Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

MeToo પર બોલી શિલ્પા શિંદે - ઇન્ડસ્ટ્રીમાં બળાત્કાર થતા નથી, બધુ સહમતીથી થાય છે

શિલ્પાનું કહેવું છે કે જ્યારે બધુ થાય છે ત્યારે જ અવાજ ઉઠાવવો જોઇએ, વર્ષો પછી આ ઘટનાનો ઉલ્લેખ કરવાનો કોઇ અર્થ નથી હોતો

મુંબઇ તા. ૧૩ : ભારતમાં #Metoo મૂવમેન્ટમાં નાના પાટેકર, આલોક નાથથી લઈને કૈલાસ ખેર અને રજત કપૂર જેવા મોટા નામો પર યૌન શોષણનો આરોપ લાગી ચૂકયો છે. આવામાં મહિલાઓ ખુલીને સામે આવી રહી છે. વર્ષો જુની આવી ઘટનાઓ બહાર આવી રહી છે, જેના વિશે અત્યાર સુધી કોઈને ખબર ન હતી. આ મામલે હવે બિગ બોસ-૧૧ વિનર અને ટીવી અભિનેત્રી શિલ્પા શિંદેએ પણ પોતાનો મત રજુ કર્યો છે.

શિલ્પાનું કહેવું છે કે જયારે આવું બધુ થાય છે ત્યારે જ અવાજ ઉઠાવવો જોઈએ. વર્ષો પછી આ ઘટનાનો ઉલ્લેખ કરવાનો કોઈ અર્થ નથી હોતો. ઝુમ ટીવીને આપેલ ખાસ ઇન્ટરવ્યુંમાં શિલ્પાએ કહ્યું હતું કે હું પણ એ શીખી શું કે જયારે થાય છે ત્યારે બોલો, પછી બોલવાથી કોઈ ફાયદો નથી.

શિલ્પાએ કહ્યું હતું કે તમે વર્ષો પછી અવાજ ઉઠાવો છો તો તેને કોઈ સાંભળશે નહીં. ફકત કોન્ટ્રોવર્સી થશે, આ સિવાય કશું જ થશે નહીં. તમારે તે સમયે જ પગલા લેવા જોઈએ જયારે આ બધુ બન્યું હોય. તમારામાં હિંમત હોવી જોઈએ. ઉલ્લેખનીય છે કે તેણે ટીવી શો 'ભાભી જી ઘર પર હૈ'ના પ્રોડ્યુસર સંજય કોહલી પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો.

એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીથી આવી રહેલી આવી વાતોને લઈને શિલ્પાએ કહ્યું હતું કે આવું બધા સ્થળે થાય છે. ખબર નથી કેમ ફકત એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીનું નામ ખરાબ કરવામાં આવી રહ્યું છે. શિલ્પાએ કહ્યું હતું કે જે બધુ થાય છે તે એકબીજાની સહમતીથી થાય છે. ઇન્ડસ્ટ્રીમાં બળાત્કાર થતા નથી. જો તે આમ કરવા માટે તૈયાર નથી તો તેને ત્યાં જ છોડી દો.(૨૧.૪)

(10:13 am IST)