Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ઓક્ટોબરમાં 28 કરોડથી વધુ કોરોના રસીનું થશે ઉત્પાદન: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

થોડા દિવસોમાં કોરોના રસીકરણનો આંકડો ઐતિહાસિક 100 કરોડને પાર કરી જશે

નવી દિલ્હી :કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે થોડા દિવસોમાં કોરોના રસીકરણનો આંકડો ઐતિહાસિક 100 કરોડને પાર કરી જશે. તેમણે કહ્યું કે ભારત રસીનો પુરવઠો મજબૂત કરી રહ્યું છે અને ઓક્ટોબરમાં 28 કરોડથી વધુ ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે.

પત્રકારો સાથે વાતચીત કરતા માંડવિયાએ જણાવ્યું હતું કે લગભગ 73 ટકા વસ્તીને (કોવીડ રસી માટે પાત્ર) કોવિડ વેક્સીનનો ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે લગભગ 29 ટકા વસ્તીને બંને ડોઝ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે રાજ્યોમાં હવે રસીના આઠ કરોડથી વધુ ડોઝ છે.

મંત્રીએ કહ્યું કે આ મહિને 28 કરોડ ડોઝ ઉપલબ્ધ થશે, જ્યારે સપ્ટેમ્બરમાં 22 કરોડ ડોઝ ઉપલબ્ધ હતા. તેમણે કહ્યું કે 28 કરોડમાંથી 22 કરોડ ડોઝ કોવિશિલ્ડ રસીના હશે અને કોવેક્સીન રસીના 60 મિલિયન ડોઝ આપવામાં આવશે. તેમણે માહિતી આપી હતી કે લગભગ 60 લાખ ડીએનએ રસીઓનું ઉત્પાદન કરવામાં આવશે.

માંડવિયાએ કહ્યું કે અત્યાર સુધીમાં લગભગ 97 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે અને આવતા અઠવાડિયે સંભવિત 19 કે 20 ઓક્ટોબર સુધીમાં દેશમાં વેક્સીનના ડોઝ લગાવવાની સંખ્યા 100 કરોડ સુધી પહોંચવાની ધારણા છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આરોગ્ય મંત્રાલયની અત્યારે બૂસ્ટર ડોઝ આપવાની કોઈ યોજના નથી કારણ કે આ બાબતે નિષ્ણાતોનો અભિપ્રાય હજુ સ્પષ્ટ થયો નથી.

તેમણે સમગ્ર રસીકરણ કાર્યક્રમ પર સંતોષ વ્યક્ત કરતા કહ્યું કે કદાચ જ કોઈ રાજ્ય હવે રસીઓની અછત અંગે ફરિયાદ કરી રહ્યું છે. જ્યારે મહામારીને કારણે છઠ પૂજા પર પ્રતિબંધને લઈને રાષ્ટ્રીય રાજધાનીમાં દિલ્હી ભાજપ અને આમ આદમી પાર્ટી સરકાર વચ્ચેના રાજકીય આક્ષેપો અને પ્રતિ-આક્ષેપો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે સૂત્રોએ જણાવ્યું હતું કે તમામ રાજ્યોમાં તહેવારો ઉજવવાને લઈને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાઓ (એસઓપી) છે અને આના પર કોઈ રાજનીતિ ન કરવી જોઈએ.

(12:16 am IST)