Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

મેહુલ ચોકસીએ પંજાબ એન્ડ સિન્ધ બેંકનું ૪૪ કરોડનું ફુલેકે ફેરવ્યું: બેન્કને ભીસ પડી ત્યારે ડિફોલ્ટરની માહિતી જાહેર કરી

મુંબઇ : નેશનલ બેન્ક ( પીએનબી) સાથે રૂ. ૧૩,૦૦૦ કરોડની છેતરપિંડી કરી ચૂકેલા ભાગેડુ હિરાના વેપારી મેહુલ ચોકસીએ પંજાબ એન્ડ સિંધ બેન્ક સાથે પણ  રૂ. ૪૪.૧ કરોડની છેતરપિંડી કરી હોવાની હકીકત બહાર આવી છે. બેન્કે શનિવારે પહેલી જ વાર મેહુલ ચોકસી બેન્ક ડિફોલ્ટર હોવાની માહીતી ખુલીને આપી હતી.

બેન્કે જણાવ્યુ હતુ કે ચોકસીની કંપની ગીતાંજલી જેમ્સ લિમીટેડ તેમજ ગીતાંજલિ એકસ્પર્ટ લિમીટેડે તેની પાસેથી ધીરાણ મેળવ્યુ હતુ. મેહુલ ચોકસી કંપનીના ડિરેકટર હતા. અને ગેરેન્ટર હતા.  લોન ખાતામાં તેમને ગુણીયલ  ચોકસીના કાયદેસરના વારસ તરીકે પણ નોંધાયેલા છે. ચોકસીએ લોનની રકમ પરત ભરપાઇ ન કરતા ૩૧ માર્ચ ર૦૧૮ ના રોજ પીએસી બેન્કે તે રકમને એનપીએમાં મુકી દીધી.

બેન્કે ર૩ ઓકટોબર, ર૦૧૮ ના રોજ ચોકસીને લોન, વ્યાજ  અને અન્ય ચાર્જીસની  ચુકવણી કરવા સૂચના આપી હતી. લોન ભરપાઇ ન થતાં ૧૭ સપ્ટે.  ર૦૧૯ ના રોજ  પીએસબીએ ચોકસીને ડિફોલ્ટર જાહેર કર્યા હતા. સીબીઆઇએ  ગુરુવારે મુંબઇની  એક અદાલતમાં આગ્રહપુર્વક રજુઆત કરી હતી કે  પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીને ભાગેડુ જાહેર કરવામાં આવે. એજન્સીએ જણાવેલ કે બિન જામીનપાત્ર વોરંટનો જવાબ આપવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે.

સીબીઆઇ કોર્ટ વિશેષ ન્યાયાધીશ  વી.સી. વરદે સમક્ષ અરજી કરીને  એજન્સીને રજુઆત કરી હતી કે કેસમાં પ્રથમ એફઆઇઆર દાખલ થાય તે પહેલા જ ચોકસી દેશ છોડીને ભાગી ગયા હતા. ચોકસીએ અદાલત તરફથી જારી થતા વોરંટથી બચવા એન્ટિગુઆની સિટીઝનશીપ લઇ રાખી છે.

(1:05 pm IST)