Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

PMC કૌભાંડમાં HDILની મુંબઇ-વસઇમાં આવેલી ર૧૦૦ એકર જમીન કબ્‍જે કરવા કાર્યવાહી હાથ ધરાઇ

નવી દિલ્‍હી : સમગ્ર દેશને હચમચાવી મુકનાર મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક કોંભાડમાં તપાસ કરી રહેલી તપાસ સંસ્થાઓને દરરોજ નવી નવી વિગતો જાણવા મળી રહી છે. પીએમસી કોંભાડના મામલે નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. હાલમાં જ એચડીઆઇએલના એક બંગ્લાને સીલ કરી દેવામાં આવ્યા બાદ ઇડી દ્વારા હવે કંપની, તેના પ્રમોટર સારંગ વાધવાનની માલિકીવાળી આશરે ૨૧૦૦ એકર જમીનની માહિતી મેળવી લીધી છે. જેના કારણે ખળભળાટ મચી ગયો છે. આ જમીન વસઇ-પાલધર પટ્ટામાં હોવાનુ સપાટી પર આવતા તપાસ સંસ્થાઓની નજર આ જમીન પર કેન્દ્રિત થઇ ગઇ છે. જમીનો વસઇ-પાલઘર પટ્ટાના જુદા જુદા ગામોમાં હોવાની વિગત સપાટી પર આવ્યા બાદ હજુ તપાસ ચાલી રહી છે. એમ માનવામાં આવે છે કે આ જમીનોની કુલ કિંમત ૩૫૦૦ કરોડ રૂપિયાની છે. ઇડી દ્વારા આ જમીનોને જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામા આવી છે. જા કે આનુ કામ હજુ ધીમી ગતિથી ચાલી રહ્યુ છે. આ ખાલી રહેલી જમીન પર હાલમાં કોઇનો કબજા નથી. ઇડીના અધિકારી આ બાબતની તપાસ કરી રહ્યા છે કે આ જમીનોને વાધવાન પરિવારના સભ્યોના નામ પર ખરીદવામાં આવી છે કે પછી એચડીઆઇએલના નામ પર જમીનોની ખરીદી કરવામાં આવી છે.

વાધવાન અને તેમની કંપનીએ પીએમસી બેંકથી છેતરપિંડી આચરીને લોન મેળવી હતી. એચડીઆઇએલ બેકરપ્સી પ્રોસિડિંગ કોડનો સામનો કરી રહી છે. આ ગ્રુપની કંપનીઓએ આરબીઆઇના નિયમોનો ભંગ કરીને પીએમસી બેંક પાસેથી ૧૩૦૬ કરોડની લોન મેળવી હતી.૩૧મી માર્ચના દિવસે રાકેશ વાધવાનના નામ પર ૧૯૦૩ કરોડ અને સારંગ વાધવાનના નામ પર ૧૨૯ કરોડ બાકી છે. ઇડી દ્વારા હાલમાં એચડીઆઈએલ, તેના પ્રમોટરો, ડિરેક્ટરો અને ૧૮ અન્ય કંપનીઓ જે રિયલ એસ્ટેટ કંપની સાથે જાડાયેલી છે તેમાં તપાસ કરવામાં આવી રહી છે.

એચડીઆઈએલમાં પીએમસી એક્સ્પોઝરનો આંકડો ૬૦૦૦ કરોડનો રહેલો છે. રિયલ એસ્ટેટ કંપની નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં બેંકરપ્શી અથવા તો નાદારી પ્રક્રિયાનો સામનો કરી રહી છે. હજુ સુધી ઇડીએ પ્રિવિલેઝ એરવેઝના નામ ઉપર નોંધાયેલા એક વિમાન (બોમ્બાર્ડિયર ચેલેન્જ ૩૦૦) જપ્ત કર્યું છે. પ્રિવિલેઝ એરવેઝના વાધવાન ડિરેક્ટર તરીકે છે.

આ ઉપરાંત ૧૨ લકઝરી કાર અને ૬૦ કરોડ રૂપિયાની જ્વેલરી જપ્ત કરવામાં આવી ચુકી છે. આ ઉપરાંત ઇડીએ અલીબાગમાં વાધવાનની ૨.૫ એકરની પ્રોપર્ટી પણ જપ્ત કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. મહારાષ્ટ્રના દરિયાકાંઠે અલીબાગમાં આ પ્રોપર્ટી રહેલી છે. સુત્રોના કહેવા મુજબ એસોસિએટ્‌સ કંપનીઓ અને એચડીઆઈએલ સાથે લિંક્ડ કંપનીઓ ઉપર પણ સકંજા મજબૂત કરવામાં આવી ચુક્યો છે.

ફેડરલ એજન્સી દ્વારા આ તમામ કંપનીઓના કુલ એક્સ્પોઝરનો આંકડો કેટલો છે તેમાં તપાસ કરી રહી છે. પીએમસી કૌભાંડના કારણે દેશભરમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા હાલમાં પણ ચાલી રહી છે. લકઝરી કાર, જ્વેલરી, પ્રોપર્ટી અને વિમાનો જપ્ત કરવામાં આવીચુક્યા છે.

એચડીઆઈએલ સાથે લિંક્ડ અને એસોસિએટ્‌સ કંપનીઓમાં વાધવાન લાઈવ સ્ટોક પ્રાઇવેટ લિમિટેડ, પ્રિવેલેઝ ઇન્ડસ્ટ્રી, યુએમ આર્કીટ્રેક્ચર એન્ડ કોન્ટ્રાક્ટર્સ, ગુરુસિંહ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ, હેરિટેજ હાઉસિંગ ડેવલપમેન્ટ, એચઆર ઇન્ફ્રાસિટી લિમિટેડ, લિબ્રા હોટલ પ્રાઇવેટ લિમિટેડ, પ્રિવિલેઝ એરવેઝ પ્રાઇવેટ લિમિટેડ અને એએમસી હોલ્ડિંગનો સમાવેશ થાય છે. વાધવાન અન્ય કેટલીક કંપનીઓ સાથે પણ સીધીરીતે જાડાયેલા રહ્યા છે.સુત્રોના કહેવા મુજબ ઇડીના અધિકારીઓ દ્વારા જે ૨૧૦૦ એકર જમીનની ઓળખ કરી છે તે પૈકી ૬૦૦ એકર જમીનને એચડીઇએલ તથા તેના પ્રમોટરોએ પીએમસી બેંકની પાસે ગિરવે મુકી હતી. તેએ અન્ય ૪૦૦ એકર જમીનને અન્ય બેંકોની પાસે મુકી છે. માનવામાં આવે છે કે આ જમીન પર પીએમસી અને અન્ય બેંકો પાસેથી ૮૦૦ કરોડની લોન લેવામાં આવી હતી. બાકી ૧૧૦૦ એકર જમીન પર કોઇ લોન નથી. ઇડી દ્વારા આ જમીનોના કાગળ મેળવી રહી છે. ઇડીએ ગુરૂવારના દિવસે બંગ્લાને જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

(2:07 pm IST)