Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

માલ્યા મામલે ભાજપ - કોંગ્રેસ વચ્ચે મહાયુધ્ધ

ભાજપનો દાવો... રાહુલ - માલ્યા કનેકશન : રાહુલ - ગાંધી પરિવાર કિંગફિશરમાં મફત મુસાફરી કરતા : રાહુલનું હવાલા કંપની સાથે કનેકશન : ડોટેકસ કંપની પાસેથી ૧ કરોડ લોન લીધી'તી : રાહુલે કંપની થકી ૫૦૦૦ કરોડનું કૌભાંડ આચર્યું : રાહુલનો દાવો... માલ્યા - જેટલી વચ્ચે ૧૫-૨૦ મિનિટની ચર્ચા થઇ : મીટીંગ સિટ-ડાઉન હતી : કોંગી નેતા પી.એલ. પુનિયનએ જોયુ'તું : જેટલીએ લંડન કેમ જવા દીધાઃ ઇડી કે સીબીઆઇને કેમ જાણ ન કરી શું જેટલીને ઉપરથી ઓર્ડર મળ્યો'તો ?

નવી દિલ્હી તા. ૧૩ : શરાબ કારોબારી વિજય માલ્યા દ્વારા નાણામંત્રી સાથે મુલાકાત અંગે કરેલા દાવા હવે નવો ટ્વિસ્ટ આવ્યો છે. બીજેપીના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે દાવો કર્યો છે કે માલ્યાના આ આરોપ પાછળ મોટું ષડયંત્ર છે. બીજેપીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું કનેકશન પણ શોધી લીધું છે. બીજી બાજુ બીજેપી પ્રવકતા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદ કરી વિજય માલ્યા અને કિંગફિશર એરલાઇન્સ અંગે રાહુલ ગાંધી પર અનેક ગંભીર આરોપ લગાવ્યા છે.

બીજીબાજુ ભાજપ પ્રવકતા સંબિત પાત્રાએ આરોપ મુકયો છે કે કોંગ્રેસની છેલ્લી સરકાર અને ગાંધી પરિવારે વિજય માલ્યા અને તેની કિંગ ફિશર એરલાઇન્સ માટે કાયદા - નિયમોને નેવે મૂકી દિધા હતા. તેઓએ રાહુલ ગાંધીને પ્રશ્ન કર્યો કે, કિંગફિશર એરલાઇન્સ અને માલ્યા પ્રત્યે ગાંધી પરિવારના નરમ વલણનું કારણ શું હતું તેમને પત્રકાર પરીષદ કરીને સ્પષ્ટ કરવું જોઇએ ટ્વીટ કરે છે તેમ જામીન બોન્ડ પર બહાર છો તમને ભ્રષ્ટાચારની વાત કરવાનો કોઇ હક નથી.

બીજેપી પ્રવકતાએ કહ્યું કે, કલકત્તાના આયકર વિભાગે માલુમ પડયું કર્યું હતું કે, ડોટેકસ કંપની પાસેથી રાહુલ ગાંધીએ ૧ કરોડની લોન લીધી હતી. પાત્રાએ આરોપ મૂકયો હતો કે નોટબંધીના કારણે રાહુલ ગાંધી હાયતોબા મચાવી રહ્યા હતા. કારણ કે હવાલા દ્વારા કાળા નાણાને સફેદ કરવામાં આવી રહ્યું હતું. તેઓએ પૂછયું કે રાહુલ ગાંધી તમે હવાલા દ્વારા કેટલા પૈસા સફેદ કર્યા છે. ગાંધી પરિવારના કેટલા પૈસા આવી કંપનીઓમાં લાગ્યા છે.

તેઓએ આરોપ મુકયો કે કયારેક એવું લાગે છે કે, કિંગ ફિશર એરલાઇન્સ માલ્યાનું હતું કે, ગાંધી પરિવારનું ગાંધી પરિવારનો કોઇ પણ સભ્ય વિદેશ જ્યારે પણ જતો હતો. બિઝનેશ કલાસ ફ્રીમાં અપટેડ થઇ જતો હતો. પાત્રાએ જણાવ્યું કે, આરબીઆઇ અને એસબીઆઇમાં પત્રાચાર થયા હતા. જેનાથી માલુમ પડયું છે કે, માલ્યા અને કિંગ ફિશર એરલાઇન્સ અંગે સોનિયા ગાંધી અને મનમોહનસિંહના નિયમોને નેવે મુકી દીધા હતા.

પાત્રાએ દાવો કર્યા કે નિયમ - કાયદા સંપૂર્ણ વિભાગ માટે બનાવામાં આવે છે પરંતુ ત્યાં ફકત કિંગફિશર એરલાઇન્સ માટે કાયદો બદલવામાં આવ્યો. કિંગફિશર માટે ગાંધી પરિવાર સ્વીટ ડીલ માટે દબાણ બનાવ્યું હતું. પ્રી ડિલિવરી લોનને સિકયોર્ડ લોન ઘોષિત કરવામાં આવી હતી.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અરૂણ જેટલી પર ગંભીર આરોપ મૂકયા છે. તેમણે નિશાન સાંધતા કહ્યું કે જેટલી જી બ્લોગ લખતા રહે છે, પરંતુ કયારેય વિજય માલ્યાને મળવા ગયા તે અંગે દેશને બતાવ્યું નહીં. ગુરૂવારના રોજ પત્રકાર પરિષદ કરી રાહુલ ગાંધીએ કહ્યું કે અરૂણ જેટલીએ કહ્યું કે વિજય માલ્યાએ અનૌપચારિક રીતે અપ્રોચ કર્યો હતો તેના પર પ્રશ્ન કર્યો છે કે તેમણે અત્યાર સુધી કેમ છુપાવ્યું. તેમણે કહ્યું કે આજે અમે પુરાવા લાવ્યા છીએ અને તે પુરાવો છે પીએલ પનિયા, જેમણે માલ્યા-જેટલીની મુલાકાતને જોઇ હતી.

૧ માર્ચ ૨૦૧૬ના રોજ પુનિયાએ શું જોયું?ત્યારબાદ પીએલ પુનિયાએ કહ્યું કે બજેટ સત્ર બાદ ૧ માર્ચ, ૨૦૧૬ના રોજ તેમને જોયું હતું કે અરૂણ જેટલી અને માલ્યા ઉભા રહી ખાનગી વાતો કરી રહ્યાં હતા. પુનિયાએ દાવો કર્યો કે ૫-૭ મિનિટ બાદ સેન્ટ્રલ હોલમાં બેન્ચ પર પણ બંને વાત કરતાં રહ્યાં. કોંગ્રેસની તરફથી એમ પણ કહ્યું છે કે માલ્યા એ સત્રમાં પહેલી વખત જેટલીને જ મળવા આવ્યા હતા.

પુનિયાએ કહ્યું કે ૩ તારીખના રોજ જયારે મીડિયામાં માલ્યા વિદેશ ભાગ્યા સમાચાર છપાયા તો મારું રિએકશન પણ એ હતું કે ૨ દિવસ પહેલાં તો તે અરૂણ જેટલીને મળ્યા હતા. કોંગ્રેસના નેતાએ કહ્યું કે કેટલીય વખત મેં તેમની આ મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેટલીએ અઢી વર્ષ સુધી આ રહસ્યને છુપાવી રાખ્યું, કેટલીય વખત ડિબેટ પણ થઇ પણ તેમને કયારેય તેનો ઉલ્લેખ કર્યો નહોતો કે માલ્યાને તેઓ મળ્યા હતા.

પુનિયાએ જેટલીને પડકારતા કહ્યું કે સેન્ટ્રલ હોલમાં સીસીટીવી લાગેલા છે, જે જુઠ્ઠી બોલી રહ્યાં છેકે રાજકારણ છોડી દે. રાહુલ ગાંધીએ આરોપ મૂકયો કે આ મુલાકાતથી સ્પષ્ટ થાય છે કે માલ્યા દેશના નાણાં મંત્રી અરૂણ જેટલી પાસેથી સહમતિ લઇને અને સલાહ લઇ દેશ છોડી ગયા છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે પહેલો પ્રશ્ન એ છે કે નાણાંમંત્રી આરોપીઓ સાથે વાત કરે છે પરંતુ નાણાંમંત્રીએ ના તો સીબીઆઈને કહ્યું ના તો ઇડી ને કે ના તો પોલીસને. એટલું જ નહીં માલ્યા માટે જે અરેસ્ટ નોટિસ હતી તેને સૂચના નોટિસમાં બદલવાનું કોને કહ્યું હતું. બીજો સવાલ એ છે કે જેટલી એ બતાવું જોઇએ કે તેમણે જાતે આ નિર્ણય લીધો કે ઉપરથી આદેશ મળ્યો હતો.

(3:39 pm IST)