Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

ઇથેનોલના ભાવમાં લિટરે ૫.૩૦નો વધારો, સુગર ફેકટરીઓને લાભ થશે

ખાંડના પેન્ડિંગ સ્ટોકથી પીડાતી સુગર ફેકટરીઓની માંદગી દૂર કરવા સરકારના પ્રયાસો

રાજકોટ તા. ૧૩ : સુગર ફેકટરીઓ દ્વારા બી હેવ્વી મોલાસીસમાંથી બનાવવામાં આવતા ઇથેનોલના ભાવ પણ રૂ. ૪૭.૧૩થી રૂ.૫.૩૦ વધારીને રૂ. ૫૨.૪૩ કરી આપ્યા હોવાથી સુગર ફેકટરીઓને ઇથેનોલથી થતી આવકમાં વધારો થશે તથા ખાંડનો સપ્લાય નિયંત્રિત થતાં બજારમાં ખાંડના ભાવ પણ તૂટતા અટકશે. તેનો સીધો લાભ ખેડૂત સભાસદોને પણ મળશે. આજે ભારતમાં ખાંડની ૨૩૫ લાખ ટનની ડિમાન્ડ સામે ૩૩૦થી ૩૫૦ લાખ ટનનું ઉત્પાદન છે. ગયા વર્ષના ઉત્પાદનમાંથી ૧૦૦ લાખ ટનથી વધુ ખાંડનો સ્ટોક દેશના ગોદામોમાં પડયો છે. તેથી ખેડૂતોના પેન્ડિંગ લેણાં સુગર ફેકટરીઓ ખેડૂતોને ચૂકવી શકતી નથી.

પ્રાઇમરી રસમાંથી ડાયરેકટ ઇથનોલ બનાવવાની ગુજરાતમાં ટેકનોલોજી નથી

ચલથાણ સુગર ફેકટરીના ચેરમેન કેતન પટેલનું કહેવું છે કે ગુજરાતમાં ૧૫ સુગર ફેકટરીઓમાંથી ૯ સુગર ફેકટરીઓ પાસે જ ડિસ્ટીલરીઓ છે. ઇથેનોલનું ઉત્પાદન કરી શકે છે. પરંતુ સરકારે આજે જે ઇથેનોલના લિટરે રૂ. ૫૯નો ભાવ આપવાની જાહેરાત કરી છે તે ઇથેનોલ બનાવવાની એટલે કે પ્રાઈમરી રસમાંથી ઇથેનોલ બનાવવાની ટેકનોલોજી ગુજરાતની સુગર ફેકટરીઓ પાસે નથી. પરંતુ તેના બદલે જો બી હેવ્વીમાંથી ઇથેનોલ બનાવનારાઓને જો સરકાર રૂ. ૫૯નો ભાવ આપે તો સુગર ફેકટરીઓના ખાંડના ઉત્પાદનમાં ટને ૧૦ કિલોનો ઘટાડો આવે, પરંતુ તેની સામે ઇથેનોલનું ઉત્પાદન વધી જાય તો તેને પરિણામે સુગર ફેકટરીઓની આર્થિક સ્થિતિમાં ઘણો મોટો તફાવત આવી જાય તેમ છે.

ક્રૂડની આયાત પરની  નિર્ભરતા ઘટી શકે

આજે પેટ્રોલમાં ૫થી ૧૦ ટકા ઇથેનોલ મિકસ કરવાની છૂટ છે. ત્રણ સરકારની ઓઈલ કંપનીઓ જ પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાની સત્તા ધરાવે છે. તેના સિવાય એક પણ ખાનગી ઓઈલ કંપનીઓને તેમાં ઇથેનોલ ભેળવવાની છૂટ નથી. ૧૦ ટકાથી વધુ ઇથેનોલ ભેળવવાની છૂટ આપવામાં આવે તો ભારતની ક્રૂડ ઓઈલની આયાત પરની નિર્ભરતામાં ઘટાડો થઈ શકે છે. ભવિષ્યમાં પેટ્રોલમાં ૧૫ ટકા ઇથનોલ મિકસ કરવાની છૂટ મળે તો ક્રૂડની આયાતમાં ઘટાડો કરી હૂંડિયામણ બચાવી શકાય છે.(૨૧.૧૦)

(11:35 am IST)