Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

પ્રધાનમંત્રી ગતિ શક્તિ” નેશનલ માસ્ટર પ્લાન: સર્વ સમાવેશક-સર્વગ્રાહી વિકાસ થકી જનસુખાકારીમાં વધારો કરી રોજગારીનો વ્યાપ વધારવાનો મક્કમ નિર્ધાર : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી

વડાપ્રધાન મોદીએ પ્રગતિ મેદાન-નવી દિલ્હીથી “પ્રધાનમંત્રી ગતિ શક્તિ” નેશનલ માસ્ટર પ્લાનનો વર્ચ્યુઅલી કરાવ્યો શુભારંભ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો: આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સંશાધનોનું એકસૂત્રતાથી આયોજન નવું બળ પુરૂ પાડશે :સસ્ટેનેબલ વિકાસ માટે ક્વોલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ એક મહત્વનું પરિબળ

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે સર્વ સમાવેશક-સર્વગ્રાહી વિકાસ થકી નાગરિકોની સુખાકારી માટે આંતર માળખાકીય સુવિધાઓનો વ્યાપ વધારી એકસૂત્રતા સાથે વિકાસ કામોનું આયોજન કરીને રોજગારીનો વ્યાપ વધારવાના મક્કમ નિર્ધાર સાથે કેન્દ્ર સરકાર આગળ વધી રહી છે જેના પરિણામે પ્રજાના ટેક્ષના પૈસાની બચત સાથે જનસુવિધાઓમાં ગુણવત્તાલક્ષી વધારો થશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજે પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતેથી “પ્રધાનમંત્રી ગતિ શક્તિ’’ નેશનલ માસ્ટર પ્લાન-NMPનું વર્ચ્યુઅલ પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. “પ્રધાનમંત્રી ગતિ શક્તિ’’ નેશનલ માસ્ટર પ્લાનનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ મહાત્મા મંદિર,ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.
આજે નવી દિલ્હીથી વર્ચ્યુઅલી પી.એમ. ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનનો  દેશવ્યાપી શુભારંભ કરાવતાં વડાપ્રધાનએ ઉમેર્યુ કે, જન માળખાકીય કામોમાં ગુણવત્તાને પ્રાધાન્ય આપવા માટે આત્મનિર્ભરના સંકલ્પ સાથે આ પ્રોજેક્ટ આગામી ૨૫ વર્ષ માટેની નવી બુનિયાદ પ્રસ્થાપિત કરશે. જે વિકાસ માટે નવું બળ પૂરુ પાડીને આત્મનિર્ભરતાના સંકલ્પને સાકાર કરશે. આ નેશનલ માસ્ટર પ્લાન ૨૧મી સદીના નવા ભારતના નિર્માણ માટે ગતિશક્તિ આપશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
તેમણે ઉમેર્યુ કે, ગતિ શક્તિનું આ મહાઅભિયાનનો મુખ્ય હેતુ ભારતના નાગરિકો, ભારતના ઉદ્યોગ ગૃહો, ભારતનું વ્યાપાર જગત, મેન્યુફેક્ચર્સ, ખેડૂતો સહિત ભારતની વર્તમાન અને આવનારી પેઢીઓને ૨૧મી સદીના ભારતના નિર્માણ માટે નવી ઊર્જા આપીને આવનારા અવરોધોને સમાપ્ત કરશે. તેમણે કહ્યુ કે આપણે સરકારી પ્રોજેક્ટોને સમયસર પૂરા કરવાનું માત્ર કલ્ચર વિકસીત કર્યુ નથી. પણ આજે સમય પહેલા પ્રોજેક્ટને પૂરા કરવાનો અપ્રતિમ પ્રયાસ કર્યો છે.
