Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

જવેલીરીની ખરીદી માટે બજારમાં ગિરદી

ગુજરાતના જવેલરી ઉદ્યોગમાં દિવાળી પૂર્વે જ ખરીદીનો ધમધમાટ

બ્રાઇડલ જવેલરી, રજવાડી, એન્ટિક, જડાઉ એન્ટિક જેવા દાગીનાની વધુ માગ

નવી દિલ્હી, તા.૧૩: છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે છેલ્લા લગ્નો અટકી જવાને કારણે જવેલરી ઉદ્યોગમાં ખપપૂરતી ઘરાકી સિવાય કંઇ ન હતુ. પરંતુ હવે જયારે નોરતા શરૂ થઇ ગયા છે અને લગ્ન સિઝન નજીક આવતી હોવાથી ગુજરાતના જવેલરી ઉદ્યોગમાં દિવાળી પૂર્વે જ ખરીદીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. દિવાળી બાદ લગ્નોના શુભ મૂહૂર્તો હોવાથી ગુજરાતની જનતાએ મોટા પાયે સોના-ચાંદીમાં ખરીદી શરૂ કરી દીધી છે. લોકો આડકતરા ખર્ચમાં પણ ઘટાડો કરી રહ્યાં છે તેની સકારાત્મક અસર ગોલ્ડ જવેલરી પર જોવા મળી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની આવક શરૂ થતા હાલમાં બજારમાં ઘસારો જોવા મળી રહ્યો છે. એક અંદાજ પ્રમાણે ફકત અમદાવાદમાં જ દાગીનાનું રૂ.૭૦૦થી ૮૦૦ કરોડનો કારોબાર થવાની વકી સેવાઇ રહી છે.

જવેલરી ઉદ્યોગમાં ચાલી રહેલા પ્રવાહ વિશે પ્રત્યાઘાત આપતા જવેલરી એસોસિયેશનના પ્રમુખ જીગર સોનીએ જણાવ્યું હતુ કે હાલમાં લાઇટ બેન્ડ અને વેડીંગ જવેલરીનો પ્રવાહ ચાલી રહ્યો છે. વિવિધ દ્યરેણા જેમ કે થીમ બેઝડ, જૂના ઘાટ પર લોકો વિશેષ ભાર આપી રહ્યા છે. સોનાના ભાવ સરેરાશ ભાવ રૂ. ૪૫થી ૫૦ હજારની વચ્ચે અને ચાંદીના રૂ. ૫૫,૦૦૦થી ૬૫ હજારની વચ્ચે રહેવાની ધારણા સેવાય છે. હાલમાં દ્યરાકી સારી કહી શકાય તેવી છે. કોરોનાની દહેશત ઓછી છતા ઘરાકી નીકળી આવી છે. અમદાવાદની વાત કરીએ તો દાગીનામાં રૂ.૭૦૦થી ૮૦૦ કરોડનું અને બુલિયનમાં તેના બમણા વેચાણની ધારણા સેવાઇ રહી છે.

બુલિયનમાં ધીમે ધીમે વેચાણ વધી રહ્યુ હોવાનું જણાવતા તેમણે ઉમેર્યુ હતુ કે તાજેતરમાં ગાંધીનગર બુલિયન એકસચેંજ ચાલુ થઇ જતા આખી દુનિયામાં ગોલ્ડ અહીથી જશે. તેનાથી ટર્નઓવર વધી જશે. ગત ૧ તારીખથી તેમાં સોદા પડવાના શરૂ ગયા છે. હાલમાં મોટા ખેલાડીઓ જેમ કે ઇકો બુલિયન, ઝવેરી ગ્રુપ, પાર્કર બુલિયન, આમ્રપાલી ગ્રુપ વગેરે ધીમે ધીમે જોડાઇ રહ્યા છે.

આ વિશે વધુ વાત કરતા શહેરના અગ્રણી જવેલર્સ એબી જવેલ્સના મનોજભાઇએ જણાવ્યું હતુ કે હાલમાં બે વર્ષથી અટકેલા લગ્નો અને ચાલુ વર્ષે થનારા લગ્નોની દ્યરાકીને કારણે સોનું અને ચાંદીનું વેચાણ એક જ લાઇનમાં ચાલી રહ્યા છે. લોકો સંખ્યામાં કાપ મુકી શકે છે પરંતુ ઘરેણામાં કાપ મુકી શકાતો નથી. હાલમાં ખાસ કરીને બ્રાઇડલ જવેલરી, રજવાડી, એન્ટિક, જડાઉ એન્ટિક જેવા દાગીના વધુ ચાલી રહ્યા છે. બીજી બાજુ લોકોએ જે ઊંચો ભાવ જોયો છે તેના કરતા હાલમાં પોષણક્ષમ ભાવ છે. ભાવની દ્રષ્ટિએ ઉદ્યોગમાં પારદર્શિતા વધી છે. ટૂંકમાં હાલમાં લે-વેચના ભાવ અલગ નથી. ટૂંકમાં બે મહિના પછી આવનારા લગ્નો માટે અત્યારથી જ ખરીદી ચાલુ થઇ ગઇ છે.

(10:16 am IST)