Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

કાલે નરેન્દ્રભાઇ ઇન્દોરમાં દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ ડો. સૈયદના સાહેબની ધર્મવાણી સાંભળશે

જસદણ, તા. ૧૩ : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ  આવતીકાલે તા. ૧૪ ને શુક્રવારના રોજ મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં દાઇ (સર્વોચ્ચ) ધર્મગુરૂ ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફદ્દલભાઇ સાહેબ 'સૈફૂદ્દીન' (ત.ઉ.શ.) ની ધર્મવાણી સાંભળવા ઇન્દોરમાં પધારતા હોવાથી ચકલુંય ફરકી ન શકે એવી જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

દેશમાં પ્રથમવાર એવી ઘટના બની રહી છે કે કોઇ ધર્મગુરૂ અને વડાપ્રધાનનું ધાર્મિક જગ્યાએ મિલન થશે. જોકે આ મિલનવેળા નરેન્દ્રભાઇ પણ પોતાનું વ્યકતવ્ય આપશે અને આ ઘટનાનું દેશ અને દુનિયાના દરેક વ્હોરા બિરાદરોને જોવા સાંભળવા મળે તે અંગે સેટેલાઇટ મારફત જીવંત પ્રસારણ થાય તેવી વ્યવસ્થા  આયોજકો દ્વારા થઇ રહી છે.

ડો. સૈયદના સાહેબ ઇન્દોરમાં તા. ૧ર સપ્ટેમ્બરથી તા. ર૦ સુધી કરબબામાં આશરે ૧૪૦૦ વર્ષ પહેલા હ.ઇમામ હુસૈન (અ.સ.) અને તેમના ૭ર સગા સાથીઓએ આપેલ ભવ્ય કુરબાનીની બલિદાન ગાથા રજુ કરી રહ્યા છે. શુક્રવારે તેમનો ત્રીજો દિવસ છે, પણ આ દિવસે વિશ્વભરના દાઉદી વ્હોરા બિરાદરો લાખોની સંખ્યામાં બંને મહાનુભાવોની સ્પીચ નિહાળશ, સાંભળશે, તે પણ એક રેકર્ડ બનશે. હાલ ઇન્દોરમાં નામદાર ડો. સૈયદના સાહેબની વાએઝમાં ભારતના વિવિધ પ્રાંતો ઇન્ડોનેશીયા, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગલાદેશ, કેનેડા, અમેરિકા, ઇંગ્લેન્ડ, આફ્રિકા, કેન્યા, માંડાસ્કર, કુવૈત, દુબઇ, ઇજીપ્ત તદ્ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જસદણ, બોટાદ, મોરબી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, દ્વારકા, ગિરસોમનાથ, જામનગર જેવા જિલ્લાથી માંડી જસદણ જેવડા તાલુકા મથક સુધીના બહોળી સંખ્યામાં વ્હોરા બિરાદરો ઇન્દોરમાં છે.

વડાપ્રધાનની ઇન્દોર યાત્રાને લઇ એમપીના મુખ્ય સચિવ બી.પી. સિંહ, કલેકટર નિશાંત વરવડેએડી એમ અજય શર્માએ ત્રણ દિવસ પહેલા ઇન્દોરના સૈફીનગર વિસ્તારની મુલાકાત લીધી હતી. આ યાત્રાને લઇ ઇન્દોરમાં સાત એસ.પી. ત્રણ ડી.આઇ.જી, ચોવીસ ડી.વાય.એસ.પી., પ૦૦ પોલીસ, ૪૩ મહિલા પોલીસ આ ઉપરાંત વડાપ્રધાનના સ્પેશ્યલ ગ્રુપો ઉપરાંત અનેક પોલીસ ફોર્સ બળને રિર્ઝવ રાખવામાં આવ્યા છે.

કાલે શુક્રવારે સવારે મોદીજી એરપોર્ટથી સીધા ધર્મગુરૂના વાએઝ સ્થળ સૈફીનગર પહોંચી જશે.

વડાપ્રધાન માનવતાવાદી ડો. સૈયદના સાહેબને મળવાના હોવાથી તેમના દેશ-વિદેશમાં વસતા લાખોની સંખ્યાબળ ધરાવતા અનુયાયીઓમાં ખુશાલીના ઘોડાપુર ઉમટયા છે. (૮.૬)

(11:47 am IST)