વડાપ્રધાનએ કહ્યુ કે, આપણા દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓનું નિર્માણ અને આયોજન એ રાજનીતિ પક્ષોની પ્રાથમિક્તા રહી નથી તે તેમના ઘોષણા પત્રમાં પણ ક્યાંય દેખાતું નથી. આજે એ પરિસ્થિતિ છે કે કેટલાક રાજનીતિક દળો તો દેશ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ ઉપર આલોચના કરવા લાગ્યા છે. દુનિયામાં સર્વસ્વીકૃત છે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે ક્વોલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ જ એક એવો માર્ગ છે જે અનેક આર્થિક ગતિવિધિઓને જન્મ આપે છે અને મોટા પ્રમાણમાં રોજગારીનું નિર્માણ પણ કરે છે.
 તેમણે ઉમેર્યુ કે, આજે સરકારના તમામ વિભાગો સાથે સરકારની સામૂહિક શક્તિઓ યોજનાઓ-પ્રોજેક્ટને પૂરા કરવામાં લાગી છે. જેના પરિણામે આગામી દશકામાં મોટા ભાગની અધૂરી પરિયોજનાઓ પુરી થઇ રહી છે.  પી.એમ. ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન સરકારી પ્રોસેસ અને એના સાથે જોડાયેલા અલગ-અલગ સ્ટેટ હોલ્ડરોને એક સાથે લાવે જ છે. ટ્રાન્સપોર્ટેશનના અલગ અલગ વ્યવસાયોઓને એકબીજા સાથે જોડવામાં પણ મદદ કરે છે. આ હોલિસ્ટિક ગવર્નન્સને આભારી છે.  
વડાપ્રધાનએ કહ્યું હતું કે, ભારતમાં પ્રથમ ઇન્ટર સ્ટેટ નેચરલ ગેસ પાઈપલાઈનનું કામ વર્ષ ૧૯૮૭માં શરૂ થયું હતું જેમાં ૨૭ વર્ષમાં દેશમાં ૧૫,૦૦૦ કિ.મી. નેચરલ ગેસ પાઇપલાઇન બની છે જ્યારે, હાલમાં દેશભરમાં ૧૬,૦૦૦ કિ.મી. ગેસ પાઇપલાઇન સ્થાપવાનું કામ થઇ રહ્યું છે જેને આગામી પાંચ-છ વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.
તેમણે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૪ પહેલાના પાંચ વર્ષમાં માત્ર ૧,૯૦૦ કિ.મી. રેલ્વે લાઈન ડબલિંગ કરવાનું કામ થયું હતું જ્યારે, છેલ્લાં સાત વર્ષમાં અમારી સરકારે ૯,૦૦૦ કિ.મી.થી વધુ રેલવે લાઈનનું ડબલિંગ કરવાનું કામ પૂર્ણ કર્યું છે. વર્ષ ૨૦૧૪ પહેલાંના પાંચ વર્ષમાં માત્ર ૩,૦૦૦ કિ.મી. રેલ્વે લાઈનનું વીજળીકરણ થયું હતું જ્યારે, છેલ્લાં ૭ વર્ષમાં અમે ૨૪,૦૦૦ કિ.મી.થી વધુ રેલવે લાઈન-ટ્રેકનું વીજળીકરણ કર્યું છે.
વડાપ્રધાનએ ઉમેર્યું હતું કે ભારતમાં વર્ષ-૨૦૧૪ પહેલા લગભગ ૨૫૦ કિ.મી. ટ્રેક ઉપર મેટ્રો દોડતી હતી. આજે ૭૦૦ કિ.મી. સુધી મેટ્રોનો વિસ્તાર થયો છે અને વધુ ૧,૦૦૦ કિ.મી. ઉપર નવા મેટ્રો રૂટનું કામ ચાલી રહ્યું છે. વર્ષ-૨૦૧૪ પહેલા ભારતમાં માત્ર ૬૦ ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાઇબર સુવિધાથી જોડવામાં આવી હતી જ્યારે છેલ્લાં સાત વર્ષમાં ૧.૫ લાખથી વધુ ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાઇબરથી જોડવામાં આવી છે.
વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, દેશના ખેડૂતો અને માછીમારોની આવક વધારવાના ઉદેશ્ય સાથે પ્રોસેસિંગ સંલગ્ન માળખાગત સુવિધાઓનો ઝડપી વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. વર્ષ ૨૦૧૪માં દેશમાં માત્ર બે મેગા ફૂડ પાર્ક હતા અત્યારે દેશમાં૧૯ મેગા ફૂડ પાર્ક કાર્યરત છે જેને ૪૦થી વધુ લઈ જવાનો લક્ષ્યાંક છે તેમ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાનએ વિવિધ મંત્રાલયો, રાજ્યો અને ઉદ્યોગપતિઓને પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનમાં જોડાવાનું આહ્વાન કર્યું હતું. વડાપ્રધાનશ્રીના હસ્તે પ્રગતિ મેદાન-નવી દિલ્હી ખાતે ચાર એક્ઝિબિશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ.
કેન્દ્રીય કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ મંત્રી પિયૂષ ગોયેલે કાર્યક્રમની વિસ્તૃત રૂપરેખા આપી સ્વાગત પ્રવચન કર્યું હતું. નવી દિલ્હી ખાતેથી કેન્દ્રીય મંત્રી સર્વ નીતિન ગડકરી, સર્વાનંદ સોનવાલ,  જ્યોતિરાદિત્ય સિંધિયા, અશ્વિની વૈષ્ણવ, અજયકુમાર સિંઘ અને હરદિપસિંહ પુરી ઉપરાંત વિવિધ રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓ પણ ઓનલાઈન જોડાયા હતા. દેશના અગ્રણી ઉદ્યોગપતિઓએ PM ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન ઉપર પોતાના વિચારો રજૂ કર્યાં હતા.
રાજ્યકક્ષાના PM ગતિ શક્તિ લોન્ચિંગ કાર્યક્રમ પ્રસંગે મહાત્મા મંદિર ખાતેથી મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ થકી દેશના સર્વગ્રાહી વિકાસ માટે આતરમાળખાકિય સુવિધાઓ માટે જે વિચાર કરીને પ્રધાનમંત્રી ગતિશકિત પ્રોજેકટ આજે લોન્ચ કર્યો છે એ દેશના વિકાસને નવી રાહ ચીંધશે. તેમણે ઉમેર્યુ કે ગુજરાત આજે તમામ ક્ષેત્રે ઉત્તમથી સર્વોત્તમની દિશામાં રોલ મોડલ પુરવાર થઈ રહ્યું છે ત્યારે આ પ્રોજેકટ પણ દેશને નવો રાહ ચીધશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
મંત્રી ત્રિવેદીએ ઉમેર્યુ કે પ્રધાનમંત્રી શ્રી ગતિશકિત યોજના હેઠળ દેશમા એકસૂત્રતાથી માળખાકિય સવલતો માટે વડાપ્રધાનશ્રીએ રૂ.૧૦૦ કરોડના પ્રોજેકટની સ્વાતંત્ર્ય પર્વ નિમિતે નવી દિલ્હીના લાલ કિલ્લા પરથી જાહેરાત કરી હતી એ આજે મૂર્તિમંત થઈ રહી છે એ આપણા સૌ માટે ગૌરવની વાત છે. તેમણે કહ્યુ કે સુગ્રથિત વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રકચર, ગોડાઉન, વાહન વ્યવહાર, રેલ સુવિધા, હવાઈ સુવિધા અને હવે ઈન્ટરનેટ સુવિધાઓ સાથે ભારત આ પ્રોજેકટ દ્વારા ગ્લોબલ પાવર પૂરવાર થશે. વિવિધ ૧૬ વિભાગોના સંકલનથી વિકાસ માટે એક કોમન પ્લેટફોર્મ પુરૂ પાડવાનુ ઉત્તમ કામ કર્યુ છે જે આગામી સમયમા વિકાસના નવા દ્વાર ખોલશે.
