Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

દેશમાં કોરોનાનું જોર ઘટયું

૨૪ કલાકમાં ૨૭,૨૫૪ લોકો સંક્રમિત : ૨૧૯ દર્દીના મોત

ભારતમાં કુલ ૭૪,૩૮,૩૭,૬૪૩ કોરોના વેક્‍સીનના ડોઝ અપાયા : છેલ્લા ૨૪ કલાકમાં ૫૩ લાખ લોકોનું રસીકરણ થયું

નવી દિલ્‍હી તા. ૧૩ : ભારતમાં છેલ્લા થોડાક દિવસોમાં કોરોના સંક્રમણનું જોર ઘટી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા ચોવીસ કલાકમાં ૨૭ હજાર જેટલા નવા કેસ નોંધાયા છે અને મૃત્‍યુઆંક પણ ૨૫૦થી નીચે નોંધાયો છે. કેરળમાં ૨૦ હજાર કેસ નોંધાવાના કારણે સંક્રમિતોનો આંક ૨૭ હજારે પહોંચ્‍યો છે. ગુજરાતમાં કોરોનાની સ્‍થિતિ કાબૂમાં છે અને એક દિવસમાં ૧૭ નવા કેસ નોંધાયા છે.
કેન્‍દ્રીય આરોગ્‍ય વિભાગે સોમવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૭,૨૫૪ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ ના કારણે ૨૧૯ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્‍યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્‍યા વધીને ૩,૩૨,૬૪,૧૭૫ થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ ૭૪,૩૮,૩૭,૬૪૩ લોકોને કોરોના વેક્‍સીન ના ડોઝ આપવામાં આવ્‍યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૩,૩૮,૯૪૫ કોરોના વેક્‍સીનના ડોઝ આપવામાં આવ્‍યા છે.
કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૨૪ લાખ ૪૭ હજાર ૩૨ લોકો સાજા પણ થઇ ચૂક્‍યા છે. ૨૪ કલાકમાં ૩૭,૬૮૭ દર્દીઓને ડિસ્‍ચાર્જ કરવામાં આવ્‍યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ ૯૭.૫૦ ટકા છે. હાલમાં ૩,૭૪,૨૬૯ એક્‍ટિવ કેસ છે. અત્‍યાર સુધીમાં કુલ ૪,૪૨,૮૭૪ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. આ ઉપરાંત, ઈન્‍ડિયન કાઉન્‍સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૨ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૪,૩૦,૧૪,૦૭૬ કોરોના સેમ્‍પલનું ટેસ્‍ટિંગ કરવામાં આવ્‍યું છે. રવિવારના ૨૪ કલાકમાં ૧૨,૦૮,૨૪૭ સેમ્‍પલનું ટેસ્‍ટિંગ કરવામાં આવ્‍યું છે.

 

(12:09 pm IST)