Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

કર્ણાટકમાં દરોડા દરમ્યાન

આયકર વિભાગને મળ્યો ૭૫૦ કરોડનો દલ્લો

૪ રાજ્યોમાં ૪૭ સંકુલોમાં તપાસ યેદીયુરપ્પાના સાથીદાર પણ ઝપટે

બેંગ્લોર,તા. ૧૩: આવકવેરા વિભાગે બેંગાલુરૂ સ્થિત સિંચાઇ અને હાઇવે પ્રોજેકટના ત્રણ મોટા કોન્ટ્રાકટરો પર દરોડા પાડીને ૭૫૦ કરોડ રૂપિયાની બિનહિસાબી આવક પકડી પાડી છે. તેમ સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું છે. આવકવેરા વિભાગે ચાર રાજયોમાં ૪૭ સંકુલોમાં દરોડા પાડયા હતાં. જેમાં પૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પાના અનેક નજીકના માણસનો પણ સમાવેશ થાય છે.

સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ત્રણેય કોન્ટ્રાકટરો નકલી ખરીદી, મજૂરો પર જરૂરિયાતથી વધારે ખર્ચ, નકલી સબ કોન્ટ્રાકટ ખર્ચ દર્શાવીને પોતાની આવક ઓછી બતાવતા હતાં.

સીબીડીટીએ વધુમાં જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે એક જૂથે ૪૦ એવા લોકોના નામે નકલી સબ કોન્ટ્રાકટનો ખર્ચ દર્શાવ્યો હતો જેમનો કન્ટ્રકશન લાઇન સાથે કોઇ સંબધ નથી. આ ૪૦ લોકોએ પણ અનિયમિતતાની વાત સ્વીકારી લીધી છે. સીબીડીટીએ જણાવ્યું છે કે આ ત્રણેય જૂથો પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન ૭૫૦ કરોડ રૂપિયાની બિનહિસાબૂી આવક મળી આવી છે.

જેમાંથી ૪૮૭ કરોડ રૂપિયાની આવક અંગે સંબિધત જૂથોએ સ્વીકાર કર્યો છે કે આ તેમની બિનહિસાબી આવક હતી. સીબીડીટીના જણાવ્યા મુજબ અન્ય એક જૂથે પણ ૧૦૫ કરોડ રૂપિયાની અનિયમિતતાનો સ્વીકાર કર્યો છે. દરોડા દરમિયાન ૪.૬૯ કરોડ રૂપિયાની રોકડ, ૮.૬૭ કરોડ રૂપિયાના ઘરેણા અને ૨૯.૮૩ લાખ રૂપિયાની ચાંદી મળી આવી છે.

(9:54 am IST)