Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

મહિલાઓ તમામ સ્તરે યુનિવર્સિટીમાં અભ્યાસ કરી શકશે :ક્લાસ અલગ હશે : હિજાબ અનિવાર્ય : તાલિબાની આદેશ

તાલિબાનીએ કહ્યું -- બોયઝ ગર્લ્સના એક સાથે શિક્ષણને મંજૂરી નહીં:યુનિવર્સિટીમાં જે પણ ભણાવાય છે તે વિષયોની સમીક્ષા કરાશે

નવી દિલ્હી :  તાલિબાન સરકારના ઉચ્ચ શિક્ષા મંત્રી અબ્દુલ બકી હક્કાનીએ જાહેરાત કરી છે કે, મહિલાઓ તમામ સ્તરે યુનિવર્સિટીમાં અભ્યાસ કરી શકશે પણ તેમના ક્લાસ અલગ હશે અને તેમના માટે ઈસ્લામિક પોશાક પહેરવો અનિવાર્ય હશે. તેમણે કહ્યુ હતુ કે, યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારી મહિલાઓએ હિજાબ પહેરવો ફરજિયાત હશે.

જોકે તેમણે આનો મતલબ માત્ર માથુ સ્કાર્ફથી ઢાંકવાનુ છે કે ચહેરો પણ ઢાંકવો પડશે તે અંગે સ્પષ્ટતા કરી નથી. તાલિબાને એક પણ મહિલાને મંત્રીમંડળમાં સ્થાન આપ્યુ નથી અને તાલિબાનના શાસનમાં મહિલાઓને શિક્ષણ મળશે કે કેમ તેના પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે.

તાલિબાનની પહેલી સરકારના શાસનકાળમાં મહિલાઓને શિક્ષણથી દુર રાખવામાં આવી હતી. જોકે આ વખતે તાલિબાન દાવો કરી રહ્યુ છે કે, હવેની સરકાર અલગ હશે. ઉચ્ચ શિક્ષણ મંત્રી હક્કાનીએ કહ્યુ હતુ કે, તાલિબાન 20 વર્ષ પહેલાના સમયમાં પાછુ ફરવા નથી માંગતુ. જોકે યુવક-યુવતીઓ સાથે નહીં ભણી શકે. અમે બોયઝ ગર્લ્સના એક સાથે શિક્ષણને મંજૂરી નહીં આપીએ. સાથે સાથે યુનિવર્સિટીમાં જે પણ ભણાવાય છે તે વિષયોની સમીક્ષા કરાશે.

(12:00 am IST)