 કિ.મીના અંતરે પાંચ જગ્યાએ લગાવામાં આવશે. આ સેન્સર પાટાનું તાપમાન -5 ડીગ્રીથી 70 ડીગ્રી સેલ્સિયસ સુધી નિયંત્રીત કરશે. જો કોઈ સંજોગોમાં આ કરતા તાપમાન આઘુપાછુ થયું તો સાબરમતીના OCCમાં અલાર્મ વાગશે અને એ પ્રમાણે ટ્રેનની સ્પીડ નિયંત્રિત કરવામાં આવશે.

આ ઉપરાંત ટ્રેનની સુરક્ષામાં વરસાદનું સતત મોનિટરિંગ થશે જેથી ભારે વરસાદને કારણે થતા રેલ અકસ્માતને ટાળી શકાય. આમ તો ટ્રેનનો મોટા ભાગનો ટ્રેક જમીનથી ઉપર બ્રિજ બનાવીને તૈયાર કરાવાયો છે પરંતુ છ જેટલા સંવેદનશીલ લોકેશન પર વરસાદનું સતત મોનિટરિંગ કરાશે અને 1 કલાકથી માંડીને 24 કલાકના કુલ વરસાદનો ડેટા તૈયાર કરાશે. વરસાદના આ રેકોર્ડના આધારે ટ્રેન ચલાવવામાં આવશે.

(12:00 am IST)