Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

દેશના છ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તમામ વયસ્ક લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાઈ ગયો

સિક્કિમ, દાદરા અને નગર હવેલી, હિમાચલ પ્રદેશ, ગોવા, લદ્દાખ અને લક્ષદ્વીપમાં 100 ટકા વેક્સિનેશન

નવી દિલ્હીઃ દેશના છ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લગાવી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ તેની જાણકારી આપતા સિક્કિમ, દાદરા અને નગર હવેલી, હિમાચલ પ્રદેશ, ગોવા, લદ્દાખ અને લક્ષદ્વીપમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને કોવિડ વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ મળી ગયો છે. દેશમાં રવિવારે રસીકરણનો આંકડો 74 કરોડને પાર કરી ગયો છે. કોવિડ પોર્ટલના આંકડા અનુસાર રવિવારે રાત્રે 8 કલાક સુધી લગભગ 50 લાખ 25 હજાર 159 ડોઝ આપવામાં આવ્યા છે.

આ છ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ  માંડવિયાએ ટ્વિટર પર શુભેચ્છા આપી છે. તેમણે કહ્યુ- આ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને 10 ટકા વયસ્ક વસ્તીને કોરોના વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ આપવા માટે શુભેચ્છા. આ ક્ષેત્રોના સ્વાસ્થ્યકર્મીઓની તેમના પરિશ્રમ અને પ્રતિબદ્ધતાની વિષેશ રૂપે પ્રશંસા કરુ છું.

ટ્વીટમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીના કાર્યાલયે આ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રસીકરણના આંકડા સાથે જોડાયેલો એક ચાર્ટ પણ શેર કર્યો છે. તે અનુસાર દાદરા અને નગર હવેલી અને દમન તથા દીવ 6.26 લાખ ડોઝ, ગોવા 11.83 લાખ ડોઝ, હિમાચલ પ્રદેશ 55.75 લાખ ડોઝ, લદ્દાખ 1.97 લાખ ડોઝ, લક્ષદ્વીપ 53 હજાર 499 ડોઝ અને સિક્કિમ 5.10 લાખ ડોઝ આપવામાં આવ્યા છે.

દેશભરમાં રસીકરણ અભિયાન 16 જાન્યુઆરીએ શરૂ કરવામાં આવ્યું હતું. પહેલા તબક્કામાં સ્વાસ્થ્યકર્મીઓને રસી લગાવવામાં આવી હતી. ફ્રંટલાઇન વર્કર્સનું રસીકરણ 2 ફેબ્રુઆરીએ શરૂ થયું હતું. કોરોના રસીકરણ અભિયાનના આગામી તબક્કામાં 1 માર્ચથી 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને ગંભીર બીમારીથી ગ્રસ્ત 45 વર્ષ અને તેનાથી મોટી ઉંમરના લોકોનું રસીકરણ શરૂ થયું હતું. ત્યારબાદ 1 મેથી સરકારે 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકો માટે રસીકરણ અભિયાનની શરૂઆત કરી હતી.

(12:00 am IST)