Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

મરિયમ થ્રેસિયાને નિધનના ૯૩ વર્ષ બાદ સંતની ઉપાધી

શિક્ષણ અને સશક્તિકરણમાં મુખ્ય ભૂમિકા હતી : પોપ ફ્રાન્સિસે સંતની ઉપાધી આપવા માટે જાહેરાત કરી

નવીદિલ્હી,તા.૧૩ : કેરળમાં યુવતીઓના શિક્ષણ અને તેમના સશક્તિકરણને લઇને ભાગીરથ પ્રયાસ કરનાર નન મરિયમ થ્રેસિયાને તેમના અવસાનના ૯૩ વર્ષ બાદ આજે સંતની ઉપાધી મળી ગઈ હતી. પોપ ફ્રાન્સિસે વેટિકનમાં નન મરિયમ થ્રેસિયાને સંતની ઉપાધી આપવાની જાહેરાત કરી હતી. ૨૬મી એપ્રિલ ૧૮૭૬ના દિવસે રાજ્યના ત્રિસુર જિલ્લામાં જન્મેલા સિસ્ટર મરિયમ ૫૦ વર્ષની વયમાં ૮મી જૂન ૧૯૨૬ના દિવસે દુનિયા છોડીને જતા રહ્યા હતા. લાંબા ગાળા બાદ એટલે કે તેમના અવસાનના ૯૩ વર્ષ બાદ આજે સંતની ઉપાધી મળી હતી. સિરિયન માલાબાર ચર્ચથી સંબંધ ધરાવનાર સિસ્ટર મરિયમના પિતા મનકી ડિયાન તોમા અને માતાનું નામ તાંડા હતું. સિસ્ટમ મરિયમની અન્ય બે બહેનો હતી. સિસ્ટર મરિયમને હોલી ફેમિલિ નામની એક ધર્મસભાની સ્થાપના કરી હતી. વેટિકન સિટીમાં સ્થિત એક દસ્તાવેજ મુજબ તેઓએ કેટલીક સ્કુલો, હોસ્ટેલ, અનાથાલય અને કોન્વેન્ટ બનાવ્યા હતા. સાથે સાથે સંચાલિત પણ કર્યા હતા. સિસ્ટર મરિયમને યુવતીઓના શિક્ષણ અને તેમના સશક્તિકરણ માટે પણ યાદ કરવામાં આવે છે. ૧૯૧૪માં તેમના દ્વારા સ્થાપિત આ સંસ્થામાં આશરે ૨૦૦૦ નન રહેલી છે.

     પોપ ફ્રાન્સિસે સિસ્ટર મરિયમ ઉપરાંત ચાર અન્ય લોકોને પણ સંતની ઉપાધી આપી દીધી છે. ખુબ જ અમીર પરિવારમાં જન્મેલી સિસ્ટર મરિયમે માત્ર આઠ વર્ષની વયમાં પોતાને ભગવાનને સમર્પિત કરી દીધી હતી અને વ્રત કરવા લાગી હતી. બાળપણથી જ તેમને નજીકના લોકો સંત તરીકે બોલાવતા હતા. કેરળના ગરીબ લોકોની સેવામાં સમય ગાળવામાં આવ્યો હતો. પોપ જ્હોન પોલ દ્વીતિય દ્વારા ૯મી એપ્રિલ ૨૦૦૦ના દિવસે સિસ્ટર મરિયમને ધન્ય તરીકે જાહેર કરી હતી. મરિયમના ચમત્કારને હવે પોપે પણ સ્વીકારી લીધા છે. એક બાળક જીવન મરણ વચ્ચે હતું ત્યારે સિસ્ટર મરિયામના લીધે તે સ્વસ્થ થયો હતો.

(7:59 pm IST)