Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

કોરોનાની મહામારીમાં બધુ જ અસ્તવ્યસ્ત થઈ ગયું

લોકડાઉનમાં ગુમાવી પાઈલટની નોકરી : આજે ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે

નવી દિલ્હી,તા.૧૩: પાઈલટ બનવા માગતા યોગીશે ટ્રેનિંગ અને અન્ય ખર્ચા માટે રૂપિયા ૩૦ લાખની લોન લીધી હતી. તેણે મહિને રૂપિયા ૧ લાખના પગારે પાઈલટની નોકરી શરૂ કરી હતી પણ લોકડાઉનમાં પાઈલટની નોકરી ગુમાવી અને આજે ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.

યોગીશે જણાવ્યું કે તે ખેડૂત માતા-પિતાનું સંતાન છે અને ઘરના સભ્યોનો આગ્રહ હતો કે હું સૌપ્રથમ મારું ગ્રેજયુએશન પૂરું કરું. મેં પાઈલટ બનવાનું સપનું જોયું અને પાઈલટની ટ્રેનિંગ માટે લોન લીધી. પાઈલટ તરીકેની નોકરી શરૂ કર્યા પછી મને એવી આશા હતી કે વધારે પગારની નોકરી મળતા જીવનમાં સ્થિરતા આવશે. પણ, કોરોના વાયરસની મહામારીમાં બધું જ અસ્તવ્યસ્ત થઈ ગયું, મેં મારી એરલાઈન્સની નોકરી ગુમાવી.

યોગીશે જણાવ્યું કે જયારે કોરોના વાયરસની મહામારીમાં લાગુ લોકડાઉનના કારણે મારી નોકરી જતી રહી ત્યારે મેં મહિને રૂપિયા ૧૦ હજારના પગાર પર ડિલિવરી એજન્ટની નોકરી શરૂ કરી. આ વિશે મારા માતા-પિતાને જણાવતા મને શરમનો અનુભવ થઈ રહ્યો હતો. મેં ડિલિવરી એજન્ટ તરીકેના કામ માટે ઘરથી દૂરનો વિસ્તાર પસંદ કર્યો. આ નોકરી દરમિયાન દરરોજ ૧૩દ્મક ૧૪ કલાક કામ કર્યું. આ લોકડાઉનનો સમય હતો કે જયારે મેં એક દિવસમાં ૫૦થી ૬૦ પેકેટ્સની ડિલિવરી કરી હતી.

દરમિયાન લોનના હપ્તાની ચૂકવણી કરવા અને બેંકની પેનલ્ટીથી બચવા માટે મિત્રો પાસેથી ઉધાર પૈસા લીધા. ત્યારે માતા-પિતા પણ કોરોનાગ્રસ્ત થયા અને આખરે મેં ડિલિવરી એજન્ટની નોકરી છોડી દીધી. પછી ખેતી કરવાની શરૂ કરી કે જેથી માતા-પિતાને આરામ મળે. હું આશા રાખું છું કે સ્થિતિ બદલાશે. અહીં નોંધનીય છે કે કોરોના વાયરસની મહામારીના કારણે લાગુ લોકડાઉન દરમિયાન ઘણાં વ્યવસાય-નોકરી પર અસર થતાં અનેક લોકો બેરોજગાર થયા. હવે કેસો ઘટતા ધીરે-ધીરે પરિસ્થિતિમાં બદલાવ થઈ રહ્યા છે. 

(10:23 am IST)