Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

જાપાનમાં 60 વર્ષના વિનાશક વાવાઝોડા 'હગિબીસ'ને કારણે આકાશ ગુલાબી થયું

ભારે વરસાદ પડ્યો અને 180 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાયો

 

ટોક્યો:જાપાનના 60 વર્ષના ઇતિહાસમાં સૌથી શક્તિશાળી વાવાઝોડું હગિબીસને કારણે પાટનગર ટોક્યોનું આકાશ ગુલાબી રંગનું થયું છે ચક્રવાત હગિબીસ ટોક્યો તરફ વધી રહ્યું છે. વાવાઝોડા પહેલા આના પ્રભાવને કારણે ભારે વરસાદ પડ્યો અને 180 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાઇ રહ્યો છે.

વાવાઝોડાને કારણે રગ્બી વિશ્વ કપની બે મેચોને રદ કરવાની ફરજ પડી છે. ઉપરાંત 1600થી વધુ ફ્લાઇટો પણ રદ કરવામાં આવી છે. પૂર્વ ટોક્યોના ચિબામાં વાવાઝોડાને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. વાવાઝોડાને હગિબીસ નામ ફિલીપાઇન્સે આપ્યું છે, ત્યાંની ભાષામાં તેનો અર્થ 'ઝડપ' થાય છે.

જાપાનની હવામાન વિજ્ઞાન એજન્સીએ જણાવ્યું હતું કે, શનિવાર સાંજ સુધીમાં વાવાઝોડું 216 કિમી પ્રતિ કલાકની મહત્તમ ઝડપથી મધ્ય અથવા પૂર્વ જાપાનમાં પહોંચી શકે છે. વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનની પણ આશંકા છે અને કિનારાઓના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે.

વાવાઝોડાને કારણે પ્રશાસને લગભગ 42 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડ્યા છે. જાપાનમાં 1958માં આવા ચક્રવાતને કારણે ભારે તારાજી સર્જાઈ હતી અને લગભગ 1200 લોકોના મોત થયા હતા તેમજ હજારો લોકો બેઘર થઇ ગયા હતા.

(12:00 am IST)