Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

બે મહાશક્તિ એક મત થઈ

માનસરોવરના યાત્રીઓની સુવિધા વધશે

મહાબલીપુરમ, તા. ૧૨ : તમિળનાડુના શહેર મમલ્લાપુરમ (મહાબલીપુરમ)માં ભારત અને ચીનની વચ્ચે ઉતારચઢાવવાળા સંબંધોમાં આજે એક નવા યુગની શરૂઆત થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીની પ્રમુખ શી ઝિનપિંગની સાથે બે દિવસમાં આશરે છ કલાક વાતચીત કરી હતી. વાતચીત બાદ બંને પડોશી દેશોએ આ નવા સંબંધોને ચેન્નઈ કનેક્ટનું નામ આપ્યું છે. મોદીએ કહ્યું છે કે, બંને દેશ છેલ્લા ૨ હજાર વર્ષના મોટાભાગના ગાળામાં આર્થિક મહાસત્તા તરીકે રહ્યા છે અને ફરીવાર મહાસત્તા બનાવવાની દિશામાં વધી રહ્યા છે. ઝિગપિંગની ભારત યાત્રામાં અનેક મોટી સફળતા હાથ લાગી છે. જે નીચે મુજબ છે.

મતભેદોને વિવાદ બનવાની તક નહી મળે : મોદી

પ્રતિનિધિસ્તરની બેઠકમાં મોદીએ કહ્યું હતું કે, છેલ્લા બે હજાર વર્ષના મોટાભાગના ગાળા દરમિયાન ભારત અને ચીન દુનિયાની મુખ્ય આર્થિક સત્તા તરીકે રહી છે. હવે આ સદીમાં અમે ફરી એકસાથે એજ સ્થિતિને પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. ગયા વર્ષે વુહાનમાં અમારી અનૌપચારિક બેઠકમાં અમારા સંબંધોમાં ગતિ આવી છે. વ્યૂહાત્મક મુદ્દા પર સહમતિ થઈ છે. મતભેદોને ઉકેલવાના પ્રયાસો થઈ રહ્યા છે. મતભેદોને વાતચીતથી ઉકેલવામાં આવશે. મતભેદોને વિવાદ બનવાથી રોકવામાં આવશે. એકબીજાની ચિંતાના મામલે સંવેદનશીલ રહેશે. સંબંધો શાંતિ અને સ્થિરતા માટે મહત્વપૂર્ણ રહેશે. ચેન્નઈ કનેક્ટ આ બેઠકોને નામ અપાયું છે.

મોદીની પહેલ સારી સાબિત થઈ છે : ઝિગપિંગ

ચીની પ્રમુખ ઝિગપિંગે ભારતમાં જે રીતે સ્વાગત કરવામાં આવ્યું તેને લઈને ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, તેમના માટે ભારત યાત્રા યાદગાર રહી છે. ચીની મીડિયાએ બંને દેશોના સંબંધો અંગે ઘણુ લખ્યું છે. શીએ ગયા વર્ષે વુહાન બેઠકનો ઉલ્લેખ કર્યો હતો અને આની ક્રેડિટ મોદીને આપી હતી. વુહાનની પહેલ મોદીએ કરી હતી અને આ પહેલ શાનદાર સાબિત થઈ રહી છે. ભારત અને ચીન એકબીજાના મહત્વપૂર્ણ દેશો છે. બંનેને દુનિયાના એકમાત્ર એવા દેશો છે જેમની વસતી એક અબજથી વધારે છે

પ્રતિનિધિસ્તરની બેઠક યોજાઈ

મોદી અને ઝિગપિંગની ઉપસ્થિતિમાં બંને દેશોના પ્રતિનિધિમંડળસ્તરની વાતચીત યોજાઈ હતી જેમાં ભારત તરફથી વિદેશમંત્રી જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ તથા વિદેશ સચિવ વિજય ગોખલે ઉપસ્થિત રહ્યા હતા.

શુક્રવારે ડિનર ઉપર લાંબી વાતચીત થઈ હતી

શુક્રવારના દિવસે મોદીએ ઝિગપિંગ માટે રાત્રે  ડિનરનું આયોજન કર્યું હતું. જેમાં આતંકવાદ સહિતના મુદ્દા પર વાતચીત થઈ હતી. મોદીએ આ વાતચીત દરમિયાન દ્ધિપક્ષીય વેપારમાં અસમતુલાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

છ કલાક વન ટુ વન મિટિંગ

બંને નેતાઓએ આજે ૯૦ મિનિટ સુધી વાતચીત કરી હતી. ત્યાર બાદ પ્રતિનિધિ સ્તરની વાતચીત થઈ હતી. મોદીએ બપોરમાં શીના સન્માનમાં લંચનું આયોજન કર્યું હતું. આ સમિટમાં કુલ મળીને બંને નેતાઓ વચ્ચે છ કલાક વન ટુ વન મિટિંગ થઈ હતી.

નવી વ્યવસ્થાથી વેપાર

વિદેશ સચિવ વિજય ગોખલે કહ્યું હતું કે, વેપાર, મુડી રોકાણ અને સેવાઓ પર ચર્ચા કરવા માટે નવી વ્યવસ્થાની સ્થાપના કરવામાં આવશે. જેમાં ચીન તરફથી નાયબ વડાપ્રધાન અને ભારત તરફથી નાણામંત્રી નિર્મલા સીતારમણ સામેલ થશે. ગોખલે કહ્યું હતું કે, પ્રતિનિધિસ્તરની વાતચીતમાં બંને દેશો વચ્ચે લોક સંપર્ક વધારવાના મુદ્દા પર ચર્ચા થઈ હતી. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, બંને દેશોના લોકો એકબીજાના નજીક આવે તે જરૂરી છે. બંને તરફથી વિચારની આપ લે થઈ હતી.

મોદીને ચીન આવવાનું આમંત્રણ મળ્યું

વિજય ગોખલે કહ્યું હતું કે, ચીનના પ્રમુખ ઝિગપિંગે મોદીને ચીન માટેનું આમંત્રણ આપ્યું છે. મોદીએ આ આમંત્રણને સ્વીકારી લઈને ચીન જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આગામી દોરની બેઠક ચીનમાં થશે. જોકે, આની તારીખ જાહેર કરવામાં આવી નથી. બંને નેતાઓની સુવિધાઓના આધાર ઉપર તારીખ નક્કી થશે.

માનસરોવરના યાત્રીઓની સુવિધા પર ચર્ચા

વિદેશ સચિવએ કહ્યું હતું કે, ચીની પ્રમુખે કૈલાશ માનસરોવર જતા યાત્રીઓ માટે વધારે સુવિધા ઉપલબ્ધ કરાવવાની રજુઆતને સાંભળી હતી. મોદીએ તમિળનાડુ અને ચીનના વિસ્તારો વચ્ચે સંબંધોને મજબુત કરવાના મુદ્દે રજુઆત કરી હતી. આતંકવાદ અને કટરપંથી તાકતો બંને દેશો માટે પડકાર રૂપ છે.

(12:00 am IST)