Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

હથિયારોથી સજ્જ ટ્રક અને ત્રણ આતંકવાદીની ધરપકડ

જમ્મુ કાશ્મીરમાં મોટા ષડયંત્રનો પર્દાફાશ : ૪ એકે-૫૬, ૨ એકે-૪૭ સહિત જંગી હથિયારોનો જથ્થો જપ્ત : જૈશે મોહમ્મદ સાથે સંબંધ હોવાનો ખુલાસો કરાયો

શ્રીનગર, તા. ૧૨ : જમ્મુ કાશ્મીરમાં લશ્કરે તોઈબાના ખૂંખાર ત્રાસવાદી આશિફને ઠાર કર્યા બાદ પોલીસને આજે ફરી મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે એક મોટા આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કરતા હથિયારો અને વિસ્ફોટક સામગ્રી લઇ જઈ રહેલા એક ટ્રકને પકડી પાડ્યો છે. સાથે સાથે જમ્મુ-કાશ્મીર સરહદ નજીક લખનપુરથી પોલીસે ત્રણ આતંકવાદીઓની પણ ધરપકડ કરી છે. આ આતંકવાદીઓ પાસેથી ૪ એકે-૫૬ અને બે એક-૪૭ પણ જપ્ત કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે, આતંકવાદી ખીણમાં કોઇ મોટા હુમલા કરવાની ફિરાકમાં હતા. એસએસપી કઠુઆ શ્રીધર પાટિલે ટ્રકને પકડ્યા બાદ તેની પુષ્ટિ કરતા કહ્યું હતું કે, ધરપકડ કરાયેલા ત્રણેય આતંકવાદીના સંબંધ આતંકવાદી જૈશે મોહમ્મદ સાથે છે. હાલમાં જ બારામુલ્લામેં સુરક્ષા દળોએ લશ્કર સાથે જોડાયેલા આઠ ઓવરગ્રાન્ડ વર્કરોની ધરપકડ કરી હતી. જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે કહ્યું હતું કે, આ આતંકવાદી પાકિસ્તાનના ઇશારે અહીં સામાન્ય લોકોને ધમકાવવા અને ખીણની શાંતિને બગાડવામાં લાગેલી છે. ગઇકાલે બુધવારે ખીણણાં લશ્કરે તોઈબાના ખૂંખાર આતંકવાદી આશિફને પણ સુરક્ષા દળોએ મોતને ઘાટ ઉતારી દીધો છે. પંજાબ-જમ્મુ કાશ્મીર બોર્ડર પર હથિયારો ભરેલી એક ટ્રક પકડાતા હડકંપ મચી ગયો છે. 

            કઠુઆના લખનપુર બોર્ડર પર ચેકિંગ દરમિયાન આ હથિયારોની ખેપ પકડાઈ. એવું કહેવાય છે કે આ હથિયારો પંજાબથી શ્રીનગર લઈ જવામાં આવી રહ્યાં હતાં. ટ્રકમાં કરિયાણાના સામાનની આડમાં હથિયારો જમ્મુ અને કાશ્મીર પહોંચાડવામાં આવી રહ્યાં હતાં. પોલીસે આ હથિયારો સાથે ૩ આતંકીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી ૫ એકે-૪૭ રાઈફલો જપ્ત કરી છે. જે ટ્રકમાંથી હથિયારો ઝડપાયા છે તેના પર શ્રીનગરનો નંબર લખેલો છે. આતંકવાદીઓ પાસેથી ૪.૫ લાખ રૂપિયા પણ જપ્ત કરાયા છે.  પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે આ ટ્રક પંજાબના અમૃતસરથી શ્રીનગર જવા માટે રવાના થયો હતો. પંજાબ અને જમ્મુ કાશ્મીર પોલીસ આ ટ્રકમાંથી પકડાયેલા લોકોની પૂછપરછ કરી રહી છે. 

           જમ્મુ અને કાશ્મીરમાં સેનાના કેમ્પોને નિશાન બનાવી શકે છે લશ્કરના આતંકીઓ-ઈન્ટેલિજન્સ રિપોર્ટ ગુપ્તચર એજન્સીઓએ પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર એ તૈયબાના ષડયંત્રનો ખુલાસો કર્યો છે. ઈન્ટેલિજન્સ ઈનપુટ મુજબ લશ્કરે સેનાના કેમ્પો પર હુમલાનું કાવતરું ઘડ્યું છે. મળેલી માહિતી મુજબ આતંકી સંગઠન લશ્કર એ તૈયબાના ૪ આતંકીઓ ભારતીય સુરક્ષાદળો પર હુમલો કરી શકે છે. એવા સમાચાર છે કે લશ્કરના નિશાન પર સેનાના કેમ્પ અને મિલેટ્રી સ્ટેશન છે. ઈન્ટેલિજન્સ ઈનપુટ મુજબ લશ્કરના આતંકી જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં સેનાના બારી બ્રહના, સૂંજવાન, અને કાલુ ચક કેમ્પ પર હુમલો કરી શકે છે. આ સાથે જ એવા પણ રિપોર્ટ્સ છે કે હુમલો કરવા માટે આતંકીઓની શોપિયાથી જમ્મુમાં ઘૂસવાની યોજના છે.

(12:00 am IST)