Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

કલકત્તામાં આકર્ષણનું કેન્દ્ર 'બુર્જ ખલિફા' પંડાલ

ભવ્ય 'બુર્જ ખલિફા' પંડાલ અને લેસર શો જોવા લોકોની ભીડ ઉમટતી હતી, પરંતુ ફલાઇટ લેન્ડ કરતી વખતે પાઇલટ્સને તકલીફ પડતી હોવાને કારણે શો બંધ કરવો પડયોક

કોલકત્તા તા.  દેશભરમાં અને ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાનું ધામધુમથી આયોજન કરવામાં આવે છે. લોકો અલગ અલગ થીમ પર પંડાલ તૈયાર કરતા હોય છે. આ વર્ષે કલકત્તામાં સૌથી વધારે ચર્ચા બુર્જ ખલિફા પંડાલની થઈ રહી છે. શહેરના લેક ટાઉન વિસ્તારના શ્રીભૂમિ ખાતે દુબઈના આઈકોનિક બુર્જ ખલિફાની રેપ્લિકા તૈયાર કરવામાં આવી છે. અહીં દરરોજ લેસર શો પણ કરવામાં આવતો હતો,જેના કારણે મોટી સંખ્યામાં લોકો પંડાલની મુલાકાતે આવતા હતા.

મોટી સંખ્યામાં લોકો આ પંડાલની મુલાકાત લેતા હતા, પરંતુ સોમવારે સાંજે પાઈલટ્સ દ્વારા ફરિયાદ કરવામાં આવ્યા પછી અહીં લેસર શો બંધ કરવામાં આવ્યો હતો. પાઈલટ્સ દ્વારા ફરિયાદ કરવામાં આવી કે, કલકત્તા એરપોર્ટ પર પ્લેન લેન્ડ કરતી વખતે આ શોની લાઈટ કોકપિટ સુધી આવી જતી હોય છે, જેના કારણે તેમને તકલીફ થાય છે. DGCA દ્વારા આપવામાં આવેલા આદેશ અનુસાર, એરપોર્ટથી ૧૮.૫ કિલોમીટર વિસ્તારમાં લેસર લાઈટ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, જેથી લેન્ડિંગ જેવા મહત્વના સમયે પાઈલટ્સ લેસર બીમ્સને કારણે તકલીફ ના પડે. બુર્જ ખલિફાનો પંડાલ જયાં તૈયાર કરવામાં આવ્યો છે તે સ્થળ રનવેથી માત્ર ૮.૫ કિલોમીટર દૂર છે.

પશ્ચિમ બંગાળના ફાયર મિનિસ્ટર સુજીત બોઝ દ્વારા પંડાલના આયોજકોને આ વિષે જાણકારી આપવામાં આવી હતી. જો કે આયોજકોનો દાવો છે કે તેમણે લોકોની ભીડને નિયંત્રણમાં લાવવા માટે જાતે જ આ શો બંધ કરી દીધો હતો. પૂજા કમિટીના ચીફ કો-ઓર્ડિનેટર દિબ્યેન્દુ ગોસ્વામી જણાવે છે કે, અમે લેસર શો બંધ કરવાનો નિર્ણય કર્યો કારણકે લોકો ત્યાંથી આગળ નહોતા વધતા અને મોબાઈલમાં વીડિયો ઉતારવા ઉભા થઈ જતા હતા. આ કારણે ટ્રાફિકની પણ સમસ્યા ઉભી થઈ હતી. લોકોને નિયંત્રણમાં લાવવા મુશ્કેલ હતા.

એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, લગભગ ચાર ફલાઈટ્સના પાઈલટ્સે ફરિયાદ કરી હતી કે, લેસર લાઈટને કારણે થોડીવાર માટે પાઈલટ્સને જોવામાં સમસ્યા થઈ જતી હતી. પાઈલટ્સ દ્વારા ત્રણ ફરિયાદો એર ટ્રાફિક કંટ્રોલમાં વીએચએફ રેડિયો સેટથી કરવામાં આવી હતી, જેની નોંધ એરપોર્ટ ઓપરેશન્સ કમાન્ડ સેન્ટર દ્વારા લેવામાં આવી હતી.

(12:44 pm IST)