Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

જામનગર પંથકમાં આકાશી સુનામી : આભ ફાટયું : ૨૨ થી ૨૭ ઇંચ વરસાદ

જામનગર જિલ્લામાં જલપ્રલય : સમાણા-૨૭, ધ્રાફા-૨૨, અલિયાબાડા-૧૯ અને વિજરખીમાં ૧૬ ઇંચ ખાબક્‍યો : જામજોધપુર તાલુકાના ધ્રાફામાં દે ધનાધન ૩૦ ઇંચ વરસાદ :કાલાવડમાં ૧૭ાા ઇંચ વરસાદથી સર્વત્ર પાણી પાણી : જામનગરથી કાલાવડ - રાજકોટ અને સમાણા રોડ બંધ થતા વાહન વ્‍યવહાર ઠપ્‍પ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રભરમાં મેઘરાજા મહેરબાન : ખેતી પાકને ફાયદો થતાં ખેડૂતોમાં ખુશાલી : રાજકોટ - જામનગર અને તજુનાગઢ પંથકમાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતૂર : જળાશયોમાં નવા નીર અનેક શહેરો અને ગામો જળબંબાકાર : રેસ્‍કયુ ઓપરેશન ચાલુ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૩ : જામનગર જિલ્લામાં ગઇકાલ સાંજથી મેઘમહેર શરૂ થઇ છે અને આજે બપોરે પણ સર્વત્ર ધોધમાર વરસાદ વરસ્‍યો છે. જામનગર જિલ્લાના સમાણામાં સૌથી વધુ ૨૭ ઇંચ વરસાદ પડયો છે જ્‍યારે મોટી બાણુગારમાં ૨૨ ઇંચ અને ધ્રાફામાં પણ ૨૨ ઇંચ વરસાદ વરસ્‍યો છે. જ્‍યારે અલીયાબાડામાં ૧૯ ઇંચ અને વિજરખીમાં ૧૬ ઇંચ વરસાદ પડયો છે.
જામનગર જિલ્લાના કાલાવડમાં ગઇકાલ સવારથી આજે બપોરના ૨ વાગ્‍યા સુધીમાં ૪૩૬ મી.મી. એટલે કે ૧૭ાા ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું છે.
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામે એક જ દિવસમાં દે ધનાધન ૩૦ ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્‍થિતિ સર્જાય છે.
રાજકોટ - જામનગર અને જુનાગઢ પંથકમાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતૂર થઇ છે. જળાશયોમાં નવા નીર અનેક શહેરો અને ગામો જળબંબાકાર થયા છે. રેસ્‍કયુ ઓપરેશન ચાલુ છે.
જામનગર પંથકમાં આકાશી સુનામી થતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું છે. જામનગર જિલ્લામાં ૨૨ થી ૨૭ ઇંચ વરસાદ વરસતા નદી - નાળા - ચેકડેમ છલકાય ગયા છે અને અનેક નીચાણવાળા વિસ્‍તારમાં પાણી ઘુસી જતા રેસ્‍કયુ કરીને લોકોને બચાવી લેવામાં આવ્‍યા છે. જામનગર જિલ્લામાં સર્વત્ર વરસાદથી જળપ્રલય સર્જાયો હોય તેવો માહોલ છવાયો છે. જામનગરથી રાજકોટ અને કાલાવડ સહિતના અનેક રસ્‍તાઓ બંધ છે. આ ઉપરાંત સમાણાનો રોડ પણ બંધ થતા વાહન વ્‍યવહારને ભારે અસર થઇ હોવાનું અકિલા ફેસબુક લાઇવના શ્રોતા નયનભાઇ પુરોહિતે જણાવ્‍યું હતું. જામનગરના પ્રતિનિધિ મુકુંદ બદિયાણીએ જણાવ્‍યું છે કે, જામનગરમાં સતત વરસાદ વરસતા કૃષિ મંત્રી આર.સી.ફળદુ અને અન્‍ન અને નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજા અને સાંસદ પુનમબેન માડમે પરિસ્‍થિતિનો તાગ મેળવ્‍યો હતો અને જામનગર જિલ્લાના કાલાવડના બાંગા અને જામનગર તાલુકાના વિવિધ વિસ્‍તારોમાં ફસાયેલા લોકોને રેસ્‍કયુ કરીને બચાવવા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જામનગર જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે અને અનેક જગ્‍યાએ ભારેથી અતિભારે વરસાદ વરસ્‍યો છે. જેમાં સૌથી વધુ વરસાદ જામનગર જિલ્લાના કાલાવડમાં નોંધાયો છે. આજે સવારે કાલાવડમાં બે કલાકમાં વધુ પાંચ ઇંચ વરસાદ નોંધાતા ગઇકાલ સવારથી આજે સવારના ૧૦ વાગ્‍યા સુધીમાં ૧૫ ઇંચ વરસાદ ખાબક્‍યો છે.
