Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

લ્યો બોલો...ડોગીનો સિમંતનો પ્રસંગ ઉજવાયો

તામિલનાડુમાં ડોગપ્રેમીએ વિધિ-જમણવાર યોજયો

મદુરાઇ,તા. ૧૩: માણસો સાથે શ્વાનની દોસ્તી સામાન્ય જીંદગીથી માંડીને ફિલ્મો સુધી જોવા મળે છે પણ તામિલનાડુના થેની જીલ્લામાંથી માણસ અને શ્વાનની દોસ્તી કેટલાય ડગલા આગળ નીકળી ગયાના સમાચારો સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર અહીં એક પરિવાર પોતાની પાલતુ કૂતરી પ્રત્યે પ્રેમ દેખાડીને તેના સીમંતનું આયોજન કર્યું. સીમંતનું આયોજન આ વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયું છે. આયોજનની તસ્વીરો પણ સોશ્યલ મીડીયા પર ચર્ચામાં છે.

ઉપ્પયુકોટ્ટઇના રહીશ ૪૩ વર્ષના કુમારસન પરિવારમાં તેનો એક પુત્ર અને પુત્રી છે જે પ્રાણીઓ પર બહુ પ્રેમ રાખે છે. એટલે ઘણા સમય પહેલા તેઓ ઘરમાં એક શ્વાન લાવ્યા હતા. પણ અત્યારે ઘરમાં દસથી પણ વધારે શ્વાન છે તેમના ઘરમાં એક કૂતરી છે જેનુ નામ સિલ્ક છે. પશુચિકિત્સક અનુસાર, તે માતા બનાવાની છે પરિવારને જ્યારે ખબર પડી કે સિલ્ક પ્રેગ્નન્ટ છે અને ત્રણ ચાર મહિનામાં મા બનવાની છે તો તેમણે ઘરમાં સીમંતનું આયોજન કર્યું.

સીમંતના કાર્યક્રમમાં પરિવારે પોતાના સગાઓને પણ આમંત્રિત કર્યા. આ એક ભવ્ય સમારોહ હતો જેણે પાડોશીઓ માટે આશ્ચર્ય જનક હતો કેમ કે સિલ્કને નવા કપડા પહેરાવાયા હતા. પાંચ અલગ અલગ પ્રકારના ભાત તેને ખવડાવાયા હતા. એટલુ  જ નહીં તેના માટે ચૂડીઓની પણ વ્યવસ્થા કરાઇ હતી.

કુમારસને જણાવ્યું કે મારી પાસે નાનપણથી ઘણા શ્વાન છે. તેઓ હંમેશા અમારા પરિવારના સભ્ય રહ્યા છે. અમે જે કંઇ પણ ખાઇએ, અમે તેમને એ જ ખવડાવીએ છીએ. અમને જ્યારે ખબર પડી કે સીલ્ક પ્રેગ્નન્ટ છે તો અમે સાથે મળીને આ આયોજન કર્યું.

(9:51 am IST)