Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

હવે પતંજલિએ લોન્ચ કર્યું ગાયનું દૂધ - દહીં - છાશ - પનીર : ડેરી ઉદ્યોગમાં પ્રવેશ

રામદેવજીએ ડેરી પ્રોડકટ લોન્ચ કરી : દૂધ ૨ રૂપિયા સસ્તુ હોવાનો દાવો : પ્રથમ દિવસે ૪ લાખ લીટર ગાયના દૂધનું ઉત્પાદન : ફલેવર્ડ મિલ્ક પણ લોન્ચ કર્યું

નવી દિલ્હી તા. ૧૩ : બાબા રામદેવની કંપની પતંજલિ હવે ગાયનું દૂધ પણ વેચશે. આ સાથે જ કંપની દહી, દૂધ, છાશ અને પનીર પણ બજારમાં લાવશે. પ્રથમ ચરણમાં આ પ્રોડકટ્સ દિલ્હી-એનસીઆર, રાજસ્થાન, હરિયાણા અને મહારાષ્ટ્રમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેનું સત્તાવાર લોન્ચિંગ આજે બાબા રામદેવે દિલ્હી ખાતે કર્યુ છે. રામદેવે દૂધનું ના દુગ્ધામૃત રાખ્યું છે. પતંજલિએ દૂધના ભાવ ૪૦ રૂપિયા પ્રતિ લિટર નક્કી કર્યા છે જે માર્કેટમાં વેચાતા અન્ય કંપનીઓના દૂધ કરતાં ખૂબ જ સસ્તું છે.

પતંજલિના સત્તાવાર સૂત્રોએ જણાવ્યા અનુસાર શરૂઆતમાં ચાર લાખ લિટર દૂધ બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ધીમે ધીમે તેની ક્ષમતામાં વધારો કરવામાં આવશે. કંપનીની યોજના આગામી છ મહિનામાં આ વ્યવસાયને ૫૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચાડવાનો છે.

કંપનીનો દાવો છે કે તમામ ઉત્પાદનોમાં કોઇ પણ પ્રકારે ભેળસેળ કરવામાં નથી આવી અને ગ્રાહકોને શુદ્ઘ ઉત્પાદન મળશે. પતંજલિ આયુર્વેદના પ્રવકતા એસ કે તિજારાવાલએ જણાવ્યું કે લોકોને ગાયનું શુદ્ઘ દૂધ અને તેનાથી બનતા ઉત્પાદનોને ખૂબ જ ઓછી કિંમતે પૂરા પાડવામાં આવશે. કંપનીએ ફ્રોઝન વટાણા, અન્ય શાકભાજી અને ફ્રેન્ચ ફ્રાઇઝ જેવા ઉત્પાદનો પણ લોન્ચ કર્યા છે.

જે રાજયોમાં કંપનીએ પોતાના પ્રોડકટ્સનું વેચાણ સૌપ્રથમ શરૂ કર્યુ છે તેમાં દિલ્હી, રાજસ્થાન, હરિયાણા અને મહારાષ્ટ્ર સામેલ છે. પતંજલિની ટક્કર અમૂલ, મધર ડેરી, સરસ, નમસ્તે ઇન્ડિયા, પારસ અને ગોપાલજી જેવી કંપનીઓ સાથે છે. દૂધની કિંમત અન્ય કંપનીઓની સરખામણીમાં ઘણી ઓછી છે.

તેને હાલ કંપની પોતાના પતંજલિ ચિકત્સાલયો અને આરોગ્ય કેન્દ્રો પર ઉપલબ્ધ કરાવશે. આ ઉપરાંત અન્ય દુકાનદારો દ્વારા પણ કંપની આ પ્રોડકટ્સનું વેચાણ કરશે. જો કે આ પ્રોડકટ્સ તેને જ મળશે જે પહેલાં તેનું રજીસ્ટ્રેશન કરાવશે.

કંપનીએ ૪ વર્ષ સુધીના બાળકો માટે ડાયપર પણ લોન્ચ કર્યા છે. જે સમગ્ર દેશમાં મળવા લાગ્યાં છે. આ ઉપરાંત કંપની મહિલાઓ માટે સેનેટરી નેપકિન્સ પણ ટૂંક સમયમાં લોન્ચ કરશે જેનો ભાવ એટલો ઓછો હશે કે ગરીબ મહિલાઓ પણ તેનો લાભ લઇ શકશે.

ઓકટોબરમાં પતંજલિ રેડિમેડ ગારમેન્ટ્સના બિઝનેસમાં ઝંપલાવશે. પતંજલિના એમડી આચાર્ય બાલકૃષ્ણએ જણાવ્યું કે પતંજલિ રેડિમેડ ગારમેન્ટ્સના સેકટરમાં ઉતરશે અને ઓકટોબરમાં દેશભરમાં તેના સ્ટોર્સ ખુલશે. તેમાં જીન્સ ઉપરાંત અન્ય કલોથ્સ પણ મળશે. સ્ટોરનું નામ પરિધાન હશે.

(4:10 pm IST)