Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

પાટીદાર આંદોલનથી થયેલા નુકસાનને ભાજપ હજુ ભુલ્યું નથી : ભૂપેન્દ્ર પટેલને CM બનાવી એક તીરથી અનેક નિશાન સાધ્યા

ભાજપના નિર્ણયથી કોંગ્રેસને પણ પોતાની રણનીતિ બદલવી પડશે

નવી દિલ્હી તા. ૧૩ : ગુજરાતના આગામી મુખ્ય પ્રધાન પટેલ સમાજના હશે, તેનું માળખું લગભગ ત્રણ મહિના પહેલા રચાયું હતું. જૂનમાં ખોડલધામ એટલે કે પાટીદાર સમાજના કુળદેવીના મંદિરમાં લેઉવા અને કડવા એમ બંને જુથે ૨૦૨૨ની ચુંટણી પર ચર્ચા કરી અને નક્કી કર્યું કે આગામી મુખ્યમંત્રી પાટીદાર સમાજના હોવા જોઇએ.

ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલના આ એલાને ગુજરાતનો રાજકીય પારો ઉંચો ચડાવી દીધો હતો. વિજય રૂપાણીના રાજીનામા પછી નવા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલની નજપોશીને પાટીદાર વોટબેંક સાથે જોડવામાં આવે છે કેમકે ૨૦૧૭ની ચૂંટણીમાં પાટીદાર આંદોલનના કારણે ભાજપાને બહુ મુશ્કેલીઓ થઇ હતી.

ગુજરાતમાં પાટીદારોની વસ્તી લગભગ ૧૫ ટકા છે પણ મતદારોની વાત કરીએ તો લગભગ ૨૦ ટકા મતદારો પાટીદાર છે. પાટીદારો કયારેય એકજૂથ થઇને મતદાન નથી કરતા અને ભાજપા તેમની પહેલી પસંદ રહી છે પણ વિજય રૂપાણી મુખ્ય પ્રધાન બન્યા પછી પાટીદારો ભાજપાથી અળગા થયા છે. તો કોંગ્રેસ પાટીદારોનો વિશ્વાસ જીતવા માટે હાર્દિક પટેલને મુખ્યમંત્રીના ચહેરા તરીકે રજૂ કરી શકે તેમ હતી. વિજય રૂપાણી જૈન સમાજના છે એટલે તેઓ જાતિય સમીકરણમાં ફીટ નહોતા બેસતા. તેમને હટાવવાથી સત્તા સામેની લોકોની નારાજગી પણ ઓછી થશે.

જો કે કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશી કહે છે કે ગુજરાતમાં હવે વ્યકિત બદલવાથી કામ નહી ચાલે. સંપૂર્ણ વ્યવસ્થા બદલવાની જરૂર છે. ભાજપા માટે પાટીદાર પછી બીજા નંબરે રહેલા ઓબીસી અને દલિત આદિવાસી મતદારો મહત્વપૂર્ણ છે. એટલે ભૂપેન્દ્ર પટેલને ભાજપાએ જવાબદારી સોંપી છે. આ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટી પણ ચુંટણીમાં પોતાનું કિસ્મત અજમાવી રહી છે. એટલે ભાજપા પોતાનો કિલ્લો મજબૂત બનાવવામાં કોઇ કસર નહીં છોડે.

(10:13 am IST)