 કાલાવડમાં ધોધમાર વરસાદ વરસતા નિચાણવાળા વિસ્‍તારોમાં પાણી ફરી વળ્‍યા હતા. નદી-નાળા તથા ડેમમાં નવા નીર આવ્‍યા છે. આ લખાય છે ત્‍યારે સવારે ૧૧ વાગ્‍યે પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.
જામજોધપુર જિલ્લાના સડોદરમાં ૬ ઇંચ વરસાદ વરસ્‍યો હોવાનું અકિલાના પ્રતિનિધિ મધુકાંતભાઇ મહેતાએ જણાવ્‍યું છે. જામનગરમાં ધોધમાર વરસાદ વરસતા મુંબઇથી આવતી તમામ ટ્રેનોને રાજકોટ રોકી દેવામાં આવી છે. જામનગર - રાજકોટ વચ્‍ચે એસટી અને ટ્રેન વ્‍યવહાર થંભી ગયો છે. જામનગરમાં વરસાદી કહેર વચ્‍ચે શહેરની ભાગોળે આવેલા મહાપ્રભુજીની બેઠક પાસેના વિસ્‍તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસ્‍યા હતા અને મુખ્‍ય ૨૬ નંબરનો સ્‍ટેટ હાઇવે પાણી ભરાવાના કારણે બંધ થઇ ગયો હતો.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર શહેર-જીલ્લામાં આજે સોમવારે સવારથી જ મેઘસવારી ચાલુ થઇ છે. સમગ્ર પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. ગોહિલવાડ પંથકમાં  આજે સોમવારે સવારથી વરસાદ શરૂ થયો છે. શહેરમાં ધીમી ધારે એકધારો વરસાદ વરસી રહ્યો હોય નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાયા છે. જીલ્લામાં ગ્રામ્‍ય પંથકમાં પણ મેઘમહેર શરૂ હોવાના અહેવાલો મળી રહ્યા છે. વીજળીનાં કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. શહેર-જીલ્લામાં અર્ધાથી બે ઇંચ વરસાદ પડી ગયો છે અને હજુ વરસાદ શરૂ છે.
ધ્રોલ
(સંજય ડાંગર દ્વારા) ધ્રોલઃ ધ્રોલમાં રાત્રીના ૧૨ થી ૨ વાગ્‍યાનો વરસાદ ૩૨ મી.મી.મા વરસાદ મામલતદાર કચેરી ખાતે નોંધાયો... તાલુકાભરમાં મોડી રાત્રે વરસાદ સારો એવો પડયો આખા દિવસમાં સારો એવો વરસાદના ઝાપટા પડયા હતા જેમાં દિવસ આખામાં ૩૭મી.મી. વરસાદ નોંધાયો હતો.
વાંકાનેર
(હિતેશ રાચ્‍છ દ્વારા) વાંકાનેર શહેરમાં ગઇકાલ બપોરથી ધીમીધીમી ધારે વરસાદ આવતો જતો હતો તેમજ રાત્રીના એક વાર સારો વરસાદ આવેલ નાયબ મામલતદાર શ્રી પટેલના જણાવ્‍યા અનુસાર ગઇકાલના બપોરથી આજે સવારના આઠ વાગ્‍યા સુધીમાં એક ઇંચ જેટલો વરસાદ પડી ગયેલ છે અને સીઝનનો ટોટલ વરસાદ ૩૬૧ મી.મી. આજ સુધી થયેલ છે લખાય છે. ત્‍યારે અત્‍યારે વાંકાનેર શહેરમાં ગાજવીજ સાથે કડાકા, ભડાકા, સાથેઅડધી કલાકથી એકધારો વરસાદ ચાલુ જ છે. વાંકાનેર તાલુકાના મકતનપર, આણદપર, માટેલ, તેમજ ઢુવા આજુબાજુના ગામડાઓમાં વરસાદ રાત્રીના દરેક જગ્‍યાએ થયેલ છે.

 

(4:01 pm IST)