તેમણે ઉમેર્યુ કે, ગુજરાત આજે સર્વાગી વિકાસ કરીને ઉત્તમ થી સર્વોત્તમ તરફ પ્રયાણ કરી રહ્યુ છે ત્યારે રાજયમાં માળખાકિય સવલતો માટે દિલ્હી-મુબઈ ફ્રેઈટ કોરિડોર, દેશનો સૌ પ્રથમ સૌથી મોટો એકસપ્રેસ વે, બુલેટ ટ્રેન જેવા મહત્વના પ્રોજેકટ કામો રોકેટ ગતિએ પ્રગતિ હેઠળ છે જે ગુજરાતને વૈશ્વિક ઓળખ અપાવશે એ તમામ શ્રેય વડાપ્રધાનના દ્રષ્ટિવંત આયોજનનું જ પરિણામ છે. ગુજરાતે ઓદ્યોગિક વિકાસ માટે નવી નવી પોલિસીઓ તથા ગૂડ ગર્વન્સને પ્રાધાન્ય આપ્યું છે જેના પરિણામે રોકાણ માટે ગુજરાત શ્રેષ્ઠ ડેસ્ટિનેશન બન્યું છે.
નાણા મંત્રીરી કનુભાઇ દેસાઇએ જણાવ્યું કે, દિર્ઘદ્રષ્ટિ ધરાવતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પાંચ શક્તિમાં આજે 'પ્રધાનમંત્રી ગતિશક્તિ' યોજના થકી વધુ એક શક્તિ ઉમેરાઇ છે. દેશ-દુનિયામાં ગુજરાત દરેક ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે જેની પાછળ શ્રી મોદીનું દ્રષ્ટિવંત વિઝન રહેલું છે. વિમાન-ટેન્કથી લઈ નાનામાં નાની ચીજવસ્તુ ભારતમાં બને તે ઉદ્દેશ સાથે મોદી 'મેક ઇન ઇન્ડિયા' - 'આત્મનિર્ભર ભારત' કન્સેપ્ટ લાવ્યા છે ત્યારે દૂરંદેશી વિઝન સાથે આજે લોન્ચ કરવામાં આવેલી 'પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજના' દેશને નવો રાહ ચિંધશે અને ગુજરાત પણ ખભે ખભો મિલાવી તેમાં સહભાગી થશે તેવી ખાતરી નાણા મંત્રી દેસાઈએ આપી હતી.
ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ પંચાલ જણાવ્યું હતું કે, વિકાસ પુરુષ નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રી તરીકે ગુજરાતને અને હવે ભારતના વડાપ્રધાન તરીકે દેશના વિકાસને રોકેટ ગતિ આપી છે. મૂળભૂત જરૂરિયાત એવી પરિવહનને વધુ મજબૂત તેમજ ગતિ આપવા વડાપ્રધાન મોદી દ્વારા PM ગતિ શક્તિ-નેશનલ માસ્ટર પ્લાનનો પ્રારંભ થવા જઇ રહ્યો છે તે આપણા માટે ગૌરવની ક્ષણ છે. વડાપ્રધાનશ્રીએ ભારતને આત્મનિર્ભર બનાવવાના વિઝન સાથે વર્ષ ૨૦૧૪માં મેઇક ઈન ઇન્ડિયા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. જે આજે સાકાર થઇ રહ્યો છે. ગુજરાતમાં રોકાણકારો માટેની વાયબ્રન્ટ સમિટની શ્રૃખંલાથી આજે વિદેશી રોકાણમાં ગુજરાત અગ્રેસર રાજ્ય બન્યું છે. અગાઉ વર્ષ ૨૦૧૪માં રૂ. ૧.૮૫ લાખ કરોડ સામે આજે રૂ. ૪.૪૨ લાખ કરોડ FDI આવ્યું છે.
તેમણે કહ્યું હતું કે ભારતના કુલ MSMEમાં ગુજરાત ૯.૧ ટકાનો હિસ્સો ધરાવે છે. ભારતના કુલ GDPમાં ગુજરાત ૮ ટકા, ઉત્પાદનમાં ૧૭ ટકા તેમજ દેશની નિકાસમાં ૨૧ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. ગુજરાત આજે ૧૮૦ દેશોમાં પોતાના ઉત્પાદનોની નિકાસ કરે છે. આ ઉપરાંત પેટ્રોલિયમ, કેમિકલ્સ, ડેરી ઉદ્યોગ, કોટન, ફાર્મા અને સિરામિક ઉદ્યોગમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર સ્થાન ધરાવે છે. ગુજરાત સરકારની ઉદ્યોગલક્ષી નીતિના પરિણામે રાજ્યમાં કાર્યરત ૨૨૪ જેટલી GIDCમાં શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને કોર્પોરેટ ટચ આપવામાં આવ્યો છે. કોરોના જેવી મહામારીમાં ઉદ્યોગોને આર્થિક સહયોગ કરવાના હેતુથી પ્રધાનમંત્રી શ્રી મોદીના નેતૃત્વમાં રૂ. ૨૦ લાખ કરોડનું આત્મનિર્ભર ભારત પેકેજ જ્યારે, ગુજરાત સરકારે પણ રૂ. ૧૪,૦૦૦ કરોડનું ખાસ પેકેજ આપ્યું હતું.
ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૦માં નવી ઉદ્યોગ નીતિ જાહેર કરી છે. ગુજરાતમાં આજે એરક્રાફ્ટથી યુદ્ધ ટેન્કનું ઉત્પાદન થઈ રહ્યું છે તે આપણા માટે ગૌરવ સમાન છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ કુમાર ગુપ્તાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને જણાવ્યું હતું કે, દેશમાં આંતર માળખાકીય સુવિધા સર્વગ્રાહી-સંકલિત વિકાસમાં આ યોજના મહત્વની બની રહેશે. રોજગારની તકો વધારવા અને અર્થતંત્રને મજબૂત કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આ યોજના અમલી બનાવી રહ્યા છે. આ યોજના 'ન ભૂતો ન ભવિષ્યતી' સાબિત થશે.
તેમને ઉમેર્યું હતું કે, વડાપ્રધાનએ આ યોજનાની જાહેરાત લાલ કિલ્લા પરથી કરી હતી. આ યોજના લોજિસ્ટિક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના વિવિધ ક્ષેત્રના વિકાસમાં મહત્વની બની રહેશે. ગુજરાત સરકારે નવી લોજિસ્ટિક પોલિસી જાહેર કરી ધંધા-રોજગારને વધુ ઉત્તેજન આપ્યું છે. દેશમાં વિદેશી રોકાણ વધારવા અને વૈશ્વિક સ્પર્ધામાં અગ્રેસર બનાવવા વડાપ્રધાનશ્રીની પરિકલ્પના છે. દેશ આત્મનિર્ભર બની ઓછી કિંમતે વસ્તુઓનું ઉત્પાદન કરી નિકાસ કરવાની દિશામાં આગળ વધશે. આ યોજનામાં ૧૬ વિભાગોને આવરી લેવામાં આવ્યા છે. દેશના અર્થતંત્ર માટે આ યોજના આધારસ્તંભ બનશે.
આ પ્રસંગે મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડિયા, પશુપાલન રાજ્યમંત્રી  દેવાભાઈ માલમ, GIDCના ચેરમેન બળવંતસિંહ રાજપૂત, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, GIDCના મેનેજિંગ ડિરેકટર તેમજ વાઈસ ચેરમેન એમ. થેન્નારસન, જિલ્લા કલેકટર કુલદિપ આર્યા, FIA, GIDC સહિત ઉદ્યોગપતિ-ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

(6:53 pm IST)