Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

મહારાષ્ટ્ર ચૂંટણી : અમિત શાહના કોંગ્રેસ ઉપર પ્રહાર

૩૭૦, બાલાકોટ એરસ્ટ્રાઇકના મુદ્દાઓ ઉઠાવ્યા : કોલ્હાપુરમાં ચૂંટણી પ્રચાર કરીને કોંગ્રેસ અને એનસીપી પર તીવ્ર પ્રહાર કર્યા : અગાઉના પૈસા લૂંટી લેવાયા : શાહ

કોલ્હાપુર, તા. ૧૩ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગામી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યની જનતાની સામે મોદી સરકારની ઉપલબ્ધીઓને ગણાવતા આજે વિપક્ષ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. અમિત શાહે પ્રજાને અપીલ કરતા કહ્યું હતું કે, આગામી વખતે પણ મોદી અને રાહુલમાંથી કોની પસંદગી કરવાની છે. આ પ્રસંગે અમિત શાહે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના એવા નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો જેમાં તેઓએ ભાજપના નેતાઓ ઉપર ચોલા ઓઢકર ખૂન કી દલાલી કરવાનો આક્ષેપ કર્યો હતો. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ચૂંટણી જનસભામાં બોલતા અમિત શાહે કહ્યું હતું કે, મહારાષ્ટ્રની જનતાની સામે બે વિકલ્પો રહેલા છે. એકબાજુ મોદી, દેવેન્દ્ર ફડનવીસ અને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં ભાજપ-શિવસેના છે. બીજી બાજુ રાહુલ અને શરદ પવારની ટીમ છે. બંને વચ્ચે મહારાષ્ટ્રની જનતાને નિર્ણય લેવાની જરૂર છે. અમિત શાહે કલમ ૩૭૦ અને કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો. ઉપરાંત બાલાકોટ એરસ્ટ્રાઇકનો પણ ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસ અને એનસીપી પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. આતંકવાદની સામે મોદી સરકારના કઠોર વલણને લઇને પ્રતિક્રિયા આપી હતી. મોદી સરકારના વલણ અને તેના પર વિપક્ષની પ્રતિક્રિયાની સરખામણી કરતા અમિત શાહે કહ્યું હતું કે, મોદીએ એરસ્ટ્રાઇક કરાવી બાલાકોટના ત્રાસવાદી અડ્ડાઓને નષ્ટ કર્યા હતા. સર્જિકલ સ્ટ્રાઇક કરાવીને પાકિસ્તાની આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા પરંતુ રાહુલ ગાંધી કહી રહ્યા હતા કે, આપ ચોલા ઓઢકર ખૂન કી દલાલી કરતે હૈં. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, જ્યારે આ બંને પાર્ટીની સરકાર હતી ત્યારે ૭૦૦૦૦ કરોડ રૂપિયાની સિંચાઈ યોજનાની જાહેરાત કરી હતી પરંતુ એક પણ ખેડૂતને પાણી મળ્યું ન હતું. તમામ પૈસા ભ્રષ્ટ નેતાઓએ લૂંટી લીધા હતા.

       રાજ્યમાં ભાજપ સરકારે છેલ્લા પાંચ વર્ષના ગાળામાં અનેક ક્ષેત્રોમાં ઉલ્લેખનીય કામગીરી અદા કરી છે જેના કારણે ફડનવીસ સહકારે મહારાષ્ટ્રને વિદેશી રોકાણના મામલામાં નંબર વન પર, શિક્ષણમાં નંબર ત્રણ ઉપર અને ખેતી તથા ઉદ્યોગમાં ટોપ પાંચમાં પહોંચાડી દીધું છે. બીજા પાંચ વર્ષ મળશે તો મહારાષ્ટ્ર દરેક માપદંડ પર નંબર વનની સપાટી ઉપર પહોંચી જશે.

(7:55 pm IST)