Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ભારે વરસાદના કારણે રાજ્યના પાંચ સ્ટેટ હાઇવે સહિત ૫૭ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા

સિઝનનો ૬૪.૪૪ ટકા વરસાદ વરસી ગયોઃ નવા નીરની આવક

રાજકોટઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજકોટમાં ગતરાત્રિથી ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને કારણે રાજ્યમાં પાંચ સ્ટેટ હાઈવે સહિત 57 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યાં છે. છેલ્લા બે કલાક એટલે કે આજે સવારે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 71 તાલુકાઓમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. જૂનાગઢના વિસાવદરમાં 180 મિમી અને રાજકોટના લોધિકામાં 136 મિમી વરસાદ ખાબક્યો છે.

રાજ્યમાં છેલ્લા બે દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે અત્યાર સુધી સિઝનનો 64.44 ટકા વરસાદ થયો છે. ઝોન પ્રમાણેની સ્થિતિ જોઈએ તો, કચ્છમાં 66.13 ટકા, ઉત્તર ગુજરાતમાં 54.45 ટકા, મધ્યગુજરાતમાં 55.92 ટકા અને સૌરાષ્ટ્રમાં 68.74 ટકા વરસાદ થયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 64.44 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં વરસાદ થવાથી નવા નીરની આવક થઈ છે. જેનાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ખેડૂતોનો ઉભો પાક વરસાદને કારણે બચી ગયો છે.

ધોરાજીમાં 7 ઇંચ અને ગોંડલમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. તેમાંય ગોંડલમાં અન્ડરબ્રિજ સ્વિમિંગ પુલ બન્યા છે તો ઉમવાળા બ્રિજ અને આશાપુરા બ્રિજ કેડ સમાં પાણી ભરાયા હતા. સમગ્ર જિલ્લામાં શ્રીકાર વરસાદ થતાં જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલા દ્વારા જિલ્લાની તમામ શાળા બંધ રાખવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટ શહેરમાં ગત રાત્રીના 11 વાગ્યાથી ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે હાલ રાજકોટના આજી 2 ડેમના ચાર દરવાજા 1.5 ફુટ ખોલવામાં આવ્યા છે. ડેમના નિચાણના વિસ્તારમાં આવેલા અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢઠા, હરીપર, ખંઢેરી, નારણકા, ઉકરડા અને સખપર ગામોના નાગરિકોને પણ નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. હાલમાં જળાશયની ભરપુર સપાટી 7.76 મીટર છે અને ડેમમાં 4492 ક્યુસેક પાણીની આવક થઈ છે.

(5:11 pm IST)