Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

અભિનેતા શાહરૂખ ખાન સક્રિય રાજકારણમાં ઝંપલાવશે ?

કોંગ્રેસની ટિકિટ પર ઉત્તર-પૂર્વ મુંબઇની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવી અટકળો

મુંબઇ તા. ૧૩ : અત્યંત આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાન સક્રિય રાજકારણમાં એન્ટ્રી કરવાનું મન બનાવી ચૂકયા છે. તેઓ મુંબઇની હાઇ પ્રોફાઇલ ઉત્તર-પૂર્વની બેઠક પરથી કોંગ્રેસ પક્ષમાંથી લોકસભાની ચૂંટણી પણ લડવા રાજી થઇ ગયાની ભારે ચર્ચા છે. આ બેઠક પર અગાઉ દિવંગત અભિનેતા સુનિલ દત્ત, તેમના પુત્રી પ્રિયા દત્ત સાંસદ રહી ચૂકયા છે. હાલ આ બેઠક પર ભાજપના દિવંગત નેતા પ્રમોદ મહાજનના પુત્રી પૂનમ મહાજન સંસદસભ્ય તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે.

આ સમગ્ર બાબતમાં કોંગ્રેસ હાઇકમાન્ડ અને શાહરૂખ ખાન વચ્ચે મુંબઇ કોંગ્રેસના નેતા અને બાંદ્રા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યાનું બિન સત્તાવાર ચર્ચાય છે. તેઓએ શાહરૂખ ખાન અને રાહુલ ગાંધીની વર્ચ્યુઅલ મિટીંગ પણ કરાવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

દરમિયાન ચર્ચાતી વિગતો મુજબ બાબા સીદ્દીકી એક એવા નેતા છે જેમણે સલમાન ખાન અને શાહરૂખ વચ્ચે સમાધાન કરાવ્યું હતું તેવી ચર્ચા છે. તેઓ પોતાની હાઇ પ્રોફાઇલ ઇફતાર પાર્ટીના આયોજન માટે ખૂબ જ માન ધરાવે છે. બાબા સીદ્દીકી બોલિવુડના મોટાભાગના કલાકારો સાથે પારિવારીક સંબંધ ધરાવે છે તે વાત જાણીતી છે.

પુત્ર આર્યન ખાન ડ્રગ કેસ મુદ્દે હાલ મૌન શાહરૂખ ખાન આવનારા સમયમાં પોતાના આ નિર્ણયથી મોટા વિસ્ફોટ કરે તો નવાઇ નહી તેવી પણ ચર્ચા છે.

(3:00 pm IST)