Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

પૂરમાં વહી ગયેલી દીકરીની ભાળ ન મળતા પરિવારે કર્યો પૂતળું બનાવીને અંતિમ સંસ્કાર

બેંગ્લોર તા.૧૩: કર્ણાટકના કોડગુ જિલ્લામાં આવેલા પૂરમાં એક યુવતી ગાયબ થઇ ગઇ હતી. દીકરી ખોવાયા પછી બે મહિના સુધી એની કોઇ ભાળ ન મળતાં તેનાં માતા-પિતાએ દીકરીનાં અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લીધો. બત્તાસુર ગામમાં રહેતા આદિવાસી પેરન્ટ્સની દીકરી ૧૭ ઓગષ્ટે આવેલાં પૂરમાં ખોવાઇ ગઇ હતી. પરિવારે બે મહિના સુધી રાહ જોઇ. તેમને આશા હતી કે કયાંકથી તેમને દીકરીના સમચાર મળશે. બે મહિના પછી આખરે તેમણે અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લીધો. મંજુલા દસમાં ધોરણમાં ભણતી હતી અને તેની માસી પાસે રહેતી હતી. મંજુલાની મમ્મીનું કહેવું હતું કે 'પૂર દરમ્યાન ભુસ્ખલનમાં તેની બહેનનું ઘર વહી ગયું અને આ ઘટનામાં તેની બહેન તેનો પતિ અને બાળકો બધાં જ ખોવાઇ ગયાં. રેસ્કયું ટીમે તેની બહેન, બનેવી અને તેના દિકરાનું શબ ખોળી કાઢયું હતું, પણ મંજુલાના કોઇ સમાચાર ન મળ્યા.'

આખરે તેના પેરન્ટ્સે મંજુલાની સાઇઝનું પૂતળું બનાવ્યું અને અર્થી સજાવીને એને સ્મશાન લઇ જવામાં આવ્યંુ અને ધાર્મિક વિધિવિધાન સાથે પૂતળાનો દાહસંસ્કાર કરવામાં આવ્યો.(૧.૨૦)

(3:37 pm IST)