Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

દિલ્હીમાં તા. ૪ થી ૧પ નો નવેમ્‍બર સુધી ઓડ-ઇવન સ્કીમમાંથી ૧ર વર્ષથી નાના બાળકો સાથે વાહન ચલાવતા મહિલાઓને શરતી મુક્તિ મળશે : અરવિંદ કેજરીવાલ

નવી દિલ્હી : રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીમાં ચારથી પંદર નવેમ્બર સુધી અમલી બનનાર ઓડ-ઇવન યોજનામાંથી આ વખતે બાર વર્ષથી ઓછી વાયના બાળકો સાથે વાહન હંકારનાર મહિલાઓને મૂક્તિ અપાઇ છે, એમ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું.

અગાઉની કવાયતથી વિપરિત આ વખતે ખાનગી સીએનજી વાહનોને મુક્તિ આપાશે નહીં.' વાહન ચલાવતી એકલી મહિલા, તમામ મહિલાઓ સાથેનું વાહન અને બાર વર્ષથી ઓછી વયના બાળકો સાથે વાહન ચલાવનાર મહિલાઓને મૂક્તિ અપાશે, એમ કહીને કેજરીવાલે ઉમેર્યું હતું કે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવયો હતો.

સીએનજી વાહનો માટે કરાયેલા ફેરફાર અંગે બોલતાં કેજરીવાલે કહ્યું હતું કે'અગાઉ ઓડ-ઇવન સ્કીમમાં અમે સીએનજી વાહનોને છુટ આપી હતી. પરંતુ અમને જાણવા મળ્યું હતું કે આ સ્કીમમાંથી છટકવા માટે વાહનો પર લગાડવામાં આવતા સીએનજી સ્ટીકર્સ કેટલાક લોકો દ્વારા બ્લેક માર્કેટમાં વેચાતા હતા અને તેનો દુરૂપયોગ થતો હતો.

પરિણામે આખી સ્કીમનો હેતુ માર્યો જતો હતો'.દ્વીચક્રીય વાહનોને છુટ આપવી કે નહીં તે અંગેનો નિર્ણય હજુ સુધી લેવાયો નથી, અમે નિષ્ણાતોની સલાહ લઇ રહ્યા છીએ, એમ તેમણે ઉમેર્યું હતું.

'દ્વીચક્રિય વાહનો હવાને પ્રદૂષીત કરે જ છે.અમે માનીએ છીએ કે ઓડ-ઇવન સ્કીમમાં તેમને છુટ ના આપવી જોઇએ.પરંતુ દિલ્હીમાં શહેરમાં દ્વીચક્રિય વાહનોની સંખ્યા જોતાં તેમાંથી અર્ધાને પણ બાકાત રાખવું બિન વ્યવહારૂ છે.દિલ્હી જાહેર પરિવહનમાં એટલી ક્ષમતા નથી કે તમામને તેમાં સમાવી શકાય'એમ તેમણે કહ્યું હતું.

આ વિરોધાભાસ અંગે સરકાર કોઇ ઉકેલ લાવવા પ્રયત્નશીલ છે, એમ કહીને તેમણે ઉમેર્યું હતું કે આ મુદ્દે અમે ઓફિસના સમયને સ્ટેગર કરવા અંગે નિષ્ણાતો સાથે મસલત કરી રહ્યા છીએ. વાહનો પર નાંખવામાં આવતા દંડ અંગે તેમણે કહ્યું હતું કે આ મુદ્દે હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી. ઉલ્લેખનીય છે કે ગઇ વખતે દંડ રૂપિયા બે હજાર હતો. પરંતુ આ વખતે દંડ રૂપિયા વીસ હજાર સુધી થઇ શકે છે.

(2:12 pm IST)