Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્‍ય અલ્‍કા લાંબા ફરી કોંગ્રેસમાં જોડાયા : મહીના પહેલા જ આપમાંથી રાજીનામું આપ્‍યું છે

નવી દિલ્હી,: દિલ્હીની ચાંદની ચોક બેઠકના પૂર્વ ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અલકા લાંબાએ કોંગ્રેસની સદસ્યતા ધારણ કરી છે. અલકા લાંબાએ એક મહીના પહેલા જ આપમાંથી રાજીનામુ આપ્યું હતું.

આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અલકા લાંબાએ શનિવારે ઔપચારિક રીતે કોંગ્રેસ પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી હતી. કોંગ્રેસની સદસ્યતા ગ્રહણ કરવા માટે તેમણે પાંચ રૂપિયાની પહોંચ પણ ફડાવી હતી. તે સમયે દિલ્હી કોંગ્રેસના પ્રભારી પીસી ચાકો, ચાંદની ચોકના જિલ્લા અધ્યક્ષ ઉસ્માન, આદર્શનગર જિલ્લાધ્યક્ષ જિંદલ અને અન્ય કોંગ્રેસી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અલકા લાંબાએ ટ્વિટરના માધ્યમથી પોતે કોંગ્રેસની સદસ્યતા ગ્રહણ કરી હોવાની જાણ કરી હતી અને પહોંચ સાથેનો ફોટો શેર કર્યો હતો. આ ઉપરાંત તેમણે કોંગ્રેસના સદસ્ય બનીને ગર્વની લાગણી અનુભવાઈ રહી હોવાનું જણાવ્યું હતું.

આગામી વર્ષની શરૂઆતમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે તેની પહેલા જ અલકા લાંબાએ ફરી એક વખત પક્ષપલટો કર્યો છે. અલકા લાંબાએ ગત મહીને આપ સાથે છેડો ફાડયો ત્યાર બાદ દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામનિવાસ ગોયલે ચાંદની ચોકના ધારાસભ્ય અલકા લાંબાની સદસ્યતા રદ કરી હતી. 2015માં અલકા લાંબા કોંગ્રેસ સાથેનો 20 વર્ષ જૂનો સબંધ કાપી આપમાં જોડાયા હતા અને વિધાનસભા ચૂંટણી લડયા હતા.

(2:09 pm IST)