Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

અનિલ દેશમુખના ઘરે પાંચમી વખત રેડ કેમ? શરદ પવારે ઉઠાવ્યો સવાલ :કેન્દ્રીય એજન્સીના દુરઉપયોગ પર ચિંતા

તેમણે સ્પષ્ટ કહ્યુ કે બંધારણીય સંસ્થાઓનો દુરઉપયોગ થઇ રહ્યો છે, પછી તે સીબીઆઇ હોય કે ED અથવા IT અને NCB: આ વાત જનતાએ પણ સમજવાની જરૂરત છે.

મુંબઈ : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે કેન્દ્રીય એજન્સીઓના વધતા દુરઉપયોગ પર ચિંતા વ્યક્ત કરી છે, તેમણે પૂછ્યુ કે મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી અનિલ દેશમુખના ઘર પર પાંચમી વખત રેડ કેમ મારવામાં આવી? તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે બંધારણીય સંસ્થાઓનો દુરઉપયોગ થઇ રહ્યો છે, પછી તે સીબીઆઇ હોય કે ED અથવા IT અને NCB. મુંબઇમાં એક પત્રકાર પરિષદમાં શરદ પવારે કહ્યુ, અનિલ દેશમુખના ઘરે કાલે પાંચમી વખત રેડ કરવામાં આવી છે. મને તો આશ્ચર્ય થાય છે. એક જ ઘરમાં 5 વખત રેડ કરવાની શું જરૂર છે? આ વાત જનતાએ પણ સમજવાની જરૂરત છે.

એનસીપી પ્રમુખે કહ્યુ કે છેલ્લા કેટલાક સમયથી અમારી ચીન સાથે વાચતીત ચાલી રહી છે પરંતુ 13મી વાતચીત નિષ્ફળ ગઇ છે. બીજી તરફ કાશ્મીરમાં 5 જવાન શહીદ થયા છે. આ ગંભીર છે, તેમણે કહ્યુ, મને લાગે છે કે તમામ દળોએ સાથે આવીને એક સાથે ભૂમિકા લેવાની જરૂરત છે. દેશની સુરક્ષાના મુદ્દા પર રાજનીતિ વચ્ચે ના આવવી જોઇએ. તમામે સાથે આવવાની જરૂર છે. પવારે કહ્યુ કે દિલ્હીમાં જઇને તે નેતાઓ સાથે વાત કરશે.

લખીમપુર ખીરી કાંડ પર પવારે કહ્યુ, ખેડૂતોએ સ્પષ્ટ જણાવી દીધુ હતુ કે કેન્દ્રીય મંત્રીના પુત્રની કારથી ખેડૂત કચડવામાં આવ્યા છે પરંતુ સરકાર સાંભળતી નથી. 5થી 6 દિવસ બાદ સુપ્રીમ કોર્ટમાં મેટર ગયા બાદ સરકારે મંત્રીના પુત્રની ધરપકડ કરી હતી. મારૂ માનવુ છે કે તેની જવાબદારી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીની છે અને તે આ જવાબદારીથી બચી નથી શકતા. પવારે કહ્યુ કે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ તુરંત પોતાના પદ પરથી રાજીનામુ આપવુ જોઇએ.

મહારાષ્ટ્રમાં માવલના મુદ્દા પર પવારે સ્પષ્ટ કર્યુ કે માવલમાં કોઇ રાજકીય વ્યક્તિ સામેલ નહતો. શરદ પવારે આરોપ લગાવ્યો કે કેટલાક લોકોને અને કેટલીક પાર્ટીઓને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નવાબ મલિક પર પવારે કહ્યુ કે નવાબ મલિકે એક અધિકારી વિશે નિવેદન આપ્યુ છે, તે અધિકારીનું નામ વાનખેડે છે. એનસીપી નેતાએ કહ્યુ કે તંત્ર સાથે અમારો સબંધ સારો રહે છે પછી સત્તામાં રહીએ કે વિપક્ષમાં.

(7:57 pm